ભારતે છેલ્લાં કેટલાંક વર્ષોમાં સસ્તા રશિયન ખનિજ તેલની ખરીદીથી અબજો ડોલર બચાવ્યા છે, પરંતુ સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ કે ડિઝલ સસ્તું થયું નથી. ભારત વિશ્વમાં ક્રુડ ઓઇલનો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. દેશની ખનિજ તેલની લગભગ ૮૫ ટકા જરૂરિયાતો આયાત દ્વારા પૂર્ણ થાય છે. યુક્રેન યુદ્ધ પહેલાં ભારત તેની મોટા ભાગની ખનિજ તેલ આયાત માટે મધ્ય પૂર્વીય દેશો પર નિર્ભર હતું. નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતની ખનિજ તેલની કુલ ખરીદીમાં રશિયાનો હિસ્સો માત્ર ૧.૩ ટકા હતો, પરંતુ યુક્રેન યુદ્ધ પછી ચિત્ર બદલાઈ ગયું છે. રશિયન ક્રુડ ઓઇલના ભાવ ઘટતાં રશિયાથી ભારતની આયાત ઝડપથી વધી છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં, ભારતની ક્રુડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો ૩૫ ટકા સુધી પહોંચી ગયો હતો. આ ડિસ્કાઉન્ટેડ ખરીદીઓ દ્વારા ભારતે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ માં તેના આયાત બિલ પર ૫.૧ અબજ ડોલર અને નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં ૮.૨ અબજ ડોલર બચાવ્યા હતા. માર્ચ ૨૦૨૨ માં ભારતના ક્રુડ બાસ્કેટની કિંમત ૧૧૨.૮૭ ડોલર પ્રતિ બેરલ હતી, પરંતુ મે ૨૦૨૫ માં તે ઘટીને ૬૪ ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી. સસ્તા ક્રુડ ઓઇલની ઉપલબ્ધતા હોવા છતાં દિલ્હીમાં પેટ્રોલનો સરેરાશ છૂટક ભાવ છેલ્લા ૧૭ મહિનાથી પ્રતિ લિટર ૯૪.૭ રૂપિયા પર સ્થિર રહ્યો છે. એનો અર્થ એ થયો કે નીચા ભાવનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી.
પેટ્રોલના ભાવો ચાર પરિબળો પર આધારિત હોય છે: ડીલરો પાસેથી વસૂલવામાં આવતી મૂળ કિંમત, કમિશન, એક્સાઇઝ ડ્યુટી અને વેટ. ૨૦૨૫માં દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૯૪.૭૭ રૂપિયા પ્રતિ લિટર હતો, જેમાંથી ૫૫.૦૮ રૂપિયા ડીલરો પાસેથી મૂળ કિંમત તરીકે લેવામાં આવતા હતા. તે ઉપરાંત ડીલર કમિશન ૪.૩૯ રૂપિયા હતું, એક્સાઇઝ ડ્યુટી ૧૯.૯૦ રૂપિયા અને વેટ ૧૫.૪૦ રૂપિયા હતો. જુલાઈ ૨૦૨૫ સુધીમાં ડીલરનો ભાવ ઘટીને રૂ. ૫૩.૦૭ પ્રતિ લિટર થઈ ગયો, પરંતુ એક્સાઇઝ ડ્યુટી વધારીને રૂ. ૨૧.૯૦ કરવામાં આવતાં છૂટક ભાવ યથાવત્ રહ્યા હતા. જો ખનિજ તેલનો ભાવ પ્રતિ બેરલ ૧૧૨.૮૭ ડોલરથી ઘટીને ૬૪ ડોલર થઈ ગયો હોય તો પેટ્રોલ ૫૦ રૂપિયે લિટર મળવું જોઈએ, પણ બધો નફો સરકાર અને કંપનીઓ ખાઈ જાય છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં કેન્દ્ર સરકારે પેટ્રોલિયમ ક્ષેત્રમાંથી એક્સાઇઝ ડ્યુટી તરીકે રૂ. ૨.૭૨ લાખ કરોડની કમાણી કરી હતી, જ્યારે રાજ્યોએ વેટમાંથી રૂ. ૩.૦૨ લાખ કરોડની કમાણી કરી હતી. આ રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને પેટ્રોલિયમ પદાર્થોના વેચાણમાંથી ૫.૭૪ લાખ રૂપિયાની તોતિંગ કમાણી કરવામાં આવી છે, જેને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો જોવા મળતો નથી.
કોવિદ રોગચાળા દરમિયાન કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટીમાંથી થતી કમાણી વધુ હતી. નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં સરકારની આવક ૩.૭૩ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી, જ્યારે આ સમયગાળા દરમિયાન ઇંધણના ભાવમાં ઘટાડો થયો હતો. જો ભારત નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના બાકીના મહિનાઓમાં રશિયા પાસેથી તેલ આયાત કરવાનું બંધ કરે તો નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ઇંધણ બિલ ૯.૧ અબજ ડોલર સુધી પહોંચી જશે અને નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭માં તે ૧૧.૭ અબજ ડોલર સુધી પહોંચી શકે છે.
રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદવાનો ફાયદો તેલ કંપનીઓના નફા પર પણ દેખાય છે. ૨૦૨૨-૨૩માં ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો કુલ નફો ૩,૪૦૦ કરોડ રૂપિયા હતો. ૨૦૨૩-૨૪માં આ ત્રણેય સરકારી કંપનીઓનો નફો ૨૫ ગણો વધ્યો હતો. આ ત્રણેય કંપનીઓએ મળીને ૨૦૨૩-૨૪માં ૮૬,૦૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ કંપનીઓનો નફો ૨૦૨૪-૨૦૨૫માં ઘટીને ૩૩,૬૦૨ કરોડ રૂપિયા થયો હતો, પરંતુ તે ૨૦૨૨-૨૩ના નફા કરતાં વધુ હતો. જો આપણે ખાનગી રિફાઇનરીઓ વિશે વાત કરીએ, તો ભારતમાં મુખ્યત્વે બે મોટી ખાનગી કંપનીઓની રિફાઇનરીઓ છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને નાયરા એનર્જી સૌથી વધુ ક્રુડ ઓઇલ પ્રોસેસ કરે છે. રિલાયન્સે પ્રતિ બેરલ ૧૨.૫ ડોલરનું રિફાઇનિંગ માર્જિન હાંસલ કર્યું અને નાયરાએ ૧૫.૨ ડોલરનું રિફાઇનિંગ માર્જિન હાંસલ કર્યું છે. ઓછી કિંમતે ખનિજ તેલની ખરીદી કરીને, તેને પ્રોસેસ કરીને, ઊંચા ભાવે વેચીને, તેઓએ દરેક બેરલ પર વધુ નફો મેળવ્યો છે. ભારતે ૨૦૨૫ ના પહેલા ભાગમાં ૨૪ જૂન સુધી રશિયાથી ૨૩.૧ કરોડ બેરલ ક્રુડ ઓઇલની આયાત કરી હતી. રિલાયન્સ અને નાયરાનો આમાં ૪૫ ટકા હિસ્સો હતો. રિલાયન્સ દ્વારા ખરીદાયેલું લગભગ ૩૦ ટકા ક્રુડ ઓઇલ રશિયામાંથી આવે છે.
રશિયન ક્રુડ ઓઇલની આયાત કરીને, તેનું શુદ્ધિકરણ કરીને, પેટ્રોલ, ડીઝલ અને ATF જેવાં ઉચ્ચ મૂલ્યનાં ઉત્પાદનો તૈયાર થાય છે. ત્યાર બાદ આ ઉત્પાદનો યુરોપ, અમેરિકા, UAE, સિંગાપોર જેવા દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ૨૦૨૫ ના પહેલા ભાગમાં બંને ખાનગી કંપનીઓએ ૬ કરોડ ટન શુદ્ધ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરી હતી, જેમાંથી ૧.૫ કરોડ ટન યુરોપિયન યુનિયનને વેચવામાં આવ્યા હતા. તેનું મૂલ્ય ૧૫ અબજ ડોલર હતું. ખાનગી કંપનીઓ વિદેશમાં નિકાસ કરીને નફો રળે છે, પણ ભારતના ગ્રાહકોને તેનો લાભ આપવામાં આવતો નથી.
ભારત રશિયા પાસેથી સસ્તા ક્રુડ ઓઇલની આયાત કરે છે, જેને રિફાઇન કરીને પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણ જેવાં ઉત્પાદનોમાં રૂપાંતરિત કરે છે. આ ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય બજારોમાં નિકાસ કરવામાં આવે છે, ખાસ કરીને યુરોપમાં, જેણે રશિયા પાસેથી સીધી તેલ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. ભારત કહે છે કે તેનો વેપાર સંપૂર્ણપણે પારદર્શક છે અને તેમાં કંઈ ગેરકાયદેસર નથી. અમેરિકામાં રશિયાથી તેલની આયાત પર કોઈ પ્રતિબંધ નથી, ફક્ત કિંમત મર્યાદા લાગુ છે, જે ૨૦૨૨ માં તત્કાલીન રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્ર દ્વારા લાગુ કરવામાં આવી હતી.
આ કિંમત મર્યાદાનો હેતુ રશિયાની તેલ આવકને મર્યાદિત કરવાનો હતો, પરંતુ વૈશ્વિક ઊર્જા બજારને સ્થિર રાખવા માટે રશિયન તેલ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો નહોતો. ભારતે દલીલ કરી હતી કે રશિયા પાસેથી તેલ ખરીદવાથી વૈશ્વિક તેલના ભાવ નિયંત્રણમાં રહે છે. જો રશિયા જેવો મોટો તેલ ઉત્પાદક દેશ બજારમાંથી પોતાનું તેલ પાછું ખેંચી લે છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે ખનિજ તેલના ભાવો આસમાને પહોંચી શકે છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ૨૦૨૨માં વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં યુરોપનાં બેવડાં ધોરણોની ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણે જે તેલ ખરીદીએ છીએ તે યુરોપના દેશો ખરીદે છે તેના કરતાં ઓછું છે.
ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં પશ્ચિમી દેશો, ખાસ કરીને અમેરિકા અને યુરોપિયન યુનિયનનાં બેવડાં ધોરણો પર પ્રકાશ પાડ્યો છે. અમેરિકા પોતે રશિયા પાસેથી યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, પેલેડિયમ, ખાતરો અને રસાયણો જેવાં ઉત્પાદનોની આયાત કરે છે. તે જ સમયે, ૨૦૨૪ માં યુરોપિયન યુનિયનનો રશિયા સાથેનો વેપાર ૬૭.૫ અબજ યુરો છે, જેમાં ૧.૬૫ કરોડ ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) ની આયાતનો સમાવેશ થાય છે. આ ૨૦૨૨ માં ૧.૫૨ કરોડ ટનના અગાઉના રેકોર્ડ કરતાં વધુ છે. આ ઉપરાંત, યુરોપ રશિયા પાસેથી ખાતરો, ખાણકામ ઉત્પાદનો, રસાયણો, લોખંડ-સ્ટીલ, મશીનરી અને પરિવહન સાધનોની પણ આયાત કરે છે. ભારત કહે છે કે પશ્ચિમી દેશો પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે.
ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયાથી તેની તેલ આયાત રાષ્ટ્રીય જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે છે, નફા માટે નહીં. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી ભારતે ફેબ્રુઆરી ૨૦૨૨ માં રશિયન તેલ આયાત કરવાનું શરૂ કર્યું, કારણ કે યુરોપે ભારતના પરંપરાગત તેલ સપ્લાયર્સ ખાડી દેશો પાસેથી તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું. ભારતે તેની ૧.૪ અબજ વસ્તી માટે સસ્તી ઊર્જા સુનિશ્ચિત કરવા માટે સસ્તા રશિયન તેલનો ઉપયોગ કર્યો છે. ભારત એકમાત્ર એવો દેશ નથી જે રશિયા પાસેથી ક્રુડ ઓઇલ ખરીદે છે. ૨૦૨૪ માં ચીને રશિયા પાસેથી ૬૨.૬ અબજ ડોલરનું તેલ આયાત કર્યું હતું. આ સમયગાળા દરમિયાન રશિયાથી ભારતની તેલ આયાત ફક્ત ૫૨.૭ અબજ ડોલર હતી. આમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર વધારાના ટેરિફ લાદ્યા વિના વેપાર સોદા માટે ૯૦ દિવસનો સમય આપ્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.