બ્રાઝિલે ભારતમાં બનેલી કોવેક્સિનનો ઓર્ડર આપ્યો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્વભેર જાહેર કર્યું હતું કે બ્રાઝિલ જેવો મોટો દેશ પણ મેડ ઇન ઇન્ડિયા વેક્સિન ખરીદવા લાઈનમાં ઊભો છે. હવે બ્રાઝિલે કોવેક્સિનના બે કરોડ ડોઝ રિજેક્ટ કરી દીધા છે ત્યારે ભારત સરકારે ભેદી મૌન ધારણ કરી લીધું છે. બ્રાઝિલે જે કારણે ભારત બાયોટેકની કોવેક્સિન રિજેક્ટ કરી દીધી તેનાં કારણો ખૂબ ચોંકાવનારાં અને ગંભીર છે. બ્રાઝિલના ડ્રગ રેગ્યુલેટર અન્વિસાના રિપોર્ટ પ્રમાણે કોવેક્સિનની બનાવટમાં સાર્સ-કોવ-૨ના જીવંત વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે, પણ વાયરસને પૂરેપૂરા મારી નાખવાની બાબતમાં બેદરકારી સેવવામાં આવે છે. આ કારણે વેક્સિન લેનારને જ કોવિડ-૧૯ થવાની સંભાવના રહે છે. વળી કોવેક્સિનની પોટન્સીમાં પણ દરેક ડોઝમાં ફરક જોવા મળ્યો હતો. ભારતમાં આશરે ૯૦ લાખ લોકોને ભારત બાયોટેકની કોવેક્સિન અપાઈ ચૂકી છે. જો બ્રાઝિલના ડ્રગ રેગ્યુલેટરનો રિપોર્ટ સાચો હોય તો ભારતમાં તાજેતરમાં કોવિડ-૧૯ના કેસોમાં જોવા મળતા ઉછાળા અને મરણ પાછળ કોવેક્સિન જવાબદાર છે.
બ્રાઝિલના રિપોર્ટમાં બહુ મહત્ત્વનો સવાલ કરવામાં આવ્યો છે કે જો ભારત બાયોટેકની કોવેક્સિનમાં ગંભીર ક્ષતિઓ રહીગઈ હોય તો તે બાબતમાં ભારતના ડ્રગ રેગ્યુલેટર કેમ ખામોશ છે? ભારતમાં કોઈ પણ વેક્સિનને મંજૂરી આપવાનું કામ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન નામની સંસ્થા કરે છે. ભારત બાયોટેકની કોવેક્સિનને મંજૂરી આપતા પહેલાં તેની ફરજ હતી કે તેણે કંપનીના પ્લાન્ટની મુલાકાત લઈને વેક્સિનની સલામતી બાબતમાં ચોકસાઈ કરવી જોઈતી હતી. બ્રાઝિલના ડ્રગ રેગ્યુલેટરના રિપોર્ટ પરથી લાગે છે કે કોવેક્સિનને મંજૂરી આપતા પહેલા તેવી કોઈ ચકાસણી કરવામાં આવી નહોતી. તેને બદલે ભારત સરકારે કોવેક્સિનના વધુ દસ કરોડ ડોઝનું ઉત્પાદન કરવાનું જાહેર કરીને કરોડોની જિંદગી જોખમમાં મૂકી દીધી છે.
ભારતના અને બ્રાઝિલના કાયદાઓ મુજબ કોઈ પણ વેક્સિન માર્કેટમાં મૂકતા પહેલાં તેમાં વાપરવામાં આવેલો વાયરસ પૂરેપૂરો નિષ્ક્રિય થઈ ગયો છે કે કેમ? તેની ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. જો થોડા ઘણા પણ વાયરસ જીવતા રહી ગયા હોય તો મનુષ્યના શરીરમાં દાખલ થતાની સાથે જ તેઓ વિભાજીત થવાનું ચાલુ કરી દે છે. જોતજોતામાં તે વાયરસ આખા શરીરમાં ફેલાઈ જાય છે અને વેક્સિન લેનાર ચેપી રોગનો ભોગ બને છે. ૧૯૫૫માં અમેરિકામાં ‘કટર ગોટાળો’ થયો હતો. તેમાં બાળકોને આપવામાં આવેલી પોલિયો વેક્સિનમાં ભૂલથી જીવંત વાયરસ રહી ગયો હતો. જે ૧.૨૦ લાખ બાળકોને પોલિયોની વેક્સિન આપવામાં આવી હતી તેમાંના ૪૦ હજાર બાળકો પોલિયોનો ભોગ બન્યા હતા. અમેરિકાની સરકારે વેક્સિનની ઝુંબેશ પડતી મૂકી હતી. જો બ્રાઝિલના ડ્રગ રેગ્યુલેટરનો રિપોર્ટ સાચો હોય તો કોવેક્સિન લેનારા ભારતના કરોડો નાગરિકો કોવિડ-૧૯નો ભોગ બની શકે છે. ભારત સરકારે આ ભયસ્થાન બાબતમાં સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે.
જો વેક્સિન બનાવતી કંપની તેમાં વપરાતા વાયરસને પૂરેપૂરો મારી નાખવામાં નિષ્ફળ જાય તો કેવી દુર્ઘટના સર્જાઈ શકે છે? તે સમજવા માટે વેક્સિન બનાવવાની પ્રક્રિયા સમજવી જરૂરી છે. કોઈ પણ વેક્સિન બનાવવા માટે વાયરસનો ઉછેર પ્રાણીના જીવંત કોષમાં કરવો જરૂરી ગણાય છે. ભારત બાયોટેકની કોવેક્સિનમાં જે જીવંત કોષો વાપરવામાં આવે છે તે આફ્રિકાના લીલા વાંદરાને મારીને તેની કિડનીમાંથી મેળવવામાં આવે છે. જીવંત કોષોમાં વાયરસની સંખ્યા વધી જાય તે પછી તે પ્રવાહીને ફિલ્ટર કરી લેવામાં આવે છે, જેને કારણે વાયરસ અને કોષના મૃત ભાગો અલગ પડી જાય છે. તે પછી કંપની ગરમીનો કે કેમિકલનો ઉપયોગ કરીને વાયરસને મારી નાખે છે. ભારત બાયોટેક કોરોના વાયરસને મારવા માટે બિટા પ્રોપિયોલેક્ટોન નામના કેમિકલનો ઉપયોગ કરે છે.
કોઈ પણ વેક્સિન ઉત્પાદક વેક્સિન તૈયાર થઈ જાય તે પછી તેમાં વાયરસ મરી ગયા છે કે કેમ? તેની ચકાસણી કરવા માટે જાતજાતના પ્રયોગો કરતી હોય છે. હડકવાની રસીની સલામતીની ચકાસણી કરવા તેને જીવંત કોષમાં દાખલ કરવામાં આવે છે. જો તેમાં હડકવાના એન્ટીજિન પેદા થાય તો માની લેવાય છે કે વેક્સિનમાં જીવંત વાયરસ છે. બીજી પદ્ધતિમાં ઉંદરને હડકવાની વેક્સિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જો બે અઠવાડિયામાં ઉંદરમાં હડકવાની બીમારી પેદા થાય તો માની લેવામાં આવે છે કે વેક્સિનમાં જીવંત વાયરસ રહી ગયા છે. બ્રાઝિલના ડ્રગ રેગ્યુલેટરના હેવાલ મુજબ ભારત બાયોટેકે આ મુજબની બધી ચકાસણી કરી નહોતી.
કોઈ પણ કંપની પોતાની વેક્સિનના કરોડો ડોઝ માર્કેટમાં વેચવા કાઢે ત્યારે તેણે ચોકસાઈ કરવી જોય કે તમામ ડોઝની પોટેન્સી એકસરખી છે. તેને કારણે જે કરોડો લોકોને વેક્સિન આપવામાં આવે તેને એકસરખા ડોઝ મળવા જોઈએ. બ્રાઝિલના ડ્રગ રેગ્યુલેટર અન્વિસાના રિપોર્ટ મુજબ ભારત બાયોટેક દ્વારા કોવેક્સિનની ચકાસણી માટે જે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં તમામ ડોઝની પોટેન્સી એકસરખી હોય તેવી ખાતરી થઈ શકતી નથી. આ કારણે વેક્સિનના કેટલાક ડોઝ તીવ્ર હોય અને કેટલાક હળવા હોય તેવી સંભાવના રહે છે. ભારત બાયોટેક દ્વારા વેક્સિન ઝડપથી બજારમાં મૂકી દેવાની ઉતાવળમાં આ બેદરકારી રાખવામાં આવી હોય તેવું બની શકે છે. ભારત સરકાર દ્વારા પણ સ્વદેશી વેક્સિનને પ્રમોટ કરવા માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી. દાખલા તરીકે કોવેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી હતી તે દરમિયાન જ તેને વેક્સિન બજારમાં મૂકવાની છૂટ આપી દેવામાં આવી હતી. આ કારણે જે લાખો લોકો કોવેક્સિન લઈ રહ્યા હતા તેઓ હકીકતમાં ક્લિનિકલ ટ્રાયલનો ભાગ હતા. બીજા શબ્દોમાં લાખો લોકોને પ્રાયોગિક વેક્સિન અપાઈ રહી હતી પણ તેમને તેની જાણ જ કરવામાં આવી નહોતી. જો કોવેક્સિનમાં જીવંત વાયરસ રહી ગયા હોય તો તેને લેનારા લાખો લોકોના જીવ જોખમમાં આવી ગયા છે.
બ્રાઝિલના ડ્રગ રેગ્યલેટરના રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે કોવેક્સિનમાં સ્ટરિલિટી અને પ્યોરિટીની કાળજી પણ રાખવામાં આવી નહોતી. અન્વિસાના રિપોર્ટમાં આ બાબતમાં વધુ વિગતો આપવામાં આવી નથી; પણ આ મુદ્દો બહુ ગંભીર છે. સ્ટરિલિટીનો અર્થ થાય છે કે કોઈ પણ વેક્સિન સૂક્ષ્મ જીવાણુથી મુક્ત હોવી જોઈએ. જે વેક્સિન બનાવ્યા પછી તેને બરાબર ફિલ્ટર ન કરવામાં આવે તો તેમાં સૂક્ષ્મ જીવાણુઓના શરીરના ભાગો રહી જાય છે. જો વેક્સિન વાટે કોઈ સૂક્ષ્મ જીવાણુના ટુકડાઓ પણ માનવ શરીરમાં પ્રવેશી જાય તો ભારે ખાનાખરાબી કરી શકે છે. પ્યોરિટીનો અર્થ થાય છે કે વેક્સિનમાં જીવાણુ સિવાયનો કોઈ કચરો પણ રહી જવો ન જોઈએ. બ્રાઝિલના ડ્રગ રેગ્યુલેટરના જણાવ્યા મુજબ કોવેક્સિનમાં આવો કચરો રહી ગયો હોય તેવી સંભાવના પણ રહે છે.
ભારત સરકારે કોવિશીલ્ડ અને કોવેક્સિનને મંજૂરી આપી છે તે કટોકટીની કલમો હેઠળ મર્યાદિત ઉપયોગ માટે આપવામાં આવી છે. હવે આ વેક્સિનનો મર્યાદિત ઉપયોગ કરવાને બદલે તમામ નાગરિકોને ફરજિયાત વેક્સિન લેવા દબાણ કરવામાં આવી રહ્યું છે. જો વેક્સિનના ઉત્પાદનમાં કોઈ બેદરકારી રહી ગઈ હશે તો ૧૯૫૫ના કટર ગોટાળાનું પુનરાવર્તન થઈ શકે છે.