ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવાની હોય છે. છેલ્લી વસ્તી ગણતરી 2011 માં કરવામાં આવી છે. તે પછી 2021 થવી જોઈએ. હવે તો કોરોના જતો રહ્યો છતાં વસ્તી ગણતરી સરકાર કરતી નથી. શું કારણ હશે.? ભારતના દક્ષિણના રાજ્યો ઉત્તરના રાજ્યો કરતાં અલગ છાપ ધરાવે છે. અહીં વસ્તી નિયત્રંણ પણ છે. શિક્ષણનું પાસું પણ થોડું અલગ છે. માટે જ એક નેતાએ દક્ષિણમાં કહ્યું કે આપણે વસ્તી વધારો કરવો પડે નહીં તો લોકસભાની સીટ ઓછી મળે અને દિલ્હી સુધી આપણો અવાજ નબળો પડે. તેમાં દક્ષિણ રાજ્યો વસ્તીનિયત્રંણ કર્યું હોવાના કારણે સીટ ઘટવાનો ડર છે!
તેનાથી દક્ષિણના નાગરિકોને રાજકીય પાવર ઘટે છે. ભારતમાં સમાનતાને ધ્યાને રાખી નાગરિકોની માંગ મુજબ વસ્તી ગણતરી કરવી જોઈએ અને પછી સીમાંકન કરવું જોઈએ. વિચાર અને ભાષાના મતભેદમાં બંધારણનું જતન થવું જોઈએ. છેલ્લું સીમાંકન થયું ત્યારે જે–તે પ્રદેશો જેમને તેમ રાખવામાં આવ્યા. જેનું કારણ સર્વ રજ્યોને વસ્તી નિયત્રંણ કરવાનું હતું. જેનું સારુ પાલન દક્ષિણ રાજ્યોમાં થયું. આવનાર સમયમાં લોકસભાની સીટો 545 માંથી 753 થાય તે પહેલા સરકારે સ્પષ્ટતાં કરવી પડશે, નહિ તો વગર વાંકે ભારતિય નાગરિકો ઉત્તર ભારત અને દક્ષિણ ભારત બે ભાગમાં લડશે તે રાષ્ટ્ર માટે યોગ્ય ન કહેવાય. હજી સમય છે.
તાપી – હરીશ ચૌધરી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
‘ભૂવા’નું ભૂત
હજીયે પૃથ્વી શાંત થઈ નથી. પૂર, પ્રલય, દાવાનળ, વડવાનલ, ભૂકંપ, વાવાઝોડાં જેવી આપત્તિઓ ત્રાટકે છે. શાંત, સલામત લાગતી જમીન પર ‘ભૂવા’ઓ સર્જાય છે. જૂની માન્યતાઓ ધરાવનારાઓ તેમની અકળ સમસ્યાઓના સમાધાન માટે તાંત્રિક વિધિઓ અને ભૂવાઓને શરણે જતા હતા. એ ભૂવાઓ તો માનવજાતિમાંથી પ્રગટે છે. કુદરતી ભૂવાઓની હકીકત જુદી અને અકળ છે. હાલમાં જ દુનિયામાં બે મોટા ભૂવાઓની ઘટના બહાર આવી છે. ટોકિયોમાં મસમોટો ભૂવો પડતાં આખી ટ્રક ગરક થઈ ગઈ, ચાલકને માથે અચાનક મોતનો પડછાયો છવાયો. ભૂવાથી પડેલા મોટા ખાડામાં જો પાણી ભરાઈ જાય તો બચાવ અતિ મુશ્કેલ થઈ જાય.
ભૂગર્ભ ગેસ લાઈન કે વિકાસયોજનાઓનું ખોદકામ, ભૂગર્ભ માર્ગ વગેરેને કારણે જમીનને ક્ષતિ પહોંચે છે. કુદરતનો એ પણ એક સંદેશ કે સંકેત મળે છે કે વિશ્વનું બધું જ પ્રલય થતાં ગરક થઈ જવાનું છે. દેહાંત પછી દફન વિધિ કરનારાઓ મૃત વ્યક્તિને ધરતીમાતાના ખોળે ધરી દે છે. માટીમાંથી આવેલો માનવ માટીમાં ભળી જાય છે. હાલમાં બીજી એક ઘટના યુ.કે.ના સાઉથ શિલ્ડ્સ વિસ્તારમાં બ્રોટન રોડ પર ઘટી છે. જમીનમાં પચાસ ફૂટ લાંબો ભૂવો ત્યાં પડ્યો. એ ભૂવો ત્રણ કારો ગળી ગયો. અતિવૃષ્ટિ પણ ભૂવો સર્જી શકે છે. પર્વતીય તીર્થ ધામોમાં ભૂસ્ખલનના બનાવો પણ બને છે. ‘ભૂવા’નું ભુત અચાનક ત્રાટકે છે અને તેના અસરગ્રસ્તોએ વિવશ થઈ તે હકીકત સ્વીકારી લેવી પડે છે. આવી હકીકતના નિવારણ માટે અને ઝઝુમવા માટે માનવે સજ્જ રહેવું રહ્યું.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
