Charchapatra

નેતાઓને ગુજરાતી ભાષાનું વ્યાકરણ કોણ શીખવશે?

હાલ નેતાઓ સોશ્યલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. જેમાં માતૃભાષા અને અન્ય ભાષાઓમાં પોસ્ટ મૂકતા હોય છે. આ લખાણ અને પોસ્ટ મૂકવાનું કામ નેતાની એક ટૂકડી કરતી હોય છે. ત્યારબાદ નેતાઓના અંધભક્તો જે વાંચ્યા વગર કોઈપણ પોસ્ટને વાયરલ કરે છે. જેમાં અસંખ્ય ભાષાની ભૂલો જોવા મળે છે. નેતામાં પહેલાં ભાષાપ્રેમ હોવો જોઈએ. કેટલાક નેતાઓ ભાષા શુદ્ધિનું ધ્યાન રાખે છે. અને કેટલાક નેતાઓને શુદ્ધ ભાષા શું છે અને શુદ્ધ ભાષામાં કઈ રીતે વાતચીત કરાય તે જ ખબર હોતી નથી.

કારણ કે તેમની સવાર જ ગાળા-ગાળીથી થાય ત્યાં માતૃભાષામાં શુદ્ધતાની અપેક્ષા કઈ રીતે રાખી શકાય? નેતાઓના સોશ્યલ મીડિયાને તપાસવામાં આવે તો અસંખ્ય ભૂલો જોવા મળશે. ગાંધીજી ભાષાને માન આપનારા નેતા હતા, સાર્થ જોડણીકોશના પ્રકાશન વખતે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે, “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” તો આ શીખ લઈ તમામે તમામ નેતાઓ, નેતાનાં ભક્તો, સરકારી કચેરીઓ સહિત તમામ ગુજરાતીઓએ માતૃભાષાને સમૃદ્ધ બનાવવા માટે આગળ આવવું પડશે. સરકાર જાહેરાત તો કરી દે છે ગુજરાતી ભાષામાં જાહેર સ્થળો પર નામ લખેલા હોવા જોઈએ. પછી એ જ સરકાર ભૂલી જાય છે કે આનું પણ પાલન કરાવવાનું હતું.
સુરત     – અમૃત વળવી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શાસક-વિપક્ષની એકતા
સામાન્ય રીતે સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે લગભગ દરેક મુદ્દે વિવાદ ચાલતો હોય છે. એક માત્ર મુદ્દો એવો છે જેમાં સરકાર સામે કોઈ વિરોધ હોતો નથી. તે છે સાંસદોના પગાર અને પેંશનના વધારાનો મુદ્દો! પહેલી એપ્રિલથી સાંસદોના પગારમાં અને પૂર્વ સાંસદોના પેંશનમાં ૨૪ ટકાનો માતબર વધારાની જાહેરાત કરાઈ. સાથે દૈનિક ભથ્થામાં ૨૫ ટકાનો વધારો જાહેર થયો છે. આ મુદ્દે કોઈ સાંસદ કે કોઈ વિરોધ પક્ષ જરાય વિરોધ નહીં કરે.

સાંસદોને મળતાં અન્ય લાભો, સગવડો અલગ. સાંસદ એકતા જિંદાબાદ! સરકારી કર્મચારીઓને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો મળે છે તે વાર્ષિક વધારો માંડ પાંચ-છ ટકા હોય છે. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ તો આવા કોઈ લાભથીય વંચિત હોય છે. પ્રજા પાસેથી ઉઘરાવેલા અલગ અલગ પ્રકારના કરવેરાનો દેશના વિકાસમાં ઉપયોગ થતો હોય છે. સાચે જ સાંસદોનો વિકાસ એ જ દેશનો વિકાસ છે, ખરુંને?! કોઈ પ્રકારનો વિરોધ કરવા બાબતે આમ પ્રજાની હવે શક્તિ જ રહી નથી અથવા રહેવા દીધી નથી. બાકી લાંબો વિચાર કરીએ તો સહજ પ્રશ્ન થાય કે સાંસદોને પગાર કે પેંશનની જરૂર શી છે?
સુરત     – સુનીલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top