World

ઈરાને પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કેમ કરી? બહાર આવ્યું કારણ…

નવી દિલ્હી(NewDelhi): ઈરાનની સેનાએ (IranArmy) પાકિસ્તાનમાં (Pakistan) ઘૂસીને હવાઈ હુમલો (AirStrike) કર્યો છે. જેના કારણે પાકિસ્તાન શોક્ડમાં છે. ખરેખર આ એર સ્ટ્રાઈક દરમિયાન પાકિસ્તાનની ધરતી પરથી ઈરાન વિરુદ્ધ ષડયંત્ર રચી રહેલા આતંકવાદી સંગઠન જૈશ-અલ-અદલને (Terrorist organization Jaish-al-Adal) નિશાન બનાવવા માટે કરવામાં આવી છે.

ઈરાનની સેનાએ આ આતંકવાદી જૂથના ઠેકાણાઓ પર મિસાઈલો છોડીને તેનો નાશ કર્યો હતો. હવે આ સ્ટ્રાઈકથી પાકિસ્તાન ખૂબ નારાજ છે. પાકિસ્તાનનો દાવો છે કે ઈરાનના હુમલામાં બે બાળકોના દુઃખદ મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલો બલૂચિસ્તાનમાં જૈશ-અલ-અદલના અડ્ડા પર કરવામાં આવ્યો હતો.

જૈશ-અલ-અદલ શું છે?
આતંકવાદી સંગઠન જૈશ-અલ-અદલનો મુખ્ય અડ્ડો પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં છે. તે સુન્ની સલાફી અલગતાવાદી આતંકવાદી સંગઠન છે. જૈશ-અલ-અદલ એટલે ‘ન્યાયની સેના’ થાય છે. ખરેખર જૈશ-અલ-અદલ અગાઉ વૈશ્વિક આતંકવાદી સંગઠન જુંદલ્લાહનો ભાગ હતો.

પરંતુ બાદમાં તે તેનાથી અલગ થઈ ગયો અને પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ કરવા લાગ્યો. ખાસ વાત એ છે કે આ સંગઠન પાકિસ્તાનની ધરતી પરથી કામ કરે છે અને ઈરાનમાં આતંકી ઘટનાઓને અંજામ આપે છે. આ સંગઠન એટલું મજબૂત હોવાનું કહેવાય છે કે તેણે ઈરાની સેના પર હુમલો પણ કર્યો છે.

2010માં ઈરાને આતંકવાદી સંગઠન જુંદલ્લાહના વરિષ્ઠ નેતા અબ્દોલમલેક રિગીની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ વર્ષ 2012 માં આ સંગઠનના સભ્યોએ બીજું સંગઠન બનાવ્યું, જેનું નામ જૈશ-અલ-અદલ હતું. આ આતંકી સંગઠનનો વડા હાલ સલાઉદ્દીન ફારૂકી છે. આ આતંકવાદી સંગઠનની કાર્યવાહીને કારણે ઈરાન, જાપાન, અમેરિકા અને ન્યુઝીલેન્ડે તેના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ત્રણ દેશોમાં જૈશ-અલ-અદલનો આતંક
આતંકી સંગઠન જૈશ-અલ-અદલ ત્રણ દેશોમાં પ્રભુત્વ ધરાવે છે. જેમાં ઈરાન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સામેલ છે. આ સંગઠનનું મુખ્યાલય પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આવેલું છે. ત્યાંથી તેનું સંચાલન થાય છે. તેની મોટાભાગની પ્રવૃત્તિઓ પાકિસ્તાન સરહદ નજીક ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં થાય છે.

આ સંગઠને ઈરાનમાં ઘણી મોટી આતંકવાદી ઘટનાઓને અંજામ આપ્યો છે અને ત્યાં ઘણી જગ્યાએ ઘાતક વિસ્ફોટ પણ કર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આ આતંકી સંગઠને ઈરાનના સિસ્તાન વિસ્તારમાં એક પોલીસ સ્ટેશનને ઉડાવી દીધું હતું. જેમાં 11 પોલીસકર્મીઓના કરૂણ મોત થયા હતા. આ હુમલા બાદ ઈરાને પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત કરી હતી. પરંતુ તેની બહુ અસર જોવા મળી નથી.

Most Popular

To Top