Comments

શા માટે મજબૂત અર્થતંત્ર એ જ ભારતની શ્રેષ્ઠ વિદેશ નીતિ છે?

વિશ્વના મોટા ભાગના દેશો ભારત સાથે સારા સંબંધો રાખવા ઈચ્છે છે. તાજેતરમાં જ ઇઝરાયેલ અને ઈરાન બંનેના વરિષ્ઠ મંત્રીઓએ થોડા દિવસોના અંતરે ભારતની મુલાકાત લીધી. ભારત અને ઈઝરાયેલે 2જી જૂન, 2022ના રોજ લાંબા સમયથી ચાલતા સંરક્ષણ સહયોગને વધુ ગાઢ બનાવવા માટે ‘વિઝન સ્ટેટમેન્ટ’ પર હસ્તાક્ષર કર્યા. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને તેમના મુલાકાતે આવેલા ઇઝરાયેલના તેમના સમકક્ષ બેની ગેન્ટ્ઝ વચ્ચેની બેઠકમાં આ કરાર થયા. 8મી જૂન, 2022ના રોજ કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. S. જયશંકર સાથે ઈરાનના વિદેશ મંત્રી ડૉ. હુસેન અમીર અબ્દોલ્લાહિયને મુલાકાત કરી દ્વિપક્ષીય વાટાઘાટો કરી.

તેમણે NSA ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી. પશ્ચિમના પ્રતિબંધો છતાં રશિયામાંથી તેલ અને ખાતરની આયાતને પ્રોત્સાહન આપવા છતાં ક્વાડ જેવા પ્લેટફોર્મ દ્વારા પશ્ચિમ સાથે ભારતની સંલગ્નતા સતત વધી રહી છે. ભારતે એક યા બીજી રીતે ‘પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવું, પસંદગી કરવી, એક પક્ષને પસંદ કરવો’ જેવા અઘરા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. પાશ્ચાત્ય સંશયવાદીઓ વારંવાર પૂછતા રહે છે – શું ભારત અમેરિકાનો વિશ્વાસપાત્ર સાથી બનશે? વિદેશ મંત્રી S. જયશંકરે વારંવાર કહ્યું છે કે ભારતે પોતાના રાષ્ટ્રીય હિતમાં પસંદગી કરવા માટે સ્વતંત્ર રહેવાની જરૂર છે પણ આપણે આ સ્વતંત્રતા કેવી રીતે મેળવી શકીએ?
વ્યૂહાત્મક પસંદગીઓ પર કામ કરવાની સ્વતંત્રતા લીવરેજની સ્થિતિથી આવે છે. મજબૂત લીવરેજ એ સંસાધનોની ઉપલબ્ધિ થકી આવે છે અને સંસાધનો એ આર્થિક બાબત છે. 1991માં આર્થિક સુધારાઓએ દેશને ઉચ્ચ વૃદ્ધિની કક્ષામાં તરફ ધકેલ્યો ત્યારથી ભારતની વ્યૂહાત્મક પસંદગીઓ નાટ્યાત્મક રીતે વિસ્તરી છે. ભારત જ્યારે તેના ઇતિહાસમાં સૌથી લાંબા ઉચ્ચ વૃદ્ધિ સમયગાળા (2008)ની મધ્યમાં હતું, ત્યારે જ અમેરિકા સાથેનો સિમાચિહ્નરૂપ પરમાણુ કરાર સંપન્ન થયો. તે સમયે ભારત કરતા લગભગ બમણું આર્થિક કદ ધરાવતા ચીને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપના સોદા અંગે શાંતિથી સંમતિ આપી હતી. પરંતુ આજે ભારત કરતા 5 ગણું મોટુ અર્થતંત્ર ધરાવતું ચીન હવે NSGમાં ભારતની સદસ્યતા માટે સંમત થવા તૈયાર નથી.

આજે ભારત યુરોપીયન સત્તાઓ સાથે સારા સંબંધો જાળવી રાખીને સસ્તા રશિયન તેલની ખરીદી કરી શકે છે. કેમ કે ભારત મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. મોટી ભારતીય અર્થવ્યવસ્થા વધુ વેપાર કરશે. યુરોપમાંથી વધુ ખરીદી કરશે. યુરોપિયન મૂડી માટે વધુ રોકાણની તકો રજૂ કરશે એવો આશાવાદ યુરોપ સેવી રહ્યું છે. આર્થિક રીતે ક્ષતિગ્રસ્ત ભારત આવું સ્થાન નહીં મેળવી શકે અને તેના માટે પસંદગીઓ વધુ મુશ્કેલ બનશે. આપણી રાષ્ટ્રીય સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ચીન તરફથી છે. ચીનનો સામનો કરવાની ભારતની ક્ષમતા ભારત સંરક્ષણ પર કેટલો ખર્ચ કરી શકે તે રકમ દ્વારા મર્યાદિત છે. આ વાત ‘GDPના કેટલા ટકા’ વિશે નથી પરંતુ મૂળ આધાર એવા GDP વિશેની જ છે. મજબૂત આર્થિક આધાર વિના ભારતને તુલનાત્મક રીતે ચીન સામે બળ સંતુલન જાળવવા માટે જરૂરી વધારાના જહાજો, ફાઇટર્સ અને ટેન્કો પરવડી શકે નહીં.

ટૂંકમાં, વિશ્વની મોટી શક્તિઓ માટે આકર્ષક ભાગીદાર તરીકે ભારતની સ્થિતિ જાળવી રાખવા માટે તેમજ ભય નિવારણ બંને માટે મજબૂત આર્થિક આધાર જ રાષ્ટ્રને સંરક્ષણ પૂરું પાડી શકે છે. 7 %નો વૃદ્ધિ દર લશ્કરને ભંડોળ પૂરું પાડવા, નિર્ણાયક વૈશ્વિક જોડાણોમાં સ્થાન મેળવવા અને વિશ્વમાં ‘ભારતીય અપવાદવાદના સિદ્ધાંત’ને લાગુ કરવા માટે જરૂરી તમામ સુગમતા દેશને આપશે. 7 % વૃદ્ધિ ખૂબ મહત્વપૂર્ણ છે. કદાચ ભારતની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિઓનો તે એકમાત્ર આધારસ્તંભ છે.
ડૉ. જયનારાયણ વ્યાસ
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top