SURAT

સુરતના બિલ્ડરને ત્યાંથી 80 કરોડની જમીનના કાગળીયા ઈન્કમટેક્સને મળ્યા, અધિકારીઓએ આ કામ શરૂ કર્યું

સુરત: અમદાવાદ અને સુરત આવકવેરા વિભાગની (Surat Income tax Department) જુદી જુદી ટીમોના ૧૦૦ જેટલા અધિકારી – કર્મચારીઓએ ગત શુક્રવારે સુરતના સંગીની, હોમલેન્ડ અને અરિહંત ગ્રુપ સહિત ૪૦ સ્થળોએ સર્ચ કાર્યવાહી (Search Operation) કરી હતી. આ સર્ચ કાર્યવાહી આજે પાંચમા દિવસે પૂર્ણ થઇ હતી. આવકવેરા વિભાગની જુદી જુદી ટીમોએ બિલ્ડર (Builder), જવેલર (Jeweler) અને ફાયનાન્સરના એકાઉન્ટન્ટને ત્યાંથી મોટા પ્રમાણમાં જમીન મિલકતની લે-વેચ અને સોના-ચાંદી તથા શેરબજારની લેવડદેવડને લગતા ડોકયુમેન્ટ જપ્ત કર્યા છે. કુલ 30 કોથળા ભરીને ડોકયુમેન્ટ અને કોમ્પ્યુટર લેપટોપ સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ડોકયુમેન્ટનું આવકવેરા અધિકારીઓ એસેસમેન્ટ કરશે. જપ્ત કરાયેલા એક દસ્તાવેજમાં 80 કરોડની જમીનની લે-વેચના ડોકયુમેન્ટ છે. આવકવેરા વિભાગે બિલ્ડર ગ્રુપમાં સંગીની ગ્રુપના રવજી અને વેલજી શેટા, હોમલેન્ડ ગ્રુપના નરેન્દ્ર ગર્ગ, મહિધરપુરા હીરાબજારના મોટાગજાના ફાઇનાન્સર મહેન્દ્ર ચંપકલાલ, બાંધકામ ઉદ્યોગ અને હીરાઉદ્યોગમાં વ્યાજે નાણાં ફેરવનાર ફાયનાન્સર અશેષ દોશી, કિરણ સંઘવી સહિતના ત્રણ જુદા જુદા ગ્રુપના ૨૭ પ્રોજેકટ અને ૪૦ સ્થળો પર કરવામાં આવેલી સર્ચ કાર્યવાહી કરી હતી.

આ સર્ચ કાર્યવાહી દરમિયાન કરોડોના બેનામી વ્યવહારોના ડોક્યુમેન્ટ અને ડાયરીઓ આવકવેરા વિભાગે જપ્ત કરી છે. છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન ચાર જુદા જુદા ગ્રુપ દ્વારા 1000 થી 1200 કરોડનું મૂડી રોકાણ વેસુ વીઆઇપી રોડ, અડાજણ, પાલ, રાંદેર ગોરાટ રોડ, જહાંગીરપુરા, પાલ ગૌરવપથ સહિતના પ્રાઇમ લોકેશનના પ્રોજેકટમાં કરવામાં આવ્યુ હતું.

Most Popular

To Top