Columns

કિર્ગિસ્તાનમાં રહેતાં હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેમ ભયભીત થઈ ગયાં છે?

ભારતમાં તબીબી શિક્ષણ મોંઘુંદાટ હોવાને કારણે લાખો ભારતીય વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ લેવા માટે વિદેશોમાં જાય છે. કેટલાક દલાલો પણ આ રીતે તબીબી શિક્ષણ લેવા માટે વિદેશ જતાં વિદ્યાર્થીઓની તમામ વ્યવસ્થા કરી આપે છે અને નફો રળે છે. સોવિયેટ રશિયામાંથી છૂટા પડેલા કિર્ગિસ્તાનમાં પણ ભારત અને પાકિસ્તાન સહિત અનેક દેશોનાં વિદ્યાર્થીઓ તબીબી શિક્ષણ લેવા આવે છે. તાજેતરમાં કિર્ગિસ્તાનમાં વિદેશી વિદ્યાર્થીઓ સામે હિંસક આંદોલન ચાલી રહ્યું હોવાથી ભારતનાં ૧૭,૪૦૦ વિદ્યાર્થીઓ ફફડાટ હેઠળ જીવી રહ્યાં છે. ૧૩ મેના રોજ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં સ્થાનિક લોકો અને વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈ પછી ઉશ્કેરાયેલા ટોળાએ ૧૭ મેની રાત્રે વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાની સહિત ઘણા વિદેશી વિદ્યાર્થીઓ ઘાયલ થયાં હતાં. બિશ્કેકમાં પાકિસ્તાની અને ભારતીય દૂતાવાસોએ વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં જ રહેવાની સૂચના આપી છે.

યુક્રેન યુદ્ધ દરમિયાન ત્યાં અભ્યાસ કરી રહેલાં હજારો ભારતીય વિદ્યાર્થીઓને ભારત પરત ફરવું પડ્યું હતું. ભારતીય વિદ્યાર્થીઓએ સરકારને અપીલ કરી હતી કે તેઓ તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે મધ્ય એશિયાના દેશોમાં પાછા જવા માગે છે. સરકારની મંજૂરી બાદ હજારો વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાન સહિતના મધ્ય એશિયાઈ દેશોમાં ગયા હતા અને તેમણે ત્યાંની મેડિકલ કોલેજોમાં એડમિશન લીધું હતું. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર ૧૩ મેના રોજ સ્થાનિક લોકો અને ઇજિપ્તના વિદ્યાર્થીઓ વચ્ચે હિંસા થઈ હતી.

ઇજિપ્તના વિદ્યાર્થીઓની હોસ્ટેલમાંથી ચોરી કરતાં પકડાયેલા એક સ્થાનિક વ્યક્તિને વિદ્યાર્થીઓના જૂથે ઢોરમાર માર્યો હતો. આ મારપીટનો વિડિયો ત્રણ દિવસ સુધી સોશ્યલ મિડિયા પર વાયરલ થતો રહ્યો અને બહારનાં વિદ્યાર્થીઓ પ્રત્યે સ્થાનિક લોકોનો ગુસ્સો વધી ગયો હતો. કિર્ગિસ્તાનમાં ઘણા સોશ્યલ મિડિયા પ્રભાવકોએ પણ વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોસ્ટ કરીને ગુસ્સો વધુ વધાર્યો હતો. હકીકતમાં બિશ્કેકમાં સોશ્યલ મિડિયાને કારણે પણ બળતામાં ઘી હોમાયું છે.

દિલ્હીના રહેવાસી આલમગીરે કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકની ઇન્ટરનેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. આલમગીરે જણાવ્યું કે ૧૮ મેની રાત્રે બહારનાં લોકોએ તેમના શયનગૃહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થાનિક લોકોની દરમિયાનગીરી બાદ તેઓ ભાગી ગયાં હતાં. હું ઇન્ટરનેશનલ મેડિકલ યુનિવર્સિટીથી લગભગ દોઢ કિલોમીટર દૂર રહું છું. હિંસાની પહેલી રાત પછી અમને સુરક્ષાની ખાતરી આપવામાં આવી હતી. અમને અમારી લાઇટ બંધ રાખવાનું કહેવામાં આવ્યું હતું.

ગઈ રાત્રે બહારનાં લોકોએ અમારા શયનગૃહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલાં તેઓએ અમારી બારીઓ પર લાઇટ મારી હતી અને બારીઓ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમય દરમિયાન અમે સંપૂર્ણપણે મૌન રહ્યાં હતાં. તેઓએ પથ્થરમારો પણ કર્યો હતો. તે દરમિયાન અહીં રહેતાં સ્થાનિક લોકો, જેમના સંપર્કમાં અમે આવ્યાં હતાં, તેઓ આવ્યા હતા અને હુમલાખોરોનો પીછો કર્યો હતો. અમે આ હુમલા દરમિયાન મદદ માટે રચાયેલા જૂથને મદદ માટે અપીલ કરી હતી, પરંતુ કોઈ મદદ મળી ન હતી.

ઇન્ટરનેશનલ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી MBBSની વિદ્યાર્થિની અવનિએ કહ્યું કે યુનિવર્સિટી કેમ્પસની આસપાસનું વાતાવરણ શાંત છે. બહાર સુરક્ષા પણ પૂરી પાડવામાં આવી છે અને અનેક પોલીસ વાહનો પાર્ક કરવામાં આવ્યાં છે. યુનિવર્સિટી પ્રશાસને પણ અમને સુરક્ષાની ખાતરી આપી છે અને અમને શાંત રહેવા માટે કહ્યું છે. અવનિના કેમ્પસની આસપાસ સુરક્ષા છે પરંતુ તે બહાર રહેતાં તેના મિત્રોની ચિંતા કરે છે.

અહીંનાં સ્થાનિક લોકો બહારના વિદ્યાર્થીઓની વિરુદ્ધ થઈ ગયાં છે. બિશ્કેકમાં સ્થિતિ વધુ વણસી ત્યારે અવનિના પરિવારે ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. અવનિ કહે છે કે ભારતીય દૂતાવાસના અધિકારીઓએ મારો સંપર્ક કર્યો અને મારી સુખાકારી વિશે પૂછ્યું હતું. દૂતાવાસ દ્વારા અમને મદદનું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ ભારતમાં મારો પરિવાર ડરી ગયો છે. મેં ૧૦ જૂને રિટર્ન ટિકિટ બુક કરાવી છે. મારો પરિવાર આ ઈચ્છે છે કે મારે અહીંથી વહેલાં પાછાં ફરવું જોઈએ.

પ્રશાસને કેમ્પસમાં રહેતાં વિદ્યાર્થીઓને સુરક્ષા પૂરી પાડી છે પરંતુ કેમ્પસની બહાર રહેતાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. કેમ્પસની બહાર રહેતાં વિદ્યાર્થીઓને વધુ જોખમ હોય છે. અન્ય એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે તેણે રિટર્ન ટિકિટ બુક કરાવી છે અને ૬ જૂને કઝાકિસ્તાનથી ભારતની ફ્લાઈટ લેશે.  કેટલાંક વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ભારત સરકારે કિર્ગિસ્તાન સરકાર પર સુરક્ષા વધારવા માટે વધુ દબાણ કરવું જોઈએ. ભારતીય દૂતાવાસની મદદ યુનિવર્સિટી કેમ્પસની બહાર રહેતાં વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહી નથી.

યુક્રેન યુદ્ધ બાદ ભારતીયો અને અન્ય ઘણા દેશોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં મેડિસિનનો અભ્યાસ કરવા આવ્યા છે. પાકિસ્તાન,  બાંગ્લા દેશ, ઇજિપ્ત અને અન્ય ઘણા દેશોનાં વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે. દેશની આર્થિક સ્થિતિને કારણે કિર્ગિસ્તાનનાં યુવાનોને રશિયા જઈને નોકરી કરવી પડી છે. સ્થાનિક પ્રજાની આર્થિક સ્થિતિએ પણ વિદેશી વિદ્યાર્થીઓ અને બહારનાં લોકો સામે રોષને વેગ આપ્યો છે.

એક ભારતીય વિદ્યાર્થીએ વિડિયો મોકલ્યો છે, જેમાં કેટલાંક સ્થાનિક બાળકો તેના એપાર્ટમેન્ટની બહાર વિદેશી વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહાર કરતાં જોવામાં આવે છે. આ વિદ્યાર્થીએ કહ્યું કે જાતિવાદ પહેલાં પણ હતો, પરંતુ ૧૩ મેની ઘટના પછી તેમાં વધારો થયો છે. બહારનાં વિદ્યાર્થીઓને ધમકીઓ આપવામાં આવી રહી છે. ભારતીય વિદ્યાર્થીઓએ સરકાર પાસે માંગણી કરી છે કે વિદ્યાર્થીઓના પરત ફરવાની વ્યવસ્થા કરવામાં આવે અને બિશ્કેકમાં વધુ સુરક્ષા માટે સ્થાનિક સરકાર પર દબાણ કરવામાં આવે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર ભારત સરકારે ઉચ્ચ સ્તરે કિર્ગિસ્તાન સરકારનો સંપર્ક કર્યો છે અને ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હવે સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. બિશ્કેકમાં ઘણાં પાકિસ્તાની વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યાં છે. ત્યાર બાદ પાકિસ્તાન સરકારે તેના વિદ્યાર્થીઓને પાછાં બોલાવવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાન સરકાર સ્પેશ્યલ ફ્લાઈટ દ્વારા વિદ્યાર્થીઓને પરત બોલાવી રહી છે અને લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓને પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રણધીર જયસ્વાલનું કહેવું છે કે અત્યારે ભારત સરકાર આ દિશામાં કામ કરી રહી નથી. અમારું ધ્યાન અત્યારે એ છે કે ત્યાંની પરિસ્થિતિ વધુ સારી બને અને ભારતીય વિદ્યાર્થીઓ તેમની પરીક્ષા આપી શકે. અમારું દૂતાવાસ ચોવીસ કલાક કામ કરી રહ્યું છે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીને મદદ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

કિર્ગિસ્તાનની સરકારનું કહેવું છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને હિંસામાં સામેલ સ્થાનિકો અને બહારનાં લોકોની અટકાયત કરવામાં આવી છે. એક નિવેદનમાં કિર્ગિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે કિર્ગિસ્તાનનાં દળો ૧૮ મેની રાત્રે બનેલી ઘટનાની માહિતી મળ્યા બાદથી સક્રિય છે અને સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષા દળોના નિયંત્રણમાં છે. હિંસાની ઘટનાઓમાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. લગભગ પંદર લોકોને સારવાર આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે કોઈ વિદેશી નાગરિક ઘાયલ થયાં હોવાની માહિતી મળી નથી. મંત્રાલયે મિડિયા અને વિદેશી દૂતાવાસોને પણ ભ્રામક માહિતીનો પ્રચાર ન કરવાની અપીલ કરી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top