ભારતને સ્વતંત્ર થયાને ૭૪ વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે, તો પણ સરકારને લાગે છે કે કેટલાંક સરહદી રાજ્યોની જનતા ભારતીય સંઘમાં પૂરેપૂરી ભળી નથી. આ જનતાને નિયંત્રણમાં રાખવા ભારતીય સૈન્યને એક કાયદા દ્વારા રાક્ષસી સત્તાઓ આપી દેવામાં આવી છે. આ કાયદાનું નામ આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર્સ એક્ટ (AFSPA) (૧૯૫૮) છે. આ કાયદા હેઠળ સરહદી રાજ્યોમાં પહેરો ભરી રહેલા સૈન્યના જવાનો કોઈ પણ નાગરિકની માત્ર શંકાના આધારે ધરપકડ કરી શકે છે અને તેને ગોળી મારીને શૂટ પણ કરી શકે છે. આ રીતે ગોળીબાર કરીને નાગરિકનું મોત નિપજાવનારા જવાન પર સ્થાનિક પોલીસ કેન્દ્ર સરકારની પરવાનગી વિના ફરિયાદ પણ દાખલ કરી શકતી નથી. નાગાલેન્ડમાં લશ્કર દ્વારા કરવામાં આવેલા આડેધડ ગોળીબારમાં ૧૪ નિર્દોષ નાગરિકો માર્યા ગયા તે પછી આ કાયદો રદ કરવાની માગણી પ્રબળ બની છે. શનિવારની ઘટના પછી નાગાલેન્ડ ઉપરાંત મેઘાલયના મુખ્ય પ્રધાને પણ આ કાયદો રદ કરવાની માગણી કરી છે.
તાજેતરમાં AFSPAનો કાયદો જમ્મુ અને કાશ્મીર ઉપરાંત સમગ્ર નાગાલેન્ડમાં તેમ જ આસામ, મણિપુર અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં લાગુ છે. ઇ.સ. ૨૦૦૦ ના નવેમ્બરમાં સૈનિકોએ ઇમ્ફાલના હવાઇ અડ્ડા નજીક માલોમ ખાતે ૧૦ નિર્દોષ નાગરિકોને મારી નાખ્યા હતા. ત્યાર બાદ ૨૮ વર્ષની ઈરોમ શર્મિલાએ અનશન શરૂ કર્યા હતા. તેણે ૧૬ વર્ષ અનશન ચાલુ રાખ્યા હતા, પણ કેન્દ્ર સરકાર તે કાયદો પાછો ખેંચવા તૈયાર નહોતી. છેવટે ઈરોમ શર્મિલાએ થાકીને ૨૦૧૬ માં પારણું કર્યું હતું. શનિવારના હત્યાકાંડ પછી આ કાયદો પાછો ખેંચી લેવાની ચળવળ ફરી શરૂ થઈ છે. નાગાલેન્ડની રાજધાની કોહિમામાં ચાલી રહેલા હોર્નબિલ ફેસ્ટિવલ દરમિયાન આ કાયદા સામે વિરોધના સૂરો ઊઠ્યા હતા. બીજી બાજુ આડેધડ ગોળીબાર કરી ૧૪ હત્યા કરનારા સૈનિકોને ઉદાહરણરૂપ સજા કરવાની માગણી પણ પ્રબળ બની રહી છે.
ઈમ્ફાલમાં રહેતી ઈરોમ શર્મિલા ડોક્ટર બનવા માગતી હતી પણ તે હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ બની ગઇ હતી. ૨૦૦૦ ના નવેમ્બરમાં ઈરોમે છાપાંમાં વાંચ્યું કે આસામ રાઇફલ્સના જવાનો દ્વારા બસ સ્ટોપ પર ઊભેલા ૧૦ યાત્રિકોનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું છે ત્યારે તેને સૈન્યના જવાનો પર બહુ ગુસ્સો આવ્યો હતો. ઈરોમને કહેવામાં આવ્યું કે મણિપુરમાં આર્મ્ડ ફોર્સિસ સ્પેશ્યલ પાવર્સ એક્ટ નામનો કાયદો અમલમાં હોવાથી એન્કાઉન્ટર કરનારા સૈનિકો સામે ખટલો માંડી ન શકાય ત્યારે તેનો ગુસ્સો ઔર વધી ગયો હતો. આ કાયદો આસામ અને મણિપુરમાં ૧૯૫૮ થી અમલમાં હતો અને તેનો ઉપયોગ પૂર્વોત્તર રાજ્યોમાં ત્રાટકતા આતંકવાદીઓ સામે કરવામાં આવતો હતો. ઈરોમ શર્મિલાએ આ કાયદાના વિરોધમાં અનશન કરવાનું જાહેર કર્યું હતું.
ઈરોમ શર્મિલાનાં અનશન આંદોલનને પ્રારંભમાં પ્રજાનો ટેકો મળ્યો હતો, પણ આંદોલન જેમ લંબાતું ગયું તેમ ટેકેદારો ખસતા ગયા હતા. ઈરોમ શર્મિલાના વિરોધીઓ તેના પર ભારતીય સૈન્યને બદનામ કરવા માગતા દેશવિરોધી તત્ત્વોનો હાથો બનવાના આક્ષેપો કરતા હતા. તેના સમર્થકો પણ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે તેનો ઉપયોગ કરતા હતા. ઇમ્ફાલની જે હોસ્પિટલમાં ઈરોમ સારવાર લઇ રહી હતી ત્યાં તેની ખબર કાઢવા પણ કોઇ ફરકતું નહોતું. જે મણિપુરની પ્રજા માટે ઈરોમે પોતાની અંગત સુખસગવડોનો ભોગ આપ્યો તેમને આંદોલનમાં રસ રહ્યો નહોતો. છેવટે ઈરોમે અનશન છોડીને પરણી જવાનો અને હેતુસિદ્ધિ માટે ચૂંટણીના રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો હતો.
૧૬ વર્ષ સુધી સતત અનશન કરવાને કારણે ઈરોમ શર્મિલા દુનિયાભરમાં પ્રસિદ્ધ થઇ ગઇ હતી. દુનિયાભરમાં માનવ અધિકારો માટે લડતી સંસ્થાઓનું ધ્યાન આફ્સ્પાના જલદ કાયદા ભણી ગયું હતું. તેમણે પણ તેનો વિરોધ કર્યો હતો, પણ કેન્દ્ર સરકાર ટસની મસ થવા તૈયાર નથી. સરકારને લાગે છે કે આ કાયદો નાબૂદ કરવામાં આવશે તો પૂર્વોત્તરનાં રાજ્યોમાં ત્રાસવાદની સમસ્યા કાબૂ બહાર નીકળી જશે. ૧૬ વર્ષના સત્યાગ્રહ પછી ઈરોમને બ્રહ્મજ્ઞાન લાધ્યું હતું કે દુનિયાની કોઇ સરકાર ક્યારેય અહિંસક આંદોલન સામે નમતું જોખતી નથી, સિવાય કે તેને અહિંસક આંદોલન હિંસક બનવાનો ડર લાગે. તાજેતરમાં નાગાલેન્ડના હત્યાકાંડ પછી ફરી એક વાર AFSPAનો કાયદો પાછો ખેંચવાની માગણી ઊઠી છે, પણ કેન્દ્ર સરકાર તે માગણી સ્વીકારે તેવી સંભાવના બહુ પાંખી છે. જો સરકાર નાગાલેન્ડમાં આ કાયદો ઉઠાવી લેવાનો નિર્ણય કરે તો અરુણાચલ પ્રદેશ, મણિપુર અને આસામમાં પણ તેવા પ્રકારની માગણી પેદા થઈ શકે છે.
આ ઘટનાના સાક્ષીઓના જણાવ્યા મુજબ ગામના લોકો શનિવારે સાંજે કોલસાની ખાણમાં કામ કરીને પિક અપ વાનમાં પાછા ફરતા હતા ત્યારે સૈનિકો તરફથી કંઈ તપાસ કર્યા વિના ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબારમાં ૬ ગ્રામજનો માર્યા ગયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. સૈનિકોએ મૃતદેહોને બીજી પિક અપ વાનમાં તાડપત્રી વડે સંતાડી દીધા હતા. તેઓ તેમને લશ્કરના બેઝ કેમ્પમાં લઈ જવા માગતા હતા. ત્યાં ગોળીબારના અવાજો સંભળાતાં બીજા લોકો આવી પહોંચ્યાં હતાં. તેમની અને સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સૈનિકોએ બીજી વખત ગોળીબાર કર્યો હતો, જેમાં બીજા સાત લોકોનાં મોત થયાં હતાં. સૈનિકો દ્વારા એવું કારણ આપવામાં આવ્યું હતું કે તેમણે ગ્રામજનો પાસે રાયફલ જોઈ હતી. તેમને લાગ્યું કે તેઓ આતંકવાદીઓ હતા. માટે તેમણે ગોળીબાર કર્યો હતો. હકીકતમાં એક ગ્રામજન પાસે પક્ષીઓ મારવાની એરગન હતી.
ભારત સરકારને લાગ્યું કે નાગાલેન્ડને અલગ રાજ્ય આપી દેવાથી ઉગ્રવાદી આંદોલન શાંત પડી જશે. આ કારણે ઇ.સ. ૧૯૬૩ ની ૧ ડિસેમ્બરે નાગાલેન્ડ રાજ્યનું કોહિમા ખાતે શાનદાર સમારંભ યોજીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણન મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. અલગ રાજ્ય બન્યા પછી પણ નાગાલેન્ડમાં હિંસા ચાલુ જ રહી, તેને પરિણામે ઇ.સ. ૧૯૭૨ માં કેન્દ્ર સરકારે નાગા નેશનલ કાઉન્સિલને પ્રતિબંધિત જાહેર કરી હતી.
ઇ.સ. ૧૯૮૦ માં નાગાલેન્ડના સ્વતંત્ર રાષ્ટ્ર માટે નેશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ નામના ઉગ્રવાદી સંગઠનની રચના મ્યાનમારના જંગલમાં રહીને કરવામાં આવી. તેના અધ્યક્ષ તરીકે ઇઝાક સ્વુ હતા. ઉપાધ્યક્ષ એસ.એસ. ખાપલાંગ હતા અને મહામંત્રી થુઇન્ગાલેન્ગ મુઇવા હતા. તેમણે નાગાલેન્ડમાં અત્યંત હિંસક આંદોલન શરૂ કર્યું. તેમાં નાગરિકોને અને રાજકીય પક્ષોના કાર્યકરોને પણ ટાર્ગેટ કરવામાં આવતા હતા. ઇ.સ. ૧૯૮૮ માં મુઇવાની હત્યાના પ્રયાસને પગલે નેશનલ સોશ્યાલિસ્ટ કાઉન્સિલમાંથી ઉગ્રવાદી ખાપલાંગ જૂથ અલગ થઇ ગયું.
નાગા બળવાખોરો સાથે સુલેહ કરવાનો પહેલો પ્રયાસ ઇ.સ. ૧૯૯૫ માં તત્કાલીન વડા પ્રધાન નરસિંહ રાવે કર્યો હતો. તેઓ પેરિસમાં મુઇવાને અને ઇઝાક સ્વુને મળ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇ.સ. ૨૦૧૫ ના ઓગસ્ટમાં મુઇવા અને ઇઝાક જૂથ સાથે સમજૂતી કરી, પણ ખાપલાંગ જૂથે શસ્ત્રો હેઠાં ન મૂક્યાં હોવાથી નાગાલેન્ડમાં કાયમી શાંતિની સ્થાપના થઇ શકતી નથી. હવે શનિવારની ઘટના પછી ભારત સરકારે નવેસરથી સમાધાનના પ્રયાસો કરવા પડશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.