Columns

અફઘાનિસ્તાનના હજારો નાગરિકો કેમ પોતાનો દેશ છોડવા આતુર છે?

તાલિબાને ૧૫ ઓગસ્ટે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પર કબજો જમાવ્યો તે પછી વિદેશી નાગરિકોની જેમ હજારો અફઘાન નાગરિકો પણ પોતાનો દેશ છોડવા ઉતાવળા બન્યા છે. અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવા માટે માત્ર એરપોર્ટનો જ રસ્તો ખુલ્લો હોવાને કારણે હજારો અફઘાન નાગરિકો દેશમાંથી બહાર નીકળવા ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે. આપણે અમેરિકાના લશ્કરનું કાર્ગો વિમાન જોયું, જેના ટાયર પર લટકીને કેટલાક અફઘાન નાગરિકો દેશ છોડવાની કોશિશ કરતા હતા. તેમાંના બે નાં તો પડી જવાને કારણે મોત થયાં હતાં. અમેરિકાના કાર્ગો વિમાનમાં અફઘાન નાગરિકોને ઘેટાંબકરાંની જેમ ભરીને લઈ જવામાં આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય હવાઇ યાત્રાના તમામ નિયમો અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યા છે.

કાબુલના એરપોર્ટ પરથી દર કલાકે એક વિમાન છૂટી રહ્યું છે. અમેરિકાએ અત્યાર સુધીમાં આશરે ૯૦,૦૦૦ અફઘાન નાગરિકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે, જેમાંની ૫૦ ટકા મહિલાઓ છે. અમેરિકાના લશ્કરે અફઘાનિસ્તાન છોડી જવા માટે તા. ૩૧ ઓગસ્ટની ડેડલાઇન જાહેર કરી છે. અમેરિકાને પોતાનું ૬,૦૦૦ નું સૈન્ય પણ ૩૧ ઓગસ્ટ પહેલાં રવાના કરવું છે. આ કારણે તેણે ૩૧ ઓગસ્ટ પહેલાં બીજાં નાગરિકોને કાબુલની બહાર લઈ જવાનું બંધ કરવું પડશે.

કાબુલ એરપોર્ટ પર અત્યારે જ અફડાતફડીનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ત્યાં પાણીની બોટલ ૪૦ ડોલરમાં વેચાય છે અને રાઇસ પ્લેટ ૧૦૦ ડોલરમાં વેચાય છે. કાબુલ છોડી જવા માંગતાં કેટલાંક અફઘાન નાગરિકો પાસે તો યોગ્ય ટ્રાવેલ દસ્તાવેજો પણ નથી. તાલિબાને જાહેર કર્યું છે કે તેઓ અફઘાન નાગરિકો દેશ છોડીને જાય તેવું ઇચ્છતા નથી. તાલિબાને એરપોર્ટ તરફ જતાં અફઘાનોને પાછા ઘર તરફ વાળવાનું શરૂ કર્યું છે. દરમિયાન અમેરિકાએ ચેતવણી આપી છે કે કાબુલ એરપોર્ટ પર ગમે ત્યારે ત્રાસવાદી હુમલો થઈ શકે છે. કદાચ આ ત્રાસવાદી હુમલો ઈસ્લામિક સ્ટેટ જેવું કોઈ આતંકવાદી સંગઠન પણ કરાવી શકે છે.

અફઘાન નાગરિકો હજારોની સંખ્યામાં પોતાનો દેશ છોડવા આતુર છે તે સમાચારો પશ્ચિમી મીડિયામાં ચમકાવતી વખતે ખાસ નોંધ કરવામાં આવે છે કે તાલિબાનના રાજમાં અફઘાનિસ્તાનના નાગરિકો પણ પોતાને સલામત માનતા નથી. આ વાત અર્ધસત્ય સમાન છે. અફઘાનિસ્તાનની કુલ વસતિ આશરે ૩.૮૦ કરોડની છે. તેમાંના આશરે ૯૦,૦૦૦ નાગરિકો તાલિબાનના ડરથી કાબુલ છોડીને ભાગી ગયા છે અને બીજા આશરે ૧૦,૦૦૦ લોકો ભાગવા માગે છે. આવા એકાદ લાખ લોકોને બાદ કરતાં બાકીના ૩.૭૯ કરોડ લોકોને તાલિબાનનું રાજ આવ્યા પછી પણ અફઘાનિસ્તાનમાં અસલામતી નથી દેખાતી અને તેઓ દેશ છોડીને જવા માગતા નથી. તો પછી પેલા એક લાખ લોકો કેમ તાલિબાનથી આટલા ગભરાય છે? તેનો જવાબ શોધવા જેવો છે.

અમેરિકાએ અને નાટોના દેશોએ ૨૦ વર્ષ અફઘાનિસ્તાનમાં રાજ કર્યું ત્યારે પોતાના રાજને મજબૂત બનાવવા કાબુલમાં પોતાની કઠપૂતળી જેવી સરકારની સ્થાપના કરી હતી, જેનો ઉપયોગ અમેરિકાએ તાલિબાનને ખતમ કરવા માટે કર્યો હતો. અફઘાનિસ્તાનના હજારો લોકો પણ આ સરકારમાં જોડાયા હતા, જેઓ તાલિબાનની વિરુદ્ધમાં કામ કરી રહ્યા હતા. કેટલાક સરકારમાં જોડાયા હતા તો કેટલાક જાસૂસી તંત્રમાં જોડાયા હતા. કેટલાક પત્રકારો બન્યા હતા તો કેટલાક ડોક્ટર બનીને વિદેશી લશ્કરની સેવાચાકરી કરતા હતા. અફઘાન સરકારે કેટલાક એન્જિનિયરોને પણ નોકરીમાં રાખ્યા હતા. તેઓ બ્રિજો, પુલો વગેરે બનાવવાનું કામ કરતા હતા. ભારત, અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાન્સ વગેરે દેશોની એલચી કચેરીઓમાં પણ કેટલાક અફઘાન નાગરિકોને નોકરીમાં રાખવામાં આવ્યા હતા. તેઓ બધા તાલિબાનની વિરુદ્ધમાં કામગીરી બજાવતા હતા.

જેવો તાલિબાને કાબુલનો કબજો લીધો કે ૨૦ વર્ષ સુધી અમેરિકાની સેવા કરતાં અફઘાન નાગરિકો, સરકારના માનીતા ઉદ્યોગપતિઓ, કોન્ટ્રાક્ટરો, ડોક્ટરો, એન્જિનિયરો, પત્રકારો, જાસૂસો, લશ્કરના અધિકારીઓ વગેરેને ફાળ પડી કે જો તાલિબાનના હાથમાં સત્તા આવશે તો તેઓ ૨૦ વર્ષનો બદલો વાળ્યા વિના રહેશે નહીં. તાલિબાને તો સત્તા પર આવતાં જ જાહેરાત કરી હતી કે તેઓ કોઈ સામે વેર નહીં રાખે, પણ અફઘાન લોકોને તાલિબાન પર ભરોસો બેસતો નથી. આ કારણે તાલિબાન કોઈ વળતો પ્રહાર કરવાનો પ્રારંભ કરે તે પહેલાં જ તેમણે દેશ છોડવા દોટ મૂકી હતી. સરકારની મલાઈ ખાતા કેટલાક કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ સરકારી અધિકારીઓ તો તાલિબાનના ડરથી પોતાના આલિશાન મહેલ જેવા બંગલાઓ અને રાચરચીલું મૂકીને પલાયન થઈ ગયા હતા.

અમેરિકાના ૨૦ વર્ષના શાસન દરમિયાન દુનિયાની નજરમાં તાલિબાનને બદનામ કરવાનું કામ અફઘાન મીડિયાએ અને પશ્ચિમી મીડિયાએ પણ મોટા પ્રમાણમાં કર્યું હતું. અફઘાનિસ્તાનના દૂરના કોઈ ગામમાં કોઈ અંગત અદાવતને કારણે કોઈ મહિલા પર અત્યાચાર થાય તો તે તાલિબાનને નામે મીડિયામાં ચડાવી દેવામાં આવતો હતો. આ કામમાં અફઘાનિસ્તાનના સ્થાનિક પત્રકારોનો પણ મોટો ફાળો હતો. હવે તાલિબાનનું રાજ આવતાં આ પત્રકારો પણ ભયભીત છે. તાજેતરમાં જે અફઘાન નાગરિકો કાબુલ છોડીને દેશ બહાર જઈ રહ્યા હતા તેમાં સ્થાનિક અખબારમાં કામ કરતી વાહિદા ફૈઝી નામની મહિલા પત્રકાર પણ હતી. તેણે બીબીસીના સંવાદદાતાને કહ્યું હતું કે ‘‘હું મારા દેશને ચાહું છું; પણ મને અહીં જાનનો ખતરો દેખાઈ રહ્યો છે. હું કાયમ માટે અફઘાનિસ્તાન છોડીને જઈ રહી છું.’’ કહેવાની જરૂર નથી કે તેણે તાલિબાનને ગાળો આપવામાં બાકી રાખ્યું નહોતું.

તાલિબાને ૧૯૯૬ થી ૨૦૦૧ દરમિયાન અફઘાનિસ્તાનમાં રાજ કર્યું ત્યારે કહેવાય છે કે મહિલાઓ ઉપર બહુ અત્યાચારો ગુજાર્યા હતા અને મહિલાઓ પર બહાર નીકળવા બાબતનાં અનેક નિયંત્રણો મૂકી દીધાં હતાં. તાલિબાનના ગયા પછી કાબુલ અને કંદહાર જેવાં શહેરોમાં યુવાન મહિલાઓની આખી નવી પેઢી પેદા થઈ છે, જેણે તાલિબાની રાજ જોયું નહોતું પણ તેની વાતો જ સાંભળી હતી. આ શહેરી અને શિક્ષિત મહિલાઓ હવે તાલિબાની રાજ આવતાં ચિંતામાં પડી ગઈ છે કે હવે તેમણે પણ આખી જિંદગી બુરખામાં જ રહેવું પડશે? આવી ચિંતાગ્રસ્ત હજારો મહિલાઓ તક મળી તો અફઘાનિસ્તાન છોડીને ભાગી ગઈ છે. જો કે અફઘાનિસ્તાનનાં ગામડાંઓમાં રહેતી કરોડો મહિલાઓ બુરખામાં રહેવાને ટેવાયેલી હોવાથી તેમને તાલિબાનનો લેશમાત્ર ડર નથી.

ઘણા લોકો કહે છે કે ૧૯૯૬ ના તાલિબાનમાં અને ૨૦૨૧ ના તાલિબાનમાં જમીન આસમાન જેટલો ફરક છે. ૧૯૯૬ ના તાલિબાન રફ અને ટફ હતા. તેમણે બહુ નિર્દયતાપૂર્વક રાજ કર્યું હતું. ૨૦૨૧ ના તાલિબાન ઘણા સંસ્કારી છે. તેમણે સત્તા પર આવ્યા પછી મહિલાઓ પર કોઈ અત્યાચારો ગુજાર્યા નથી કે તેવા પ્રકારનો સંદેશો પણ આપ્યો નથી. વિદેશી નાગરિકોને પણ તેમણે દેશ છોડીને ન જવાની અપીલ કરી છે. ડોક્ટરોને અને એન્જિનિયરોને પણ તેમણે કહ્યું છે કે તમારી દેશને જરૂર છે. તાલિબાનની આ હૈયાધારણ પછી પણ કેટલાક લોકોને ડર છે કે તાલિબાન વહેલા કે મોડા પોતાનો અસલ રંગ બતાડ્યા વગર રહેવાનું નથી. તેઓ દેશ છોડી જવાની ફિરાકમાં કાબુલ એરપોર્ટ પર પડ્યા છે. તેમાંના કેટલા ખરેખર અફઘાનિસ્તાન છોડવામાં સફળ થશે? તે મોટો સવાલ છે.    
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top