Charchapatra

રસ્તા પરના આ બેજવાબદારોને કોણ ગાંઠશે?

સુરત શહેરના મોટા ભાગના ત્રિભેટા કે ચાર રસ્તાવાળા જાહેર માર્ગ ઉપર ચાલુ ફરજે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ટ્રાફિકના જવાનો હોય કે બાઇક સવાર કે પછી ફોર વ્હિલર હાંકનાર સ્ત્રી કે પુરુષ વાહનચાલક હોય એની નિષ્કાળજી જાહેર માર્ગો ઉપર દિવસે દિવસે વધતી જાય છે, જેના કારણે એની પાછળ દોડતાં વાહનોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. મોટા ભાગે જાહેર રસ્તા ઉપર કોર્નરની દુકાને ટ્રાફિક રોજ સવાર પડે ને મોટા ભાગના રોડ રસ્તા ઉપર મોટર સાઇકલો ઉપર બંને સાઇડ ઉપર કેરિયર એન્ગલ ફીટેડ દૂધ પહોંચાડનારા વાહનચાલકો બેફામ રીતે વાહન હંકારી જતા દૃશ્યો નજરે ચઢે છે ત્યારે રોંગ સાઇડથી બેફામ ધસી આવતા આવા માથા ફરેલ જેવા ફેરિયાઓ યમદૂત સમાન બને છે.

આખાય ગુજરાતમાં હવે આવા ગાંડપણવાળાં દૃશ્યો રોજનાં થઇ પડયાં છે. તેમાંય રાજયનો કમાઉ દીકરો સાબિત થયેલ સુરત સીટીમાં તો આવા તદ્દન વાહિયાત વર્તણૂકવાળા વાહનચાલકો જાણે મને કોઇ રોકે નહિ, મને કોઇ ટોકે નહિ, હું ચાહે આમ ફરું, હું ચાહે તેમ ફરું. રીતસરના કાયદાને હવે ગજવે ઘાલી ફરી રહ્યાના રોજના દાખલા કહો કે આખલા બેસુમાર રીતે વધતા જઇ રહ્યા છે. તળ સુરતના સાંસદનો સોનીફળિયા, વાડીફળિયા, ગોપીપુરા, ભાગાતળાવ વિસ્તાર હોય કે મા. ગૃહમંત્રીનો અઠવા, સીટીલાઇટ રોડ, પનાસ કૃષિ યુનિ. વાળો જાહેર માર્ગ હોય, વહેલી સવારે પગપાળા જતા કે શાળા કોલેજોમાં સમયસર વિદ્યાર્થીઓને પહોંચાડતા રીક્ષાવાળા કે વાનવાળા ડ્રાઇવરો હોય કે વાલીઓ, બધાને માટે હવે આવા પ્રકારની બેફામ વાહનચાલકોની રોંગસાઇડરોની તેમજ માથાફરેલ વાહનચાલકો સમેત રોજબરોજ પોતાની ફરજચૂક કરતા સરકારી કર્મચારીઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા જવાબદારી પ્રામાણિકતાને નજર અંદાજ કરતા સૌ કોઇ સંબંધિત સત્તાધીશો જવાબદાર શાસકો કોઇ નક્કર પગલાં ભરશે ખરા? કે પછી નક્કી કરાયેલા હપ્તા આવા બેજવાબદારો ભર્યા કરશે અને સુરતની ગુજરાતની પ્રજા દર વર્ષની જેમ બધી રીતે લૂંટાતી રહેશે?
સુરત     – પંકજ શાં. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top