Comments

ગુજરાતનો નાથ કોણ બનશે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2024 ની લોકસભાની ચૂંટણી જીતવી હશે તો ભારતીય જનતા પક્ષ માટે ચાવીરૂપ રાજયોનું શાસન સુધારવાનું ખૂબ મહત્ત્વનું છે. તેણે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, કર્ણાટક, ગોવા અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીઓ જીતવી જ પડશે. દરેક જણ જાણે છે કે મહામારીના ત્રીજા મોજાંએ કેન્દ્ર સરકારની છબીમાં ડાઘો પાડયો છે. તેણે શાસનના નિર્ણયો, અમલ અને ગુણવત્તા સામે સવાલો પેદા કર્યા છે. મોદી કેટલાક પ્રધાનો અને અમલદારોની કામગીરીથી રાજી નથી એમાં કોઇ શંકા નથી. કોરોનાનું જોર નરમ પડે એટલે મોદી આ વ્યાયામ કરશે જ, પણ ભારતીય જનતા પક્ષના શાસન હેઠળનાં રાજયો કઇ રીતે કામ કરે છે તેના પર પણ ધ્યાન જાય છે.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી હવે નવ મહિના દૂર છે અને ભારતીય જનતા પક્ષને ખબર પડી ગઇ છે કે ત્યાં જેટલું સારું વાતાવરણ લાગે છે એટલું છે નહીં. ઉત્તર પ્રદેશમાં મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગી હજી લોકપ્રિય હશે પણ તેમના અને તેમના પ્રધાનો વચ્ચે અને કેટલાક ધારાસભ્યો વચ્ચે અંતર પડી ગયું છે. તેઓના કેટલાક આદિત્યનાથની કામ કરવાની પધ્ધતિથી ખાસ ખુશ નથી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પક્ષે પોતાના વરિષ્ઠ નેતાઓને સમસ્યાઓ ઉકેલવા ત્યાં દોડાવ્યા છે. ઉત્તરાખંડમાં હજી ત્રણ મહિના પહેલાં જ મુખ્યપ્રધાન બદલાયા પણ પરિણામ કંઇ અલગ નથી દેખાતાં. ગુજરાતમાં મહામારીએ વહીવટી તંત્રની નબળાઇ ખુલ્લી પાડી દીધી છે અને ભારતીય જનતા પક્ષને વ્યાપક આંતરનિરીક્ષણ કરવાની જરૂર ઊભી થઇ છે. બની શકે કે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય પ્રધાનો કટોકટી પાર કરવા માટે પોતાનાથી બનતું બધું કરી રહ્યા હોય.

રૂપાણી દિલ્હીથી અને રાજયના ભારતીય જનતા પક્ષના અન્ય નેતાઓ પાસેથી આદેશ લેવાની જરૂરિયાતથી મર્યાદા અનુભવતા હોય અને રાજયના આ નેતાઓ તમામ બાબતોમાં તેમની સાથે સંકલન નહીં કરી શકતા હોય એવું બને. એક વખત એવો હતો કે ગુજરાત તેના અમલદારો માટે વિખ્યાત હતું. જેઓ ગમે તેટલી ઉથલપાથલ થાય, પરિસ્થિતિને સંભાળી શકતા હતા. આજે અમલદારશાહી રાજકીય નેતાઓ પર દ્રષ્ટિ કરે છે. રાજકીય નેતાગીરી નિષ્ફળ જાય તો આ ‘બાબુઓ’ કંઇ નહીં કરી શકે તે આજે આપણે જોયું! મોદીના રાજમાં તંત્ર પરિણામલક્ષી હતું! તેથી જ દિલ્હી અને અન્ય રાજયોમાં ગુજરાત મોડેલની ખૂબ ચર્ચા ચાલતી હતી અને તેને કારણે જ મોદીને 2014 માં પ્રચંડ જનાદેશ મળ્યો હતો. આમ છતાં મોદી વડા પ્રધાન તરીકે 2014 માં દિલ્હી ગયા ત્યારથી ગુજરાતમાં શાસનની ગુણવત્તા ગાયબ થઇ ગઇ છે. ભારતીય જનતા પક્ષ માટે બીજી પણ રાજકીય ત્રુટિઓ છે. પહેલી વાત તો એ છે કે રાજય સરકાર અને પ્રદેશ ભારતીય જનતા પક્ષે એકરાગિતાથી કામ કરવું જોઇએ. અમને કહેવામાં આવ્યું છે કે ગુજરાત ભારતીય જનતા પક્ષ અને સરકારના વડાઓ વચ્ચે સારો બોલવાનો વ્યવહાર નથી.

બીજું કે પાટીદારો અને અન્ય પછાત જાતિઓ, આદિવાસીઓ અને દલિતો તેમજ અન્ય જૂથોને સાંકળતી જૂની જ્ઞાતિ સંબંધી સમસ્યાઓ અને મુદ્દાઓ હજી વણઉકલ્યા છે. તેનો વધુ અસરકારક રીતે નિવેડો લાવવો જોઇએ. કેટલીક વાર કેટલાક લોકોમાં વધતો આક્રોશ ચૂંટણી સુધી સપાટીની નીચે રહેતો હોય છે. આમ છતાં નીતિ આયોગના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઇન્ડેકસે ગુજરાતને સારા સમાચાર આપ્યા છે. પણ ગુજરાત પોષણ સંબંધી નિર્દેશ અને જાતિ સમાનતા સંબંધી ઝીરો હંગર ધોરણોમાં ગુજરાતે સૌથી નબળી કામગીરી કરતાં રાજયોમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. શિક્ષણ ગુણવત્તા, કામગીરી અને આર્થિક વૃધ્ધિ, અસમાનતા નાબુદી, જવાબદારીભર્યો ઉપભોગ અને ઉત્પાદન તેમજ જીવનધોરણ ક્ષેત્રે ગુજરાતની કામગીરી મધ્યમસરની છે.

ભારતીય જનતા પક્ષે 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતવી હશે તો એવા ઘણા રાજકીય અને આર્થિક મુદ્દાઓ છે, જેને હવે ઝાઝો સમય જાજમ નીચે નહીં છુપાવી શકાય એ હકીકતની આપણે અવગણના નહીં કરવી જોઇએ. આપણે જાણીએ છીએ કે કેન્દ્રના ગૃહ પ્રધાન રૂપાણી મારફતે ગુજરાતનું સંચાલન કરી રહ્યા છે પણ હાલનો સમયગાળો વધુ દરમ્યાનગીરી માંગે છે. મોદીએ હવે નિર્ણય કરવો જ પડશે કે ગુજરાતની વધુ પ્રગતિનો ચહેરો કોણ હશે. પરિસ્થિતિ ડામાડોળ થાય તે સારું નથી. વહેલા-મોડા તેને હાથ ધરવી જ પડશે. ગુજરાતનો નાથ કોણ બનશે એ મહત્ત્વનો પ્રશ્ન સૌના મનમાં રમી રહ્યો છે અને તેની આપણને કનૈયાલાલ મુન્શીની મહાન નવલકથા ‘ગુજરાતનો નાથ’ યાદ આવે છે. ગુજરાતમાં આ નવલકથાને સમાંતર પરિસ્થિતિ ચાલે છે એ જાણવાનું મુશ્કેલ નથી. કનૈયાલાલ મુન્શી (1887-1971)એ આપણને ‘અસ્મિતા’ શબ્દ ભેટમાં આપ્યો હતો અને મોદી ટોચના સ્થાને પહોંચ્યા ત્યારથી તે સતત ચર્ચામાં છે. મોદી અને અમિત શાહ જેવા નેતાઓ ગુજરાતની ‘અસ્મિતા’થી અને શું કરવું જોઇએ તેનાથી વાકેફ છે તે બાબતમાં આપણે ખાતરી રાખીએ. સરકારને કોરી ખાતી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો સમય અત્યારે જ છે.

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top