Charchapatra

ન્યાય કોણ કરશે ?

હાલમાં તારીખ 29 1 2023 ના રવિવારના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તરફથી ભરતી માટેની પરીક્ષા ગુજરાતમાં હતી. ઘણા બધા શહેરોમાં સેન્ટર હતા. લાખો ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. બધા જ ઉમેદવારો તેમના સેન્ટર પર સમય પહેલા પહોંચી ગયા હતા. ઘણા દૂરથી પણ આવેલા હતા. જેઓએ સવારે વહેલા ટ્રેન કે બસ પકડી હતી. સેન્ટર પર સવારે 9:00 વાગે પહોંચવાનું હતું. બધા વહેલા પહોંચી ગયા અને જોયું તો પરીક્ષા રદ થઈ ગઈ હતી. ઉમેદવારો વિચારમાં પડી ગયા કે આ શું થયું? કેમ પરીક્ષા કેન્સલ થઈ? પરીક્ષા ક્યારે કેન્સલ થઈ? કંઈ જ ખબર ન પડી. અંતે તપાસ કરતા માલમ પડ્યું કે પેપર ફૂટી ગયું હોવાથી પરીક્ષા રદ થઈ છે.

બધા ઉમેદવારો કાપો તો લોહી ન નીકળે તે વા થઈ ગયા અને નિરાશ થઈ પાછા ચાલ્યા ગયા. આ પરીક્ષાના ફોર્મ બે વર્ષ પહેલા ભરાયા હતા. એક વર્ષ પહેલા પરીક્ષા જાહેર થઈ હતી પણ આ જ રીતે ઉમેદવારો પરીક્ષા ના દિવસે પેપર ફૂટી જવાથી પરીક્ષા કેન્સલ થઈ હતી અને તેઓ સેન્ટર પરથી પાછા ફર્યા હતા. બીજા એક વર્ષ પછી આ પરીક્ષા યોજાઈ ત્યારે બીજી વખત પણ પેપર ફૂટવાથી પરીક્ષા કેન્સલ થઈ. હવે શું સમજવું? ગયા વર્ષે પેપર ફોડી નાખનાર ગુનેગારોને સજા થઈ હતી ખરી? તે કોઈ જાણતું નથી અને જો થઈ હોય તો આ વર્ષે બીજી વખત પેપર ફોડવાની હિંમત કોઈ કરે ખરા? ખેર, આ ઉમેદવારો બે વર્ષથી સતત મહેનત કરી રહ્યા છે બે વખત  પરીક્ષા કેન્સલ થઈ સાથે સાથે તેમને ઉંમર પણ વધી તેઓ કેટલી તકલીફો વેઠીને ઠંડીમાં અને વરસાદમાં આવ્યા હતા. નોકરી મેળવવાની તેમની મજબૂરી હતી હવે ફરીથી પરીક્ષા ક્યારે થશે તે ખબર નથી અને તેને માટે મહેનત કરવી તે કોઈ નાની સુની વાત નથી. આ ઉમેદવારોનો ન્યાય કોણ કરશે?
શ્રીમતી નીરૂબેન બી.. શાહ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ખોટા ઢંઢેરા પીટવા ખોટુ કહેવાય
રાજાશાહી કાર્યકાળ દરમ્યાન પ્રજાલક્ષી કાર્યો, સંદેશા માટે ઢંઢેરો પીટવામાં આવતો. ભૂતકાળમાં ગામડામાં કોઈ પણ કાર્યક્રમ માટે ઢંઢેરો પીટવામાં આવતો હતો. આજે કોઈ સરકારી જાહેરનામું, ફરમાન એક પ્રકારનો ઢંઢેરો જ કહી શકાય. આજકાલ તો ઘણા માણસો અન્યોની છાની વાતો જાહેરમાં મૂકવા, ખુલ્લી કરવા માટે ઢંઢેરો પીટવામાં આંનદ અનુભવે છે. વળી, કેટલાકને એવી કુટેવ હોય કે, પોતાને ભાગે આવતું કામ કરવામાં કામચોરી કરે, માત્ર બોલબોલ કરે, નવરા બેસી રહે અને ખૂબજ કામગરા હોય તેવો દેખાવ કરે પછી ઢંઢેરો પીટે કે, “શ્વાસ લેવાનો સમય નથી, ચા આવે તો તે પાણી થઈ જાય પછી પીવી પડે.ભોજન માટે તો સમય રહેતો નથી.” આમ કામ કરે નહીં અને આખો દિવસ નકામી બકબક કર્યા કરે. વળી, થોડુંક કામ કરે અને ઘણું કામ કર્યું એમ કહેતા ફરે તે અયોગ્ય કહેવાય. વ્યક્તિનું કામ બોલવું જોઈએ. કામનો બોજો રહે તેવો દેખાવ ન કરતાં યોજનાબદ્ધ કામ કરીને ભવિષ્યમાં આવનાર કામો માટેનું આયોજન વિચારી રાખવું જોઈએ. સમયને ન્યાયથી આવકારવો જોઈએ. આમ કરીએ તો કાર્યભાર ઘટે અને કાર્યનો આનંદ પણ મેળવી શકાય. નકામી બકબક છોડીને આગળ વધીએ. ખોટો ઢંઢેરો પીટવો એ ખોટી આદત કહેવાય.
નવસારી-કિશોર આર. ટંડેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top