કાયદાના લોકરક્ષકો સહિત સંગઠિતો ચૂપ રહે છે ત્યારે અખબારનવીશો અને કટાર લેખકો વિગેરેએ લોકહિત માટે જાગૃત થવું પડે છે. અત્રે પારદર્શક,તંદુરસ્ત ચર્ચા મુક્ત મને પ્રજાજનોની પોલીસ વિભાગમાં આવતી અરજીઓના નિકાલ સંદર્ભ અંગેની રહેલી છે. સામાન્ય રીતે અરજદાર / ફરિયાદી / બાતમીદાર / ખબરી / વહિસલ બ્લોઅર / સોસીયલ એક્ટિવિસ્ટ જ્યારે પોલીસ થાણે જાય અને લેખિત કે મૌખિક અરજી / ફરિયાદ આપે ત્યારે તેને કલમ 154 હેઠળ ફરિયાદીનું રૂપ મળે છે. તેનો ઉલ્લેખ ક્રિમિનલ પ્રોસીજર કોડના પ્રકરણ 12 માં થયેલ હોય એ રીતે અને પદ્ધતિએ 3 વિભાગમાં તપાસ થાય છે.
સર્વ પ્રથમ શરીર વિરુદ્ધના ગુના સબબ તળે ભારતીય ફોજદારી ધારા પ્રકરણ 16 અન્વયે અને મિલકત વિરુદ્ધ ગુનાના બાબતે ઉક્ત સદર ધારાના પ્રકરણ 17 મુજબ અને અન્ય અરજીઓમાં પોલીસ થાણે અને / અથવા ચોકીએ ઉક્ત દર્શાવેલ અરજીઓ બાબતે ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ 3 નિયમ 113 (12)ની જોગવાઈને આધિન પ્રાથમિક તપાસ અનુક્રમે અને ક્રમશ રીતે 24 કલાક, 48 કલાક અને દિન 7 માં જવાબદાર તપાસ અધિકારી પાસે કાર્યવાહી શરૂ કરાવી, અહેવાલ મેળવી ત્યાર બાદ ગુનો બનતો હોવાથી આગળની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે છે.
કિન્તુ ઉક્ત સમયમર્યાદામાં અરજીઓનો નિકાલ થતો જ નથી, કેમ કે, પોલીસ વાર તહેવારે બંદોબસ્તમાં હોય, તપાસના કામે બહારગામ અને કોર્ટના ધક્કા સહિત છાશવારે દોડી આવતા રાજકીય નેતાઓની સેવા અને સુરક્ષામાં કાયમ જ વ્યસ્ત રહેલી હોય છે.આમ થવાથી મહિનાઓ સુધી નાના મોટા ગુનામાં તપાસની ગતિ મંદ છે. ખેર, આ બાબતે પોતાનાં સિદ્ધાંતો અને નિષ્ઠાને વરેલા પોલીસ કમિશનર અજયકુમાર તોમર ( આઈ પી એસ ) સ્પેશ્યલ એટેન્શન આપી અંગત રસ લઈ પડતર અરજીઓનો નિકાલ યોગ્ય ત્વરાએ સમયસર થવો જરૂરી છે.
સુરત – સુનીલ રાજેન્દ્ર બર્મન- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રજાનું આરોગ્ય જોખમમાં
‘નકલી’ શબ્દ સાંભળતાં જ મનમાં ધ્રાસકો પડે કે વળી પાછું શું થયું? કમનસીબે બે કારખાનાં નકલી હળદરનાં ગુજરાતમાં ઝડપાયાં, કણકીના લોટમાં કેમિકલ ભેળવી હળદર તૈયાર કરાય અને એનું પગેરું પણ કયાં સુધી પહોંચ્યું. વળી પાછો એવો જ બીજો બનાવ સાંભળવા મળ્યો અને તે નકલી જીરૂનો. આમાં વરીયાળીને કેમિકલનો ટચ આપીને જીરૂ બનાવાય છે. તાજેતરમાં જ આ નકલી જીરૂ બનાવતી ફેકટરીને સીલ કરી દેવાય છે. તો આ બધું શું છે? જીરૂ મરચાં મરી પણ ભેળસેળમાંથી મુકત નથી. હાલમાં મસાલાની સીઝન ચાલી રહી છે.
ગૃહિણીઓ મસાલા ભરવામાં વ્યસ્ત છે ત્યારે આ તે કેવાં કૌભાંડ? પ્રજાના આરોગ્ય સાથે રમત રમીને પ્રજાના આરોગ્યને હાનિ પહોંચાડવી એ કેટલે અંશે યોગ્ય ગણી શકાય? આમાં કોને શું ફાયદો છે એ જ સમજાતું નથી. આ ઓછું હોય તેમ નકલી નોટોનો રાફડો ફાટયો છે. નોટ નકલી છે કે અસલી તે પારખવી પછી મુશ્કેલ બને છે. આમાં સામાન્ય માણસ તો ગોથાં જ ખાઇ જાય. આવા નકલી કૌભાંડ કરનારા ગુનેગારોને સખત સજા થવી જોઇએ જેથી બીજા આવું કરતાં અટકે.
સુરત – શીલા એસ. ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.