હમણાં થોડા સમયથી મોટા ભાગના ભાજપશાસિત રાજ્યોમાં ડબલ એન્જીનની સરકારની (મહદ્ અંશે ઉત્તરપ્રદેશ સિવાયના) બોલબાલા છે અને એનું ચલણ અને એની બોલબાલા ધીમે ધીમે અલગ અલગ રાજ્યોમાં ચોક્કસ ગતિએ વધતી જતી હોય એવું લાગી રહ્યું છે. એકાદ-બે વર્ષ પહેલાં આ શબ્દો કોઇ પણ રાજ્યમાં કે કોઇ શબ્દકોષમાં જોવા કે સાંભળવા નહોતા મળતા. અલબત્ત જ્યારે સાહેબ સત્તામાં હોય ત્યારે કાંઇ નવું ન સંભળાવે કે ન કરે એ શક્ય નથી. દેશના રાજકારણમાં આ એક તદ્દન નવો શબ્દપ્રયોગ થોડા સમયથી ચોક્કસ હેતુ અને ઉદ્દેશથી ચલણમાં રમતો કરી દેવામાં આવ્યો હોય એવું પણ પ્રતિપાદિત થઇ રહ્યું છે.
આપણે ગુજરાતને ધ્યાનમાં રાખી ડબલ એન્જીનની સરકારનો વિચાર કરીએ તો આપણું રાજ્ય મુખ્યત્વે ઉદ્યમી પ્રજા અને સમતલ જમીનો ધરાવતો એકંદરે સમૃધ્ધ પ્રદેશ છે, જ્યાં બીજાં રાજ્યોમાંથી ગુજરાતમાં નોકરી મેળવવા કે ધંધો કરવા આવતાં અને સ્થાયી થતાં લોકોનું પ્રમાણ સારું એવું હોય એવી પરિસ્થિતિમાં વિકાસને પ્રાધાન્ય આપતા આપણા રાજ્યમાં બીજા એન્જીનની જરૂરિયાત સામાન્ય સંજોગોમાં ન પડવી જોઇએ તેમ છતાં બે એન્જીનનો સિધ્ધાંત અમલી બનાવવાની જરૂરિયાત કેમ પડે છે? અને એની સતત જાહેરાત કેમ થાય છે? આનો અર્થ6 એવો ન ઘટાવી શકાય કે આગલું એન્જીન નબળું રખાય કે હોય તો જ પાછલા એન્જીનની જરૂરિયાત ઊભી થતાં એની મહત્તા વધી શકે. રાજ્ય સરકાર મજબૂત/સક્ષમ હોય તો પણ બીજું એન્જીન ફરજીયાતપણે લગાવવા પાછળનો હેતુ શું?
આવી જાહેરાત પાછળનો મૂળભૂત હેતુ સાહેબનું નામ રાજ્યની પ્રજાના મનમાં સતત રમતું રાખવાનો તો ન હોય? અલબત્ત એ ધારણા નકારી તો ન શકાય, પરંતુ દેશ અને જે તે રાજ્યના હિતમાં એ જરૂરી છે કે રાજ્યની/સ્થાનિક નેતાગીરી રાજ્યોના પ્રશ્નો ઉકેલવા સંપૂર્ણપણે સક્ષમ હોય અને કેન્દ્ર સાથે સંકળાયેલા પ્રશ્નોમાં કેન્દ્ર અને વડા પ્રધાનનો સહકાર મળતો રહે એ દરેક રાજ્યો અને દેશના લાંબા ગાળાના હિતમાં છે. અલબત્ત એનો એ અર્થ નથી જ કે વડા પ્રધાનનું રાજ્ય સ્તરે મહત્ત્વ કોઇ પણ પ્રકારે ઓછું થાય, પરંતુ રાજ્ય અને કેન્દ્ર, બન્નેની સક્ષમ અને લોકપ્રિય નેતાગીરી દ્વારા જ રાજ્ય અને દેશ એના સર્વાંગી વિકાસનું લક્ષ્ય ઘણી સારી રીતે પાર પાડી શકે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
ભાવ-અભાવ-પ્રભાવ
આજકાલ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે, તેથી જીવનનિર્વાહ કરવો અઘરો બન્યો છે. મોંઘવારીના મારને કારણે જયાં મધ્યમ વર્ગીય લોકો મુશ્કેલીઓ સહન કરીને નિર્વાહ કરી રહ્યો છે ત્યાં શ્રમિક વર્ગની હાલત કેવી કફોડી બનતી હશે? માંડ રોજીરોટી મેળવીને ગુજરાન કરનાર વર્ગનું કુટુંબ અભાવમાં વેરવિખેર થઈ જાય એવી પરિસ્થિતિ સર્જાય છે. તેમનું જીવન વસમું, પીડાજનક બન્યું છે. અતિ સામાન્ય માનવીને પીડા વેઠવી, પીડા સહતા રહેવું- એનો કોઈ ઉકેલ છે? પ્રતિઉત્તર નકારમાં જ આવે. આ અભાવગ્રસ્ત લોકોને કેમ કરીને જીવવું?
મોંઘવારીની કપરી પરિસ્થિતિમાં તેમને ભોગવવા પડતા અભાવો અને પીડાઓ વચ્ચે ટકી રહેવાનું, ભૂખમરો વેઠવા માટેનું તેમનું બળ-પ્રભાવ સમ-સંવેદન જગાવે છે. સૌને પેટ ભરીને ભોજન મળે તેવું વાતાવરણ સર્જવું જરૂરી છે.
નવસારી – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.