Business

જેમને મળવા અમારું મન અધીરું થાય છે, જિંદગીમાં કોઈ એવું ખાસ લઈ આવ્યા તમે!

જીવરાજ પટેલનું ખોરડું આખા ભીમનાથ ગામમાં મોભાદાર ગણાય. જીવરાજ પટેલ પોતે ધાર્મિક વૃત્તિના માણસ અને એમનાં પત્ની રેવાબહેન પણ માયાળુ અને મળતાવડા સ્વભાવનાં. બસો વિંઘા ખેતીની જમીન અને ચાર બળદ, બે ભેંસ, એક ટ્રેક્ટર અને એક મોટરસાઈકલ- આ જીવરાજ પટેલનો અસબાબ! એક સાંજે પટેલ વાળુ કરવા બેઠા હતા ને રેવા પટલાણીની આંખમાંથી આંસુ સરી પડ્યાં, એ જોઈને જીવરાજ પટેલ ચમક્યા. ‘‘પટલાણી,” એમણે કહ્યું, “કેમ આજે તમારી આંખમાંથી આંસુ સરી પડ્યાં?” ‘‘તમારાથી ક્યાં અજાણ્યું છે પટેલ?” રેવા પટલાણીએ ભીના અવાજે જવાબ આપ્યો, આજે મને દીકરી યાદ આવી ગઈ. આમ તો રોજ યાદ આવે છે પણ આજે રોટલા જોડે લીલા ધાણાની ચટણી બનાવી એટલે મને કંકુડી યાદ આવી ગઈ.

એનેય આ ચટણી બહુ ભાવતી. કોણ જાણે ક્યાં હશે અત્યારે ને શું ખાતીપીતી હશે?” આટલું બોલતા બોલતા તો પટલાણી ચોધાર આંસુએ રડી પડ્યાં. ‘‘અઢાર વરસ થઈ ગયાં કંકુને ગુમ થયાને પટલાણી,” જીવરાજ પટેલે રેવાબહેનને આશ્વાસન આપતાં કહ્યું, “એ શ્રાવણી અમાસના મેળામાં આપણાંથી છૂટી પડી ગઈ પછી એનો ક્યાંય પત્તો ન લાગ્યો. હશે, જેવી ભગવાનની મરજી, બાકી આપણે એને શોધવા ઓછા વાના નથી કર્યા. જૂનાગઢ, દ્વારિકા, જગન્નાથપુરી, હરિદ્વાર ને ઠેઠ બદ્રીનાથ સુધી આપણે જાતે જઈ આવ્યા છીએ કે આપણા માણસોને મોકલ્યા છે, પોલીસમાં પણ ફરિયાદ લખાવી છે પણ ક્યાંય એનો પત્તો ન લાગ્યો. જાણે, એને ધરતી જ ગળી ગઈ!” “મને તો એ કેટલી વ્હાલી હતી!” રેવા પટલાણી ભીની આંખે બોલ્યાં, “મેળામાં છેલ્લે મેં એના ડાબા હાથના કાંડા પર “ઓમ” લખાવેલો, એ પૂરો સૂકાયો પણ નહોતો ને દીકરી ગુમ થઈ ગઈ!”

એ સાંજે રાંધેલું રઝળી પડ્યું. ન પટેલે ખાધું કે ન પટલાણીએ ખાધું. અઢાર વરસેય પતિ-પત્ની એમની દીકરી કંકુને ભૂલી શક્યા નહોતાં ને ભીમનાથ ગામ પણ એને ભૂલ્યું નહોતું. જો કે નાનકડી કંકુ હતી પણ એટલી સોહામણી ને રમતિયાળ કે અજાણ્યાને પણ એના પર વ્હાલ આવી જાય! એ વાતને પંદરેક દિવસ પસાર થયા હશે ને એક સાંજે ખેતરેથી આવીને વાળુપાણીથી પરવારીને જીવરાજ પટેલ ફળિયામાં ખાટલા પર બેઠા હતા ત્યાં જ મથુર પટેલ એમને મળવા આવ્યા. “આવો મથુર પટેલ,” જીવરાજ પટેલે એમને આવકાર્યા, “શું આટલા મોડા મોડા ભૂલા પડ્યા પટેલ?” “વાત જ એવી છે જીવરાજ પટેલ, મથુર પટેલે હસીને કહ્યું, “કે અત્યારે આવવું પડ્યું.” “બોલો બોલો,” જીવરાજ પટેલે એમની સામે જોયું, “શું વાત છે?” “વાત એમ છે જીવરાજભાઈ,” મથુરભાઈ બોલ્યા, “કે મારા ભાઈનો ફોન નાસિકથી આવ્યો છે. તમને તો ખબર જ છે કે એની દ્રાક્ષની વાડીઓ છે નાસિકમાં, એ એક એવા સમાચાર લાવ્યો છે કે તમે હલબલી જશો!’’

“કેવા સમાચાર?” જીવરાજ પટેલે ઝડપથી પૂછ્યું. ‘‘એ થોડા દિવસ પહેલાં ત્ર્યંબકેશ્વર દર્શન કરવા ગયો હતો,” મથુર પટેલ જીવરાજ પટેલની નજીક ખસ્યા અને ધીમેથી આગળની વાત શરૂ કરી, “ત્યાં એણે વીસ-બાવીક વરસની એક છોકરી જોઈ. એ અસ્સલ આપણી કંકુ જેવી જ દેખાતી હતી.” ‘‘ત્ર્યંબકેશ્વર?” જીવરાજ પટેલે આશ્ચર્યથી પૂછ્યું, “ત્યાં ક્યાંથી જોવા મળી કંકુ?” “ત્ર્યંબકેશ્વર મંદિર પાસે એક પૂજારી રહે છે,” મથુર બોલ્યો, “એના ઘર પાસેથી મારો ભાઈ પસાર થતો હતો એ વખતે એણે આ છોકરીને બહાર ઊભેલી જોઈ. છોકરી તો તરત જ અંદર ચાલી ગઈ પણ મારા ભાઈને લાગ્યું કે આ ચહેરો તો ક્યાંક જોએલો છે એટલે એ થોડી વાર આજુબાજુ ફર્યો અને પછી આજુબાજુમાં પૂછપરછ કરી તો એને જાણવા મળ્યું કે, આ પૂજારી વરસો પહેલાં ગુજરાત ગયેલા ત્યાંથી આ છોકરી એમને મળી છે. એટલી વારમાં તો એ છોકરી કૂતરાને ખાવાનું નાખવા બહાર આવી ત્યારે મારા ભાઈએ જોયું કે એના ડાબા હાથના કાંડા પર ‘ઓમ’ લખેલું હતું !” ‘‘ના હોય!… જીવરાજ પટેલ આશ્ચર્યથી બૂમ પાડી ઊઠ્યા ને એમની બૂમ સાંભળીને રેવા પટલાણી પણ બહાર આવી ગયાં.

‘‘શું ના હોય?” એમણે આવીને તરત જ પૂછ્યું, “અને તમે બન્ને આટલા બધા રઘવાયા કેમ લાગો છો? કંઈ બન્યું છે?” ‘‘અરે રેવા,” જીવરાજ પટેલ આનંદથી બોલ્યા, “આપણી કંકુનો પત્તો મળી ગયો! એ ત્ર્યંબકેશ્વરમાં છે, એક પૂજારીના ઘેર રહે છે. આ મથુરભાઈના ભાઈએ એને જોઈ પણ ખરી.” ‘‘ના હોય!” હવે રેવા પટલાણી પણ બોલી ઊઠ્યાં, “તો પછી વાર શાની? ચાલો, ગાડી ભાડે કરીને આપણે એને લઈ આવીએ.” “એવી ઉતાવળ ના કરાય,’’ મથુરભાઈ બોલ્યા, “હજી મારો ભાઈ એ પૂજારીને મળ્યો નથી. વળી, એ તમારી દીકરી છે એવી સાબિતી પણ મારા ભાઈ પાસે નથી એટલે આપણે મારા ભાઈને ફોન કરીએ ને જે રીતે એ વાત કરવી હોય એ રીતે કરે. કદાચ પૂજારી એને પાછી આપવાના પૈસા પણ માગે.” ‘‘અરે ભલે મારી બધી મિલકત માગી લે,” જીવરાજભાઈ બોલ્યા, “મારે મારી દીકરી પાછી જોઈએ.” “તો પછી હું મારા ભાઈને ફોન કરું છું,” મથુરભાઈએ ઊભા થતાં કહ્યું, “એ નાસિકથી ત્ર્યંબકેશ્વર જશે અને પૂજારી સાથે વાત કરશે. એ કંકુના ફોટા પણ પાડીને આપણને મોકલશે. પછી એ જે રીતે કહે તે પ્રમાણે આપણે કરીશું, બરાબર ને?” “બરાબર છે મથુરભાઈ,” જીવરાજભાઈ બોલ્યા, “એ ગમે તે કહે, એટલી રકમ આપણે એને આપીશું પણ મારે મારી દીકરી પાછી જોઈએ અને એ પણ ઝડપથી પતાવજો મથુરભાઈ.” ‘‘અરે ઝડપ તો કરવાની જ હોય ને,” મથુરભાઈ બોલ્યા, “કાલ રાત સુધીમાં તો આપણને બધી ખબર પડી જશે.

કંકુના ફોટા પણ મળી જશે. પહેલાં તમે ફોટા જોઈ લો ને અણસાર પરથી ઓળખી કાઢો કે એ કંકુ જ છે, પછી આપણે આગળ વધીશું.” “ભલે મથુરભાઈ,” રેવા પટલાણી બોલ્યાં, “તમે સારા સમાચાર લાવ્યા, ભગવાન તમને સો વરસના કરે મારા વીરા.” એ રાત્રે જીવરાજભાઈ કે રેવાબહેનને ઊંઘ જ ના આવી. બીજા દિવસે સવારના બન્ને જાગ્યાં તો ખરાં પણ એક્કેયનું મન કામમાં નહોતું લાગતું. માંડ માંડ રાત પડી અને મથુરભાઈ આવ્યા. એમણે મોબાઈલ કાઢીને એમાંથી રેવાબહેન અને જીવરાજભાઈને ફોટા બતાવ્યા. વીસ-બાવીસ વરસની કંકુ એકદમ સોહામણી લાગતી હતી. એના ડાબા હાથના કાંડા પર ઓમ લખેલું એનો પણ ફોટો હતો. “હું તો અણસાર પરથી ઓળખી ગઈ છું,” રેવાબહેન મોબાઈલને ચૂમી ભરીને બોલ્યા, “આ મારી કંકુ જ છે, ચોક્કસ કંકુ જ છે.” ‘‘હવે,” જીવરાજભાઈ બોલ્યા, “કઈ રીતે એ પૂજારી કંકુને આપશે? આપણે લેવા જવાનું થશે?”

“ના રે,” મથુરભાઈ બોલ્યા, “પૂજારીએ એને અત્યાર સુધી સાચવવાના દસ લાખ રૂપિયા માગ્યા છે. રૂપિયા તો મારો ભાઈ આપી દેશે ને કંકુને અહીં મૂકી જશે, પણ તમે નક્કી કરી લો કે આ કંકુ જ છે, પછી આપણે મારા ભાઈને અત્યારે જ ફોન કરીએ, તો એ અત્યારે જ ત્ર્યંબકેશ્વર જઈને કંકુને લઈને નીકળી જાય ગાડીમાં, તો કાલે બપોર સુધીમાં અહીં આવી જાય. એ આવે એટલે આપણે એને દસ લાખ આપી દઈશું. બસ, કંકુ તમારે ઘેર ને મારો ભાઈ ગાડી લઈને પાછો એને ઘેર.” ‘‘આ કંકુ જ છે.” રેવાબહેન ફોટા જોઈને બોલ્યાં, “હું એની મા છું, એને ન ઓળખું ? તમે અત્યારે જ તમારા ભાઈને ફોન કરી દો. કાલે એ કંકુને લઈને આવી જ જાય.” મથુરભાઈએ તરત જ એના ભાઈને ફોન કર્યો ને કંકુને લઈને આવવાનું કહી દીધું. રેવાબહેન આજે બજારમાંથી આ સારા સમાચાર માટે પેંડા લઈ આવ્યા હતા, એ દોડતા રસોડામાં જઈને લઈ આવ્યા ને મથુરભાઈનું મોં મીઠું કરાવ્યું.

આજે બીજી રાત્રે પણ જીવરાજભાઈ ને રેવાબહેનથી ઊંઘ દૂર જ રહી! સવારે મથુરભાઈ સારા સમાચાર લઈને આવ્યા- મારા ભાઈ નાસિકથી નીકળી ગયા છે ને સાંજ સુધીમાં એ અહીં આવી જશે. બેન્ક ખૂલી એટલે જીવરાજભાઈ દસ લાખ રૂપિયા ઉપાડી લાવ્યા ને પછી રાહ જોવાનો કાર્યક્રમ શરૂ થયો. સાંજના સાતેક વાગ્યે એક કાર જીવરાજભાઈના ઘર પાસે ઊભી રહી. એમાંથી મથુરનો ભાઈ હિંમત ઊતર્યો ને એની સાથે એક બાવીસેક વરસની સુંદર યુવતી પણ ઊતરી. ‘‘કંકુ,” હિંમતે પેલી યુવતીને હિન્દીમાં કહ્યું, “આ તારી મમ્મી રેવાબહેન છે, ને આ તારા પપ્પા જીવરાજભાઈ છે.” શેરીની વચ્ચે જ કંકુ રેવાબહેનને પગે પડી ને જીવરાજભાઈને તો ભેટી જ પડી. કંકુ ને રેવાબહેનનાં આંસુથી શેરી ભીંજાઈ ગઈ !

એ પછી બધા ધીમે ધીમે વિખેરાયા ને કંકુને લઈને રેવા ઘરમાં આવી. ચા મુકાઈ ને હિંમતે જવાની ઉતાવળ દર્શાવી. જીવરાજભાઈએ હિંમતને દસ લાખ રૂપિયા આપ્યા એટલે એ જ ગાડીમાં હિંમત પાછો નાસિક જવા રવાના થયો. ત્રણ દિવસ તો જીવરાજભાઈના ઘેર મેળા જેવું વાતાવરણ રહ્યું. કંકુ તો વિસ્મયભાવે બધું જોયા જ કરતી હતી. જો કે, ચોથા દિવસની સવારે જીવરાજભાઈના ઘેર ખળભળાટ મચી ગયો- કંકુ ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ હતી! જીવરાજભાઈ અને ગામના માણસો એને શોધવા નીકળી પડ્યા. બસસ્ટેન્ડ પર તપાસ કરી, ધંધુકા રેલવે સ્ટેશન પર તપાસ કરી પણ ક્યાંય એનો પત્તો ન લાગ્યો. બીજા દિવસે તપાસ કરી, પણ પરિણામ એ જ આવ્યું. કંકુ જાણે હવામાં ઓગળી ગઈ ! જો કે, ચોથા દિવસે સવારના એક કાર આવીને રેવાના ઘર પાસે ઊભી રહી. શેરીનાં માણસો ભેગા થઈ ગયા. રેવા અને જીવરાજભાઈ પણ બહાર આવ્યાં. કારમાંથી એક પચાસેક વરસની સ્ત્રી કંકુને લઈને ઊતરી! બધા સ્તબ્ધ બની ગયા. કંકુ પેલી સ્ત્રીનો હાથ પકડીને એને ઘરમાં લઈ આવી. રેવા એમની સાથે ખાટલા પર બેઠી એટલે પેલી સ્ત્રીએ એની વાત શરૂ કરી.

‘‘વરસો પહેલાં અમે અહીં આવ્યા હતા,” પેલી સ્ત્રીએ હિન્દીમાં કહ્યું, “એ વખતે નદીના કિનારે મેળામાં અમને આ છોકરી મળી હતી. અમે થોડી વાર એના માતા-પિતાની રાહ જોઈ પણ પછી અમે એને લઈને નાસિક આવી ગયા. આટલાં વરસ એ અમારી સાથે રહી, મેં એને અમારા સંસ્કારો આપ્યા. હમણાં મારા પતિએ કોઈ હિંમતભાઈ સાથે મળીને આ દીકરીને દસ લાખમાં વેચી દીધી એવા સમાચાર મને મળ્યા. એમાંથી પાંચ લાખ મારા પતિને મળ્યા. જો કે, મને આ ગમ્યું નહીં. છોકરી તો પાછી આવી ગઈ પણ મને લાગ્યું કે તમારી દીકરીને તમારાથી જુદી રાખવાનો અર્થ નથી. હું પાપમાં પડું એટલે હું એને અહીં લઈને આવી છું અને સાથે મારા પતિ પાસેથી લઈને આ પાંચ લાખ પણ તમને પાછા આપવા આવી છું. મને માફ કરજો, પણ મેં પાપ કર્યું છે.” “વાંધો નહીં બહેન,” રેવા બોલી, “તમે મને દીકરી આપી એ જ તમે મોટું પુણ્ય કર્યું છે. તમારાં બધાં પાપ ધોવાઈ ગયાં છે બહેન.” એ વખતે મથુર ક્યાં ગુમ થઈ ગયો હતો, એની કોઈને ખબર ના પડી !
(શીર્ષકપંક્તિઃ જિજ્ઞેશ વાળા)

Most Popular

To Top