Charchapatra

ચૂંટણીમાં પ્રજા કોના તરફ ઝૂકશે?

ચારે બાજુ ચૂંટણીનો માહોલ દેખાઇ રહ્યો છે. ચૂંટણીના શોરબકોરમાં કયાંક દીપોત્સવનો હરખ ચૂકી ન જવાય તો સારું! હાલ તો ભાજપ અને આમ આદમી પાર્ટીએ સભા રેલી સરઘસ દ્વારા પ્રચાર શરૂ કરી દીધો છે. હાલ તો કોંગ્રેસ પક્ષ નિષ્ક્રિય દેખાઇ રહ્યો છે. પરંતુ છેલ્લી ઘડીએ કોંગ્રેસ એકશનમાં આવી જવાની પૂરી શકયતાઓ દેખાઇ રહી છે. આમ આદમી પાર્ટી કૂદાકૂદ કરી રહી છે તેને ચમત્કાર થશે એવી આશા દેખાઇ રહી છે. આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમની છાપ ભૂંસવાની જરૂર છે. ગુજરાતની પ્રજાએ કયારેય ત્રીજી પાર્ટીને વજૂદ આપ્યું નથી. જોઇએ, આ ચૂંટણીમાં ગુજરાતની જનતાનો કેવો મિજાજ છે?

આ ચૂંટણીમાં વડા પ્રધાન અને ગૃહ મંત્રીને નાકનો સવાલ સતાવે છે. તેઓ સત્તા બચાવવા પૂરી તાકાત બતાવી રેલીઓ, ઉદ્‌ઘાટનો અને લોકાર્પણના કાર્યક્રમો સરકારી ખર્ચે યોજીને પ્રચાર કરી રહ્યા છે. હિમાચલ અને ગુજરાતનાં ચૂંટણી પરિણામો એક જ તારીખે જાહેર કરીને ચૂંટણી પંચે ગુજરાતની ચૂંટણી જાહેર નથી કરી. આથી પ્રજાને નવાઇ લાગે એ સ્વાભાવિક છે. ચૂંટણી પંચ વફાદારી નિભાવી રહ્યું છે! ચૂંટણી પંચ સામે અવાજ ઉઠાવવો બેકાર છે કારણ કે ચૂંટણી પંચ બંધારણીય દરજ્જો ધરાવે છે. ભાજપ આમ આદમી પાર્ટીને ગંભીર લેતું ન હતું અને કોંગ્રેસ આપને ભાજપની બી ટીમ કહેતું હતું એ આપ આજે વધુ પડતી મહત્ત્વાકાંક્ષાઓ સેવતું લાગે છે!

ભાજપ કેટલાક ધારાસભ્યોને કેસરિયો ધારણ કરાવીને પોતાનો માહોલ ઉભો કરાવી શકે છે. તો કોંગ્રેસ પણ કોળી સમાજના મનુભાઇ ચાવડા જેવા નેતાઓને ખેસ પહેરાવી ટક્કર આપી રહ્યું છે. આમ આદમી પાર્ટી વધારે પડતો વિશ્વાસ રાખી રહી છે. પરંતુ જોવાનું એ રહ્યું કે આપ ભાજપના કે કોંગ્રેસના વોટ તોડી શકે છે. જો કે જે કાંઇ થોડી ઘણી બેઠકો મેળવશે તેના માટે નફો ગણવાનો રહેશે. જોઇએ ગુજરાતની શાણી જનતા કયા પક્ષ તરફ પોતાનો કળશ ઢોળે છે!? તણખો: ગુજરાતમાં પાવરફુલ એન્જીન નથી માટે બીજું એન્જીન લગાડવું પડે છે! – જનતાનો અવાજ બોટાદ- મનજીભાઇ ડી. ગોહિલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top