Vadodara

વડોદરા : MSUના વીસી ગુમ થયેલ છે, યુનિવર્સીટીના ગેટ બહાર પોસ્ટર લગાવી વિરોધ

સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રાધાન્યતાના મુદ્દે ABVP મેદાનમાં :

વીસી નહિ જાગે તો જુદા જુદા કાર્યક્રમો કરી જગાડવામાં આવશે :

( પ્રતિનિધિ ) વડોદરા તા.22

મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ ક્વોટાને લઈ વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિવિધ પ્રકારે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે ABVPના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સીટીના ગેટ બહાર વાઈસ ચાન્સેલર ગુમ થયેલ છે તેવું પોસ્ટર લગાવી અનોખો વિરોધ કર્યો હતો.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રાધાન્યતાના મુદ્દે વિવિધ વિદ્યાર્થી સંગઠનો રજૂઆતો કરી રહ્યા છે. ત્યારે ABVP દ્વારા લગાવાયેલા પોસ્ટરમાં જણાવ્યું છે કે , વાઈસ ચાન્સેલર MSU , ગુમ થયેલ છે. ઉપર ફોટોમાં દર્શાવેલ વ્યક્તિ ” ભૂલ ” થી ક્યાંક દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉકેલ માટે ABVPનો સંપર્ક કરવો. મહારાજા યુનિવર્સિટી સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની 70%ની અનામત પ્રથા તોડી પચાસ ટકા સુધી કરવાની કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોની હિલચાલને પગલે અનેક વિદ્યાર્થી સંગઠનો મેદાને પડ્યા છે. અને રજીસ્ટ્રાર સુધી આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી છે. જેને પગલે એક તબક્કે વાઈસ ચાન્સેલરની સૂચનાથી ઇન્ચાર્જ પીઆરઓએ આ સંદર્ભે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી,તેવી જાહેરાત કરવાની જરૂરિયાત ઊભી થઈ હતી.ત્યારે વધુ એક વખત વિદ્યાર્થીઓના હિત માટે ABVP દ્વારા વાઈસ ચાન્સેલર ગુમ થયા છે તેવું પોસ્ટર યુનિવર્સીટીના ગેટ બહાર લગાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

ABVPના અક્ષય રબારીએ જણાવ્યું હતું કે , આટલો મોટો વિષય અને વિદ્યાર્થીઓના પ્રશ્નો છતાં વીસી ચૂપ છે , વાઇસ ચાન્સેલર આજ દિન સુધી વિદ્યાર્થીઓ વચ્ચે આવ્યા નથી એટલે આજે આ બેનર લગાવીને અંતર આત્મા જાગે અને તેઓ આવીને કહે કે બોલો વિદ્યાર્થીઓનો પ્રશ્ન શું છે, જોવા જઈએ તો છેલ્લા બે વર્ષમાં એક જ વખત વીસી વિદ્યાર્થીઓને વચ્ચે આવ્યા હતા. તેઓ માત્ર એસી કેબિનમાં બેસી રહે છે અને ફક્ત અને ફક્ત યુનિવર્સિટીનું કામ કરે છે. વિદ્યાર્થીઓના હિત માટે કોઈપણ પ્રકારના કામ કરવામાં આવી રહ્યા નથી. એટલે બેનર લગાવીને તેમાં લખવામાં આવ્યું છે કે, સાહેબ ગુમ થયા છે જો ક્યાંક વીસી દેખાય તો એબીવીપી નો સંપર્ક કરવો વિદ્યાર્થીઓના હિત માટે. આ કર્યા બાદ પણ જો વીસી સામે નહીં આવે તો અલગ અલગ પ્રકારે કાર્યક્રમો કરી અને વીસીને જગાડવામાં આવશે.

Most Popular

To Top