Comments

કોણ જીત્યું?! કોણ હાર્યું?!

દરેક ચૂંટણી નવું વહેણ, નવો ચીલો અને નવી પરંપરાને સર્જે છે અને અલબત્ત વિજેતાઓ પણ હોય છે અને પરાજિતો પણ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની તાજેતરની ચૂંટણીઓ અને અલબત્ત દિલ્હી મહાનગરપાલિકાની સૂચક ચૂંટણીઓ આ બાબતમાં અપવાદ નથી. પણ જો એકલા વિજેતાઓ જ હોય તો? હા, કોઇકે વિજેતા બનવું હોય તો કોઇક પરાજિતતો જોઇએ ને?પણ ચૂંટણીના આ દૌરમાં એક યા બીજા સ્થળે તમામ વિજેતાઓ યા તમામ પરાજિતો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભામાં સપાટો બોલાવી દીધો. પણ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસે ભારતીય જનતા પક્ષને ઉથલાવી પાડયો અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પંદર વર્ષનાં શાસન પછી ભારતીય જનતા પક્ષે ઘર ભેગા થવું પડયું અને મોદીના જ મેદાન પર આપ વિજેતાનો ઝંડો લઇને ફરવા માંડયો. આથી રાજકીય રીતે અને ભવિષ્યના સંદર્ભમાં પૂછીએ તો આ ચૂંટણીમાં ખરેખરા વિજેતા કોણ અને ખરેખરા પરાજિતો કોણ? ગુજરાત તો મોદી અને અમીત શાહનું વતન  રાજય છે.

અસરકારક વિજય અને બે મહત્વના પરાજય છતાં ભારતીય જનતા પક્ષ (એટલે કે મોદી) સૌથી મોટા લાભાર્થી છે. આ હકીકત છતાં છેલ્લા આઠ વર્ષમાં પહેલી સત્તાધીશોના ભવ્ય દેખાવને હિમાચલ પ્રદેશમાં પડકાર થતો જોવા મળ્યો હતો. જેમાં મોદીની દરમ્યાનગીરી છતાં બળવાખોરો માન્યા નહીં અને આખરે પક્ષનો પરાજય થયો. ગુજરાતમાં ખોબલે ખોબલે વિજય મળ્યો તો દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં પક્ષને માત્ર શાસન વિરોધી વલણનો સામનો કરવો પડયો એટલું જ નહીં પણ મોદી સામે પડકાર થયો. નહીં તો હિમાચલ પ્રદેશ (માત્ર ૨૫) અને દિલ્હી (૧૦૪ વોર્ડ)માં ભારતીય જનતા પક્ષને નીચાજોણું નહીં થયું હોત.

ગુજરાતમાં મોદીની હકૂમત મજબૂત થઇ પણ અન્ય બે સ્થળે તેની પર પ્રશ્નાર્થ લાગી ગયો. મોદીની સત્તા સામે સીધો પડકાર નહીં થયો હોય તો ય ઘસારો તો લાગ્યો જ છે. ભારતીય જનતા પક્ષનો તેના પ્રમુખ જે.પી. નડ્ડાના રાજયમાં પરાજય થયો છે તેમાં બળવાખોરોનો ખાસ્સો ફાળો છે ત્યારે પક્ષ સંગઠનની દૃષ્ટિએ કેવાં પગલાં લે છે તે જોવાનું રહ્યું. પક્ષના મોવડી મંડળના કડક અનુશાસન સામે આ પડાકર છે જેના છાંટા અન્ય રાજયો પર પણ પડી શકે છે.

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ કોલર ઊંચો રાખીને ચાલશે કારણકે ગુજરાતમાં પણ જેટલી બેઠક મળી તે જોતાં હવે તેનો પક્ષ – આપ રાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ ધારણ કરશે પણ હિમાચલ પ્રદેશમાં તે કેમ ગબડી પડયો? કેજરીવાલ સાથે પંજાબના મુખ્ય પ્રધાન ભગવંતસિંહ માને ગુજરાતમાં પંજાબ – દિલ્હીના શાસનના નમૂનાના ગુણગાન ગાયા પણ હિમાચલ પ્રદેશમાં કંઇ કર્યું નહીં. બની શકે કે કેજરીવાલે ગુજરાતમાં મોદી સામે જ જંગ માંડવાનું નકકી કરી ગુજરાત પણ વધુ ધ્યાન આપવાનું નકકી કર્યું હોય. તેમની નજરમાં લોકસભાની જ ચૂંટણી હોય.

કોંગ્રેસ માટે તો રાહુલ ગાંધી ‘ભારત જોડો યાત્રા’માં મશગુલ હતા અને પક્ષ પાસે જાણે કોઇ દિશા દૌર જ ન હતો. ગુજરાત કોંગ્રેસ પાસે કયો મોટા ગજાનો નેતા છે? આપ અને અસદુદ્દીન ઓવૈસીના ઓલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન પક્ષની હાજરીથી કોંગ્રેસ પક્ષ જાણે ડઘાઇ ગયો હતો. તેના પરંપરાગત મતદારો આ બે પક્ષ અને ભારતીય જનતા પક્ષમાં વહેંચાઇ ગયા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ મોં દેખાવાને લાયક નથી રહ્યો એટલે તેના પરનું સીધું પતન થયું છે. સિવાય કે હિમાચલ પ્રદેશે પક્ષની થોડી લાજ રાખી છે.

તમામ સ્તરે સંકલિત પ્રયાસો અને વીરભદ્રસિંહના વારસાનો સદુપયોગ કરી કોંગ્રેસ મોદીના વિજય રથને અટકાવી શકયો હતો. આ ભલે કોંગ્રેસ માટે આશ્વાસન કહેવાય પણ ચાર વર્ષના પછડાટ પછી મળેલી આ સિધ્ધિ  ઇનામ સ્વરૂપ ગણાય. કોંગ્રેસે કેજરીવાલ અને ઓવૈસીના પડકારને ખીલતાં શીખવું પડશે અને મત વિભાજન અટકાવતા શીખવું જ પડશે. ગુજરાતમાં કોંગ્રેસને ૨૦૧૭ માં ૪૧% મત મળ્યા હતા તે ઘટીને ૨૭% થઇ ગયા આ ગુમાવેલા મત કેજરીવાલ અને ઓવૈસીના ખિસામાં ગયા છે. હા, હિમાચલ પ્રદેશનો વિજય કોંગ્રેસ માટે યશ કલગી સમાન બની રહ્યો છે. ઉદાસીનતાને કારણે કોંગ્રેસ પક્ષ એટલો હતપ્રભ થઇ ગયો છે કે હિમાચલ પ્રદેશનો વિજયોત્સવ પણ નથી મનાવતો. ઘણા બધા પરાજય પછી વિજયનું મહત્વ જ નથી રહ્યું! દિલ્હી અને હિમાચલ પ્રદેશમાં હારી ગયા છતાં ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં વિજયોત્સવ મનાવ્યોને?! કોંગ્રેસને હિમાચલ પ્રદેશમાંથી કૌવત મળવું જોઇએ.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top