SURAT

આપના કાર્યકરોના ટોળાએ શા માટે મેયરના બંગલાનો ઘેરાવ કરી ફેસબુક લાઇવ કર્યું?

SURAT : સુરત મનપાની ( SMC) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં પોતાના જ પક્ષના કોઇ ગદ્દાર નગર સેવકે ભાજપના ( BHAJAP) સભ્ય માટે ક્રોષ વોટીંગ ( CROSS VOTING) કરતા ભાજપની ચાલ સફળ રહી છે. તેમજ આમ આદમી પાર્ટીના ( AAM AADMI PARTY) એક સભ્યના આઠ મતો રદ થતા આપના માત્ર એક સભ્ય જ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જીતી શકયા છે. આ ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ ભારે હોબાળો મચી ગયો હતો, કલાકો સુધી આપના કાર્યકરોએ મનપાના મુખ્યાલયને ઘેરો ઘાલ્યો હતો તેથી ભાજપના તમામ પદાધિકારીઓ અલગ અલગ રસ્તેથી ઘરે ચાલ્યા ગયા હતા.

ત્યાર બાદ આપના નગર સેવકો અને કાર્યકરોની મીટીંગ વિપક્ષી નેતાની ઓફીસમાં થઇ હતી. આપ દ્વારા મેસેજ વાયરલ કરાતા મોટી સંખ્યામાં આપના કાર્યકરો મનપા ખાતે આવી ગયા હતા. જો કે મેયર ચાલ્યા ગયા હોવાથી આ કાર્યકરો મેયર બંગલા ખાતે ગયા હતા. પરંતુ ધમાલથી ચેતી ગયેલા મેયર રાત્રે મેયર બંગલે ગયા નહોતા તેથી અહી વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ ફેસબુક લાઇવ ( FACEBOOK LIVE) કરી ભાજપે ગંદુ રાજકારણ રમ્યું હોવાના આક્ષેપ સાથે બેલેટ પેપરની તફડંચી થઇ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો તેમજ આ ચૂંટણી રદ કરી ફેર મતદાન માટે માંગણી કરતું આવેદનપત્ર મેયર બંગલા પરના ડોર કીપરને આપી આ આવેદનપત્ર મેયરને પહોંચાડી દેવા અનુરોધ કર્યો હતો.



આપના કોર્પો.ને મતદાન કર્યા બાદ ફોટા લેવા કહેવાયું હતું પરંતુ ભાજપના પદાધિકારીએ તેમાં પણ ખેલ પાડી દીધો

ભાજપે તેના બિનસતાવાર સભ્ય શિક્ષણ સમતિની ચૂંટણીમાં ઉભા રાખ્યા ત્યારથી જ વિપક્ષમાં ભાજપના નેતાઓ તોડફોડ કરશે તે નકકી જ હતું. તેથી આપના નેતાઓએ પણ વોચ ગોઠવી હતી. સુરત મનપાના અગાઉની ટર્મમાં પણ નગર સેવક રહી ચૂકેલા અને હાલના વજનદાર પદાધિકારીએ ક્રોસ વોટિંગ કરાવી ભાજપના વધારાના ઉમેદવારને જીતાડવા જવાબદારી લઇ જડબેસલાક વ્યુહરચના ઘડી હતી. વિપક્ષની ઓફિસની નજીકની જ ઓફિસમાં આખી બાજી ગોઠવાઇ હોવા છતાં વિપક્ષી નેતાને ગંધ સુધ્ધા આવી નહોતી. અને વિપક્ષના સભ્યોને જયારે મતદાન કરવા માટે ટ્રેનિંગ અપાઇ ત્યારે જ તમામ સમજણ આપવાની સાથે તમામ સભ્યોએ કોઇ પણ રીતે મતકુટિરની અંદર મોબાઇલ લઇ જવો અને ત્યાંથી કયા ઉમેદવારને આઠ મત આપ્યા છે તેનો ફોટો લઇને રજૂ કરવો તેવી કડક સુચના અપાઇ હતી. જો કે આ સુચનાની વાત પણ તેની નજીકની જ ઓફિસમાં બેસતા પદાધિકારીને પહોંચી ગઇ હતી તેથી વ્યુહરચના બદલાવી કાઢી હતી. આપના સભ્યને પહેલા માત્ર ભાજપના ઉમેદવારને મત આપવા કહેવાયું હતું. તેના બદલે પહેલા આપના ઉમેદવારને મત આપીને ફોટો લઇ લેવો. બાદમાં ભાજપના સભ્યને પણ આઠે આઠ મત આપવા તેવું કહેવાયું હતું. જેથી તેના તમામ મતો રદ ગણાય અને આપનો ઉમેદવાર હારી જાય. આખરે આવું જ થયું અને આપની તમામ તકેદારીઓ નિષ્ફળ રહી, જયારે ભાજપના પદાધિકારી બાજી મારી ગયા હતાં.



ભાજપની બે મહિલા સભ્યોએ મતદાનમાં ભૂલ કરી, મોકડ્રીલમાં ભાજપના 32 નગર સેવકોએ ભૂલ કરી હતી

શિક્ષણ સમિતિની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધૂળ ચાટતી કરવા માટે ભાજપના નેતાઓએ તમામ તકેદારી રાખી હતી, સતત બે દિવસ સુધી ભાજપના સભ્યોને મતદાન કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ આપી હતી. ભાજપના ઉમેદવારને જીતવા માટે જરૂરી જેટલા મતો જોઇએ તે મુજબની સંખ્યાના નગર સેવકોના ગૃપ બનાવી દઇ તેને કયા નંબરના ઉમદવારને મત આપવાના છે તે શીખવાડાયું હતું. આમ છતાં ચૂંટણીના એક દિવસ અગાઉ જયારે ભાજપ કાર્યાલય પર મતદાનની મોકડ્રીલ યોજાઇ, ત્યારે 32 નગર સેવકોએ મતદાનમાં ભૂલ કરી હતી. તેથી આ નગર સેવકોને ફરી-ફરીને સમજાવાયું હતું. જોકે આમ છતાં ખરેખર મતદાન થયું તેમાં ભાજપની બે મહિલા સભ્યોએ ભૂલ કરતા એક સભ્યને જરૂર કરતા વધુ મતો મળી ગયા હતા. અને તે જે ગૃપમાં હતા તે સભ્યને ઓછા મત મળ્યાં હતાં.

Most Popular

To Top