બ્રુસ લી, એક પ્રખ્યાત માર્શલ આર્ટ એક્સપર્ટ અને ઈન્સ્ટ્રકટર અને એક્ટર હતા.તેમની ફિલ્મોએ દુનિયાભરમાં નામ અને દામ મેળવ્યાં હતાં અને બ્રુસ લી વિશ્વભરમાં એક પ્રખ્યાત કલાકાર બની ગયા હતા. બ્રુસ લીએ પ્રખ્યાત બન્યા બાદ પણ પોતાના બાળપણના મિત્રો સાથે સંબંધ જાળવી રાખ્યો હતો.યુવાન વયે મોટી સફળતા મેળવનાર બ્રુસ લી ને જોવા અને મળવા હજારોની ભીડ એકઠી થઈ હતી.તેમાં બ્રુસ લી ની નજર પોતાના એક બાળપણના મિત્ર પર ગઈ.તે છુપાઈને દૂરથી પોતાના એક બાળપણના મિત્રને જોઈ રહ્યો હતો; પાસે જવાની હિંમત ન હતી કે આટલા મોટા કલાકાર બન્યા બાદ તે ઓળખશે કે નહિ.
પણ બ્રુસ લી એ સામેથી તેને પાસે બોલાવ્યો અને કહ્યું, સાંજે હું તારા ઘરે આવીશ.મિત્રે વિચાર્યું કે આમ જ સારું લગાડવા કહે છે. આટલો મોટો પ્રખ્યાત કલાકાર થોડો મારા ઘરે આવે, તેને શું યાદ પણ હશે કે મારું ઘર કયાં છે? મિત્ર તો પોતાના ઘરે જતો રહ્યો અને તેના આશ્ચર્ય વચ્ચે સાંજે બ્રુસ લી સાચે તેના ઘરે પહોંચી ગયા. મિત્ર સાવ ગરીબ હતો. તેના ઘરમાં બ્રુસ લીને બેસવા માટે એક ખુરશી તો શું કોઈ પાથરણું પણ ન હતું.બ્રુસ લી ને જોઈ મિત્રને વિશ્વાસ ન થયો અને હવે મૂંઝાયો કે શું કરવું…પણ તેના આશ્ચર્ય વચ્ચે બ્રુસ લી જમીન પર જ બેસી ગયા અને બોલ્યા, ‘દોસ્ત, ભૂખ લાગી છે, કંઈ ખાવાનું મળશે.’ મિત્રે ખુશી સાથે એક નાનકડી ડીશ અને જુના બાઉલમાં સૂપ અને રાઈસ પીરસ્યા.બ્રુસ લી એ પ્રેમથી ખાધા. મિત્ર રડવા લાગ્યો અને બોલ્યો, ‘દોસ્ત, તું આટલો મોટો કલાકાર અને દુનિયાભરમાં પ્રખ્યાત છે.
શ્રીમંત અને સમૃધ્ધ છે… રોજ બત્રીસ પકવાન જમતો હોઈશ… છતાં તેં મારા ઘરમાં જમીન પર બેસીને સૂપ- રાઈસ ખાધાં, આ વાત હું માની જ શકતો નથી.સાચે તું મહાન છે.’ બ્રુસ લી બોલ્યા, ‘દોસ્ત, હું મહાન નથી, પણ સીધો સાદો માણસ છું અને એક સાચો મિત્ર છું.અને હું માનું છું કે સમૃધ્ધિ સાથે આવતી કિંમતી વસ્તુઓ કરતાં માણસોનું અને લાગણીઓનું મૂલ્ય વધારે છે.જો આપણે વધુ ને વધુ કિંમતી વસ્તુની કામના કરીશું અને વસ્તુને તેની કિંમતના આધારે સ્વીકારીશું અને જેટલી વસ્તુઓની કિંમત વધારતાં જઈશું એટલી આપણી માનવતા અને આપણી લાગણીની કિંમત ઓછી કરતાં જઈશું.એટલે કોઈ વસ્તુની કિંમત કેટલી છે તે મારા માટે મહત્ત્વનું નથી.મહત્ત્વનો છે તું, તારી અને મારી મિત્રતા અને લાગણી.’મિત્ર બ્રુસ લી ને ભેટી પડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.