પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં જેલમાં ગયેલા રાજ કુન્દ્રાના કબાટમાંથી એક પછી એક હાડપિંજરો બહાર આવતાં જાય છે. રાજ કુન્દ્રાના એક સાથીના કહેવા મુજબ ગયા ફેબ્રુઆરી મહિનામાં મઢ ટાપુના બંગલામાં દરોડો પડ્યો તે પછી મુંબઈની પોલીસ રાજ કુન્દ્રાની ધરપકડ કરવા તૈયાર થઈ ગઈ હતી; પણ તેણે મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને ૨૫ લાખ રૂપિયાની લાંચ આપીને ધરપકડને ટાળી હતી.
જો રાજ કુન્દ્રાએ ખરેખર ૨૫ લાખ રૂપિયાની લાંચ આપી હોય તો તે કોને આપી હતી? ક્યારે આપી હતી? તેની વિગતો પણ તેણે જાહેર કરવી જોઈએ. રાજ કુન્દ્રાના સાથીદારે આ ફરિયાદની તપાસ કરવા મહારાષ્ટ્રના એન્ટી કરપ્શન બ્યૂરો સમક્ષ ફરિયાદ કરી હતી, પણ તેમણે ફરિયાદ દાખલ કરવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે તમારે લાંચ આપતાં પહેલાં ફરિયાદ કરવાની જરૂર હતી. જો રાજ કુન્દ્રાએ મુંબઇની ક્રાઈમ બ્રાંચના કોઈ અધિકારીને ૨૫ લાખની લાંચ આપી હતી તો પણ તેની ધરપકડ કેમ થઈ? શક્ય છે કે તે અધિકારીએ વધુ રકમની લાંચ માંગી હશે. શક્ય છે કે કેસને દબાવી દેવા કોઈ રાજનેતાએ પણ તેની પાસે મોટી રકમની લાંચ માંગી હશે. રાજ કુન્દ્રાએ તે આપવાનો ઇનકાર કરતાં તેની ધરપકડ કરવામાં આવી હોય તેવું પણ બની શકે છે.
રાજ કુન્દ્રાનું જે પ્રકરણ બહાર આવ્યું છે તે પોર્ન ફિલ્મોના ગંદા ધંધામાં હિમશિલાનો ટોચ ઉપરનો ભાગ છે. એક સમય હતો કે ભારતમાં પોર્ન ફિલ્મોની વિદેશોમાંથી આયાત કરવામાં આવતી અને કેટલીક પ્રતિબંધિત વેબસાઇટ પર જ દેખાડવામાં આવતી. આપણા દેશમાં ઓટીટી પ્લેટફોર્મ અને એપની બોલબાલા વધી તે પછી ભારતમાં બનેલી હિન્દીભાષી પોર્ન ફિલ્મોની ડિમાન્ડ વધી ગઈ અને તેના થકી કમાણી કરવાના રસ્તાઓ પણ ખૂલી ગયા. રાજ કુન્દ્રાએ તેનો લાભ લઈ પોર્ન ફિલ્મોનું પ્રોફેશનલ ધોરણે ઉત્પાદન અને માર્કેટિંગ કરવા માંડ્યું. તેની હોટશોટ નામની એપ એટલી લોકપ્રિય થઈ કે તેના માધ્યમથી તે જથ્થાબંધ પોર્ન ફિલ્મોનું ઉત્પાદન કરી કમાણી કરવા લાગ્યો.
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પાસે આશરે ૨,૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ હોવા છતાં તેને પોર્ન ફિલ્મો બનાવવાની જરૂર કેમ પડી? તેવો સવાલ થયા વિના રહેતો નથી. તેનો જવાબ એ છે કે રાજ કુન્દ્રાએ મોટા ભાગની સંપત્તિ ખોટા ધંધાઓ કરીને જ ઉપાર્જિત કરી છે. રાજ કુન્દ્રા અગાઉ ક્રિકેટમાં સટ્ટાના કેસમાં જેલમાં પણ જઈ આવ્યો છે. આ બધા ગેરકાયદે ધંધાઓ કરવા માટે રાજકારણીઓ અને પોલીસ અધિકારીઓ સાથે સારા સંબંધો રાખવા જરૂરી હોય છે.
રાજકારણીઓની અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની નબળાઇ સુંદર યુવતીઓ હોય છે. તેનો પુરવઠો ફિલ્મોદ્યોગમાંથી જ આવતો હોય છે. રાજ કુન્દ્રા કેવળ રૂપિયા કમાવા માટે જ પોર્ન ફિલ્મોનું નિર્માણ કરતો હોય તે વાત માનવામાં આવે તેવી નથી. પોર્ન ફિલ્મોનું નિર્માણ કરવાને કારણે તેનો કોન્ટેક્ટ પોતાનું શરીર વેચવા તૈયાર થતી હોય તેવી લલનાઓ સાથે થતો હતો. તેમનો ઉપયોગ તે પોતાના ગેરકાયદે ધંધાના પ્રમોશન માટે અને લોકોને રાજી રાખવા માટે કરતો હતો.
પોર્ન ફિલ્મોમાં યુવતીઓને કઈ રીતે ફસાવવામાં આવે છે? તેનું વર્ણન રાજ કુન્દ્રાનો શિકાર બનેલી એક યુવતીએ કર્યું છે. તેના કહેવા મુજબ યુવતીને કહેવામાં આવે છે કે તેણે ફિલ્મમાં કેટલાંક બોલ્ડ સીન આપવાનાં છે. યુવતીને કલ્પના નથી હોતી કે બોલ્ડની વ્યાખ્યા શું? તે શૂટીંગ માટે તૈયાર થઈ જાય છે. શૂટીંગ માટે મુંબઈમાં મઢ ટાપુ પરના બંગલાઓ કે ફાર્મ હાઉસ રોજના ૨૫ થી ૫૦ હજાર રૂપિયાના ભાડે રાખવામાં આવે છે.
શૂટીંગમાં ભાગ લેવા માટે નવોદિત યુવતીને ૨૫ હજાર રૂપિયાની લાલચ બતાડવામાં આવે છે. શૂટીંગ કરનારી ટીમમાં પાંચેક સભ્યો હોય છે, જેમાં બે કેમેરામેન ઉપરાંત મેક અપ મેન અને સ્પોટ બોયનો સમાવેશ થાય છે. જ્યારે શૂટીંગ ચાલુ કરવામાં આવે ત્યારે યુવતીને બધાં કપડાં ઊતારવાનું કહેવામાં આવે છે. તે જો તૈયાર થાય તો તેને ૨૫ હજાર રૂપિયા મળે છે. તે જો ઇનકાર કરે તો તેને કહેવામાં આવે છે કે બંગલાનું ભાડું તારે ભરવું પડશે. યુવતી પાસે ભાડું ભરવાના રૂપિયા હોતા નથી; માટે તે રતિક્રીડાનાં દૃશ્યો માટે તૈયાર થઈ જાય છે.
ઓટીટી પ્લેટફોર્મ પર પોર્નોગ્રાફીનો ધમધોકાર ધંધો ચાલે છે તેના મૂળમાં સરકારની ભૂલભરેલી નીતિ અથવા કોઈ પણ જાતની નીતિનો અભાવ કારણરૂપ છે. સરકાર દ્વારા હજુ સુધી કોને બિભત્સ કહેવાય અને કોને ન કહેવાય? તેની કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન જ તૈયાર કરવામાં આવી નથી. પરિણામે જેને જે મનમાં આવે તેવી ફિલ્મો બનાવે છે અને વેબસિરીઝના નામે તેને ઓટીટી પ્લેટફોર્મ પર બતાડે છે. સરકાર ગાઇડલાઈન નહીં બનાવે ત્યાં સુધી આ ગંદો ધંધો ચાલ્યા જ કરશે.
પોર્ન ફિલ્મોના રેકેટનો ભોગ બનતાં રહી ગયેલી નવોદિત કલાકાર સાગરિકા શોના સુમને પોર્ન ફિલ્મો બનાવતાં ઘણાં લોકોનો ભાંડો ફોડ્યો છે. સાગરિકાના કહેવા મુજબ રાજ કુન્દ્રાની જેમ આશરે ૩૦ ઇસમો કે ૩૦ કંપનીઓ પોર્ન ફિલ્મોનું નિર્માણ કરવાનો રીતસરનો ધંધો ચલાવે છે. આ ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર કાયદેસર બતાડવામાં આવે છે અને તેમાંથી કમાણી કરવામાં આવે છે.
વિધિની વિચિત્રતા એ છે કે ટી.વી. ઉપર કે થિયેટરોમાં પ્રદર્શિત થતી ફિલ્મો માટે બહુ ચીકાશ કરતી સરકારે ઓટીટી પ્લેટફોર્મ પર મૂકવામાં આવતી ફિલ્મો કે વેબસિરિયલો માટે કોઈ ધારાધોરણ જ બનાવ્યાં નથી. વળી તેને માટે કોઈ સેન્સર બોર્ડ પણ બનાવવામાં આવ્યું નથી. આ કારણે ઓટીટી પ્લેટફોર્મ ઉપર એડલ્ટ કન્ટેન્ટને નામે પોર્ન ફિલ્મો બેધડક બતાડવામાં આવે છે. આ નિર્માતાઓ પોતે જ પોતાની ફિલ્મને ૧૮ + નું પ્રમાણપત્ર આપી દેતા હોય છે. તેઓ ફિલ્મના પ્રારંભમાં ચેતવણી મૂકી દેતા હોય છે કે આ ફિલ્મનાં દૃશ્યો માત્ર પુખ્ત વયનાં દર્શકો માટે જ છે. જો કે હિન્દી ફિલ્મોમાં પુખ્ત વયનાં દર્શકો માટેની ફિલ્મમાં પણ અર્ધનગ્ન દૃશ્યો બતાડી શકાતાં નથી. ઓટીટી પ્લેટફોર્મ પર તો સંપૂર્ણ નગ્નતા અને રતિક્રીડાનાં દૃશ્યો પણ બેધડક બતાડવામાં આવે છે. રાજ કુન્દ્રાનું રેકેટ બહાર આવ્યા પછી આવી તમામ સિરિયલો અને એપો પ્રતિબંધિત કરી દેવાની જરૂર છે.
મુંબઇમાં એડલ્ટ ફિલ્મોમાં કામ આપવાની જાહેરાત કરીને યુવતીઓને ફસાવવાનું મોટું રેકેટ ચાલે છે. પોર્ન ફિલ્મોના નિર્માતાઓ દ્વારા જાહેરાત આપવામાં આવે છે કે ફિલ્મોમાં કામ કરીને તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. કોઈ યુવતી આપેલા ફોન નંબર ઉપર સંપર્ક કરે ત્યારે તેને મોબાઇલ ફોન પર વીડિયો કોલ દ્વારા ઓડિશન આપવાનું કહેવામાં આવે છે. સાગરિકા સુમન જ્યારે વીડિયો કોલ દ્વારા ઓડિશન આપવા તૈયાર થઈ ત્યારે ઓડિશન લેવા ત્રણ પુરુષો બેઠા હતા, જેમાંનો એક રાજ કુન્દ્રા પણ હતો. તેના સહાયક દ્વારા સાગરિકાને કપડાં ઊતારવાનું કહેવામાં આવ્યું હતું.
સાગરિકાએ કપડાં ઊતારવાનો ઇનકાર કરતાં તેને રિજેક્ટ કરવામાં આવી હતી. સાગરિકાએ જાહેર કર્યું કે રાજ કુન્દ્રાની કંપની જેવી ૩૦ કંપનીઓ પોર્ન ફિલ્મો બનાવી રહી છે ત્યારથી તેને આ કંપનીઓના સંચાલકોના ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. તેઓ સાગરિકા સુમન પર આક્ષેપ કરી રહ્યા છે કે તું અમારો પણ ધંધો બંધ કરાવી દઈશ. તેમનું કહેવું છે કે લોકોને પોર્ન ફિલ્મો જોવામાં રસ છે, માટે અમે પોર્ન ફિલ્મો બનાવીએ છીએ. તેમના કહેવા મુજબ બોલિવૂડમાં શૂટીંગ બંધ હોવાને કારણે ઘણી યુવતીઓ પોર્ન ફિલ્મો તરફ વળી છે, જેને રોજી આપવાનું કામ તેઓ કરે છે. – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.