Business

ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધની વચ્ચે સૈન્યના વડા અને એટર્ની જનરલને કેમ ગડગડિયું આપ્યું?

ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની હાલત સાપે નોળિયો ગળ્યા જેવી થઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે યુદ્ધ શરૂ કર્યું ત્યારે તેમણે ધાર્યું હતું કે ચાર દિવસમાં યુદ્ધ પૂરું થઈ જશે, તહેરાનમાં નવી સરકારની સ્થાપના થઈ જશે અને અમેરિકાનો જયજયકાર થઈ જશે. યુદ્ધના પહેલા જ દિવસે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ ખામેનીની હત્યા કરવામાં અમેરિકાને સફળતા મળી હતી, પણ તેથી ઈરાન હાર્યું નહોતું. નવા નેતાની વરણી કરીને ઈરાને જંગ ચાલુ રાખ્યો હતો. ઈરાને અમેરિકા પર સીધો હુમલો કરવાને બદલે ગલ્ફમાં આવેલા તેના લશ્કરી અડ્ડાઓ નષ્ટ કરવાનું ચાલુ કર્યું. આ કારણે અમેરિકાના સાથીદારો ગભરાઈ ગયા હતા. અમેરિકા તેમને બચાવી ન શક્યું, જેને કારણે અમેરિકાની આબરૂના લીરે લીરા ઊડી ગયા હતા.

હાર્યો જુગારી બમણું રમે એ ન્યાયે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની ધરતી ઉપર અમેરિકાનું સૈન્ય ઊતારવાની તૈયારી કરી હતી. ઈરાને ધમકી આપી હતી કે તમારો એક પણ સૈનિક જીવતો પાછો નહીં જાય. ડોનાલ્ડ ટ્રમ્પ ડરી ગયા હતા અને તેમણે મુદ્દત પાડી હતી. આ બાજુ સમાચાર આવ્યા કે હતાશામાં આવેલા ટ્રમ્પ ઈરાન પર અણુહુમલો કરવાની વેતરણમાં છે. બીજી બાજુ સમાચાર આવ્યા કે અમેરિકાના સૈન્યના વડાઓ ઈરાનમાં સૈન્ય મોકલવાના અને તેના પર અણુહુમલો કરવાના વિરોધમાં છે. હવે ઘાંઘા બનેલા ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધના વચ્ચમાં તેમના સૈન્યના વડાને રાજીનામું આપવાની ફરજ પાડી છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગ્સેથે દેશના આર્મી ચીફ ઓફ સ્ટાફ જનરલ રેન્ડી જ્યોર્જને પદ છોડવા કહ્યું છે. આર્મી ચીફ ઓફ સ્ટાફને બદલવાનો હેગ્સેથેનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકાનું સૈન્ય ઈરાન સામે ભીષણ લશ્કરી કાર્યવાહીમાં રોકાયેલ છે. કોઈ યુદ્ધની વચ્ચમાં સૈન્યના વડાની બરતરફી કરવાનો અર્થ ગંભીર મતભેદો સિવાય બીજો હોઈ શકે નહીં. આ વિદાય દર્શાવે છે કે ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પ વહીવટીતંત્ર એવા લશ્કરી નેતૃત્વની શોધમાં છે જે ટ્રમ્પ અને હેગ્સેથની વ્યૂહરચના સાથે સુસંગત હોય.

જ્યોર્જ રેન્ડી વેસ્ટ પોઈન્ટના સ્નાતક છે. તેઓ દાયકાઓ સુધી લશ્કરી સેવા આપનાર કારકિર્દી પાયદળ અધિકારી છે. તેમને ૧૯૮૮માં કમિશન મળ્યું. તેમણે ઓપરેશન્સ ડેઝર્ટ શીલ્ડ, ડેઝર્ટ સ્ટોર્મ, ઓપરેશન ઇરાકી ફ્રીડમ અને ઓપરેશન એન્ડ્યુરિંગ ફ્રીડમ દરમિયાન સેવા આપી હતી. જ્યોર્જને તત્કાલીન રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આર્મી ચીફ ઓફ સ્ટાફના પદ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા અને ૨૦૨૩ માં સેનેટ દ્વારા તેમની નિમણૂક બહાલ કરવામાં આવી હતી. ચાર વર્ષના કાર્યકાળ હેઠળ તેઓ ૨૦૨૭ સુધી આ પદ પર રહેવાના હતા. આર્મી ચીફ ઓફ સ્ટાફ તરીકે નિયુક્ત થયા પહેલાં જ્યોર્જે ૨૦૨૨ થી ૨૦૨૩ સુધી વાઇસ ચીફ ઓફ સ્ટાફ તરીકે અને ૨૦૨૧ થી ૨૦૨૨ સુધી સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિનના સહાયક તરીકે સેવા આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન જ્યોર્જ તેમના પદ પરથી દૂર કરવામાં આવેલા છેલ્લા વરિષ્ઠ લશ્કરી અધિકારી છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઘણા ટોચના લશ્કરી અધિકારીઓને હટાવ્યા છે, જેમાં જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ચાર્લ્સ બ્રાઉનનો સમાવેશ થાય છે, જેમને તેમણે ફેબ્રુઆરી ૨૦૨૫ માં કોઈ પણ સમજૂતી વિના બરતરફ કર્યા હતા. દૂર કરાયેલા અન્ય વરિષ્ઠ અધિકારીઓમાં નૌકાદળ અને કોસ્ટ ગાર્ડના વડાઓ, રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીનું નેતૃત્વ કરનાર જનરલ, વાયુસેનાના વાઇસ ચીફ ઓફ સ્ટાફ, નાટોમાં તૈનાત નૌકાદળના એડમિરલ અને ત્રણ ટોચના લશ્કરી વકીલોનો સમાવેશ થાય છે. વાયુસેનાના વડાએ પણ તેમના ચાર વર્ષના કાર્યકાળમાંથી માત્ર બે વર્ષ પૂર્ણ કર્યા પછી કોઈ કારણ આપ્યા વિના નિવૃત્તિની જાહેરાત કરી હતી. યુએસ સધર્ન કમાન્ડના વડા પણ માત્ર એક વર્ષ કાર્યકાળ પછી નિવૃત્ત થયા હતા.

ચીફ ઓફ સ્ટાફના અકાળ રાજીનામા અંગે કોઈ સત્તાવાર સમજૂતી આપવામાં આવી નથી. પેન્ટાગોનના પ્રવક્તા સીન પાર્નેલે એક નિવેદનમાં ફક્ત એટલું જ કહ્યું કે જનરલ રેન્ડી એ. જ્યોર્જ આર્મીના ૪૧મા ચીફ ઓફ સ્ટાફ તરીકે અસરકારક રીતે નિવૃત્ત થશે. સંરક્ષણ વિભાગ જનરલ જ્યોર્જની આપણા રાષ્ટ્ર પ્રત્યેની દાયકાઓની સેવા માટે આભારી છે. અમે તેમની નિવૃત્તિમાં તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

ગયા વર્ષે પેન્ટાગોનના વડાએ સૈન્યમાં સક્રિય-ડ્યુટી ફોર-સ્ટાર જનરલો અને એડમિરલોની સંખ્યામાં ઓછામાં ઓછા ૨૦ ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત જનરલો અને ફ્લેગ અધિકારીઓની સંખ્યામાં પણ ૧૦ ટકાનો ઘટાડો કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યોર્જ રેન્ડીનું સ્થાન જનરલ ક્રિસ્ટોફર લાનેવ લેશે, જે હાલમાં વાઇસ ચીફ ઓફ સ્ટાફ છે અને અગાઉ હેગ્સેથના લશ્કરી સાથીદાર હતા. તેમણે ૨૦૨૨ થી ૨૦૨૩ સુધી અમેરિકન આર્મીના ૮૨મા એરબોર્ન ડિવિઝનના કમાન્ડિંગ જનરલ તરીકે સેવા આપી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પના એક પછી એક પાસાંઓ અવળાં પડી રહ્યાં છે તેમ તેઓ પોતાના નજીકના વિશ્વાસુ સાથીદારોનો જ ભોગ લઈ રહ્યા છે. તેમણે સૈન્યના વડા જનરલ જ્યોર્જ રેન્ડી ઉપરાંત એટર્ની જનરલ પામ બોન્ડીને પણ રાજીનામું આપવાની ફરજ પાડી છે. પામ બોન્ડીનો કાર્યકાળ નોંધપાત્ર વિવાદોથી ભરેલો રહ્યો હતો, જેમાં આરોપો લગાવવામાં આવ્યા હતા કે તેમણે ન્યાય વિભાગની પરંપરાગત સ્વતંત્રતાને ખતમ કરી હતી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટર્ની જનરલ પામ બોન્ડીની પ્રશંસા કરી તેમને એક મહાન દેશભક્ત અને વફાદાર સાથીદાર ગણાવ્યાં હતાં. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે પામ બોન્ડી ખાનગી ક્ષેત્રમાં નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યાં છે.

પામ બોન્ડીના કાર્યકાળ દરમિયાન મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા હતા અને ઘણા અનુભવી અધિકારીઓએ સ્વેચ્છાએ રાજીનામું આપ્યું હતું. આનાથી ન્યાય વિભાગમાં અસ્થિરતા અને તણાવનું વાતાવરણ સર્જાયું હતું. સૌથી મોટો વિવાદ જેફરી એપસ્ટેઇન કેસ સાથે સંબંધિત હતો. પામ બોન્ડી જેફરી એપસ્ટેઇનના ટ્રાફિકિંગ કેસ સંબંધિત ફાઇલોને લઈને ભારે દબાણ હેઠળ હતી.

શરૂઆતમાં તેણીએ એપસ્ટેઇનનું ક્લાયન્ટ લિસ્ટ હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં ન્યાય વિભાગે સ્વીકાર્યું કે આવા કોઈ દસ્તાવેજો અસ્તિત્વમાં નથી. આ બાબતે તેણીને તેના પોતાના સમર્થકો તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો હતો. ડેમોક્રેટિક નેતાઓએ બોન્ડી પર ન્યાય વિભાગને બદલો લેવાના સાધનમાં ફેરવવાનો આરોપ મૂક્યો હતો. પામ બોન્ડીએ પોતે જણાવ્યું હતું કે તે ન્યાય વિભાગની વિશ્વસનીયતા પુનઃસ્થાપિત કરવા અને અગાઉના વહીવટ દરમિયાન થયેલી કથિત ભૂલોને સુધારવા માટે કામ કરી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના તેના સંબંધો ખૂબ જ નજીકના માનવામાં આવતા હતા. તેણીએ ખુલ્લેઆમ તેમને ટેકો આપ્યો હતો અને ઘણી વાર જાહેરમાં તેમની પ્રશંસા કરી હતી. સમય જતાં ડોનાલ્ડ ટ્રમ્પ તેના કામથી અસંતુષ્ટ થઈ ગયા હતા, કારણ કે તેમને લાગતું હતું કે પામ બોન્ડી તેમના રાજકીય વિરોધીઓ સામે પગલાં લેવામાં નિષ્ફળ ગઈ છે. પામ બોન્ડીને હટાવવાથી ડોનાલ્ડ ટ્રમ્પ હેઠળ ન્યાય વિભાગમાં ચાલી રહેલા ફેરફારોમાં વધુ એક પગલું ભરાયું છે.

તેમના બંને કાર્યકાળ દરમિયાન ઘણા એટર્ની જનરલને કાં તો દૂર કરવામાં આવ્યા હતા અથવા તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. સફળ નેતા તેને કહેવાય, જે પોતાના બધા સાથીદારોને સાથે લઈને ચાલી શકે અને પોતાની સફળતાનું શ્રેય પોતાના સાથીદારોને આપી શકે. નિષ્ફળ નેતા તેને કહેવાય, જે પોતાની નિષ્ફળતાનો દોષ પોતાના સાથીદારોના માથે ઢોળી દે અને તેમનો ભોગ લઈ લે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે તો ડૂબી રહ્યા છે પણ તેની સાથે અમેરિકા જેવી વિશ્વની મહાસત્તાને પણ ડૂબાડી રહ્યા છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top