હાલમાં એક અહેવાલ આવ્યા છે કે બ્રાઝિલ એશિયામાંથી આવતા કેટલાક વિદેશીઓના પ્રવેશ પર નિયંત્રણો મૂકવાનું શરૂ કરશે. આ નિયંત્રણો એટલા માટે મૂકવામાં આવશે કે ઘણા એશિયનો આ દેશનો ઉપયોગ અમેરિકા અને કેનેડામાં સ્થળાંતર કરવા માટેના લોન્ચિંગ પોઇન્ટ તરીકે કરે છે એ મુજબ બ્રાઝિલના ન્યાય મંત્રાલયની પ્રેસ કચેરીએ જણાવ્યું છે. આઘાત જનક વાત એ છે કે અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં ઘૂસવા માટે બ્રાઝિલનો ઉપયોગ લોન્ચિંગ પોઇન્ટ તરીકે કરતા એશિયનોમાં ભારતીયોનું પ્રમાણ ખૂબ મોટું છે.
બ્રાઝિલમા એરપોર્ટ પર શરણાર્થી તરીકેની વિનંતી કરનારાઓમાંથી ૭૦ ટકા કરતા વધુ લોકો ભારતીયો, નેપાળીઓ અથવા વિયેટનામીઓ હોય છે એમ એક સત્તાવાર દસ્તાવેજ જણાવે છે. આફ્રિકન દેશો સોમાલિયા, કેમેરૂન, ઘાના અને ઇથિયોપિયાના નાગરિકોનું પ્રમાણ આમાં ૩૦ ટકા જેટલું હોય છે. આ નિયંત્રણો એવા એશિયન દેશોના લોકોને અસર કરશે જેમને બ્રાઝિલ જવા માટે વિઝાની જરૂર હોય છે. જેમને હાલમાં વિઝામાંથી મુક્તિ આપવામાં આવી છે તેવા એશિયન દેશોને આ નિયંત્રણો લાગુ પડશે નહીં.
હાલમાં ફેડરલ પોલીસ તપાસમાં જણાયું છે કે ઘણા લોકો સાઓ પૌલો એરપોર્ટ પર રોકાતી હોય તેવી અન્ય દેશો તરફ જતી ફ્લાઇટોની ટિકીટ લે છે પણ પછી બ્રાઝિલમાં જ રોકાઇ જાય છે જ્યાંથી તેઓ ઉત્તર તરફ (અમેરિકા, કેનેડા તરફ)ની તેમની યાત્રા શરૂ કરી શકે. આ નિયંત્રણો અમલમાં આવ્યા બાદ બ્રાઝિલના વિઝા વગરના લોકોને કયાં તો પ્લેનમાંની તેમની યાત્રા ચાલુ રાખવી પડશે, ક્યાં તો મૂળ દેશમાં પરત જવું પડશે. બ્રાઝિલમાં આ રીતે રોકાઇને અમેરિકામાં ગેરકાનૂની રીતે ઘૂસવાનો આ કંઈ એકમાત્ર માર્ગ નથી, બીજા પણ અનેક રસ્તાઓ આવા લોકો અપનાવતા હોય છે.
વિદેશમાંથી ભારતીયોને લગતા બીજા પણ એક રસપ્રદ અહેવાલ આવ્યા છે. બ્રિટનમાં સ્ટુડન્ટ વિઝાના આંકડાઓમાં ભારતીય વિદ્યાર્થીઓ હજી પણ ટોચ પર હશે પણ એવા સંકેતો મળવાના શરૂ થયા છે કે વધુ સખત માઇગ્રેશન નિયંત્રણો વચ્ચે તેઓ હવે યુકેની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા માટેની અરજી કરવાનું પડતું મૂકી રહ્યા છે. આવું કરવા માટેનું કારણ એ છે કે આ વિદ્યાર્થીઓને પોતાના કુટુંબના સભ્યોને ત્યાં બોલાવવાની કે ત્યાં કામ કરવાની બહુ અનુકૂળતા હવે રહી નથી. બ્રિટિશ ગૃહ કચેરીના ગયા વર્ષના જૂન ૨૦૨૪ સુધીના આંકડાઓ દર્શાવે છે કે ઉચ્ચતર અભ્યાસ માટે બ્રિટન આવતા ભારતીય વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૨૩ ટકાનો ઘટાડો થયો છે, જો કે હજી પણ તેઓ જેમને ગ્રેજ્યુએટ રૂટમાં રહેવાની છૂટ અપાઇ હોય તેવું સૌથી મોટું જૂથ રહ્યા છે, જે રૂટ વિદેશી વિદ્યાર્થીઓને તેમની ડીગ્રી મળ્યા બાદ બે વર્ષ બ્રિટનમાં કામ કરવાની છૂટ આપે છે.
ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં આ ઘટાડો એ નિયંત્રણોની અસરનો પ્રથમ સંકેત છે કે જેમાં મોટા ભાગના સ્ટુડન્ટ વિઝા હોલ્ડરોને તેમની સાથે તેમના આશ્રિત કુટુંબીજનોને યુકેમાં લાવવાની મનાઇ ફરમાવાઇ છે. આ નિયંત્રણ આ વર્ષની શરૂઆતના ભાગમાં અમલી બન્યું છે. દરમ્યાન, ગયા વર્ષ માટે બ્રિટન જનાર વિદેશીઓના ચાર્ટમાં ભારતીય નાગરિકો ટોચ પર હતા જે યુકેના કુલ વિઝિટર વિઝાઓમાં ૨૫ ટકા હિસ્સો ધરાવે છે. ભારતીય પછી ચીની નાગરિકોનો નંબર આવે છે જેઓ કુલ વિઝામાં ૨૪ ટકા ભાગ ધરાવે છે. દેખીતી રીતે બ્રિટન, અમેરિકા, કેનેડા જેવા દેશોમાં સ્થાયી થવાનો મોહ ભારતીયોમાં, તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓમાં આ મોહ ઘણો છે. સ્ટુડન્ટ વિઝા લઇને જતા ઘણા લોકોની દાનત આ દેશોમાં વસી જવાની હોય છે. અમેરિકા, કેનેડા, બ્રિટન જેવા દેશો વસવાનો મોહ ભારતીયોને ઘણો છે. ગુજરાતીઓમાં અમેરિકાનો મોહ ઘણો છે. જેઓ સાધારણ સ્થિતિના હોય તેમનું સમજ્યા, પણ જેમની આર્થિક સ્થિતિ ઘણી સધ્ધર છે તેઓ પણ અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયાસ કરે ત્યારે ઘણી જ નવાઈ લાગે છે.
કેટલાક તો અમેરિકામાં ગેરકાનૂની રીતે પ્રવેશવા ઘણા જોખમી માર્ગો અપનાવે છે જેમાં મેક્સિકો સરહદેથી જમીન માર્ગે પ્રવેશવાના અત્યંત જોખમી માર્ગનો પણ સમાવેશ થાય છે. કેનેડાના માર્ગનો પણ ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક સમયમાં નાના બાળકો સહિત આ રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતા કેટલાક ગુજરાતીઓ માર્યા ગયા છે, અમેરિકાના આંધળા મોહનું આ વરવું ઉદાહરણ છે. પ્યુ રિસર્ચ સેન્ટરના 2021ના અંદાજ મુજબ, ભારતીયો યુનાઇટેડ સ્ટેટ્સમાં બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સનું ત્રીજું સૌથી મોટું જૂથ બની રહ્યા છે, જેમાં આવા ભારતીયોની સંખ્યા 725,000 છે.
લેટિન અમેરિકાની બહાર ટોચના પાંચમાં અમેરિકામા ગેરકાનૂની ઇમિગ્રન્ટ્સની બાબતમા ભારત એકમાત્ર દેશ છે અને 2011 થી, અમેરિકામાં બિનદસ્તાવેજીકૃત ભારતીયોની સંખ્યામાં 70 ટકાનો વધારો થયો છે, જે તમામ દેશો કરતાં સૌથી ઝડપી વૃદ્ધિ છે. આ આંકડાઓ ભારત માટે ખૂબ શરમજનક છે. ભારતીયોએ અમેરિકાનો મોહ છોડવો જોઈએ અને જો ત્યાં જવું હોય તો તે માટેની પાત્રતા કેળવવી જોઈએ, પણ ગેરકાયદે ઘૂસણખોરીનો વિચાર પણ કરવો જોઈએ નહીં. અમેરિકામાં ગેરકાનૂની રીતે પ્રવેશીને ડરી ડરીને જીવવા કરતાં ભારતમાં ઓછા સંસાધનો સાથે શાંતિથી જીવવું ઘણું સારું છે.