બિહારની રાજનીતિમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવવાના સંકેતો મળતા રાજ્યમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે. જો નીતિશ કુમાર દિલ્હીના રાજકારણમાં સક્રિય થાય, તો બિહારમાં NDAને નવા મુખ્યમંત્રીની પસંદગી કરવી પડશે. નીતિશ કુમારે સોશિયલ મીડિયા પર રાજ્યસભામાં જવાની જાહેરાત કરીને બિહારમાં નવી સરકારને સંપૂર્ણ સહયોગ આપવાની વાત કરી છે. હવે બિહારના રાજકારણમાં ‘નીતિશ યુગ’ના અંતની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને 13 કરોડની જનતા હવે આગામી મુખ્યમંત્રી કોણ બનશે તે જોવા આતુર છે.
હાલ આ રેસમાં મુખ્યમંત્રી પદ માટે સૌથી મજબૂત દાવેદાર તરીકે ચર્ચાતું નામ ભાજપના ડેપ્યુટી CM સમ્રાટ ચૌધરીનું છે. બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 89 ધારાસભ્યો છે અને NDAમાં તે સૌથી મોટો પક્ષ છે. સમ્રાટ ચૌધરી હાલમાં નાણાં, આરોગ્ય અને ગૃહ જેવા મહત્વના વિભાગો સંભાળી રહ્યા છે. તેઓ લાંબા સમયથી સક્રિય રાજકારણમાં છે અને સંગઠન તથા સરકાર બંને સ્તરે કામ કરવાનો વિશાળ અનુભવ ધરાવે છે. રાજકીય રીતે તેઓ કોઇરી સમાજમાંથી આવે છે, જ્યારે નીતિશ કુમાર કુર્મી સમાજના છે, જે OBC રાજકારણમાં મહત્વપૂર્ણ ગણાય છે. બિહારમાં આ બંને સમુદાયોને ‘લવ-કુશ’ સમીકરણ તરીકે જોવામાં આવે છે, આ સિવાય નરેન્દ્ર મોદી અને અમિત શાહના પણ તેઓ ખાસ માનવામાં આવે છે. ચૌધરીની સૌથી મોટી તાકાત તેમની આક્રમક રાજકીય શૈલી છે. તેઓ વિરોધીઓ પર તીખા હુમલાઓ માટે જાણીતા છે અને ભાજપની રાજકીય લાઇન સાથે સુસંગત માનવામાં આવે છે. જોકે તેમની સામેનો એક નકારાત્મક પાસો એ છે કે તેઓ પહેલા આરજેડી અને જેડીયુ જેવી પાર્ટીઓમાં રહી ચૂક્યા છે. જેના કારણે ભાજપના કેટલાક જૂના કાર્યકરો તેમને ‘આયાતી નેતા’ ગણાવી વિરોધ કરતા રહ્યા છે.
ચૌધરી પછી મુખ્યમંત્રી પદની રેસમાં બીજા નંબરે પ્રબળ દાવેદારમાં નામ આવે છે ડેપ્યુટી CM વિજય સિન્હાનું. તેઓ લખીસરાયથી સતત જીતતા આવ્યા છે અને ભૂતકાળમાં વિધાનસભાના અધ્યક્ષ તથા વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. તેમની ઓળખ એક કડક અને આક્રમક પ્રશાસક તરીકે થાય છે. વિજય સિન્હાની સૌથી મોટી તાકાત RSS અને ABVP સાથેની પૃષ્ઠભૂમિ તથા સંગઠનમાં મજબૂત વિશ્વાસ છે. તેમ છતાં, તેમની આક્રમક રાજકીય શૈલી ક્યારેક વિવાદનું કારણ પણ બને છે. તેમને નીતિશ કુમારના સૌથી નજીકના અને વિશ્વાસુ નેતાઓમાં ગણવામાં આવે છે. સરકારની નીતિઓ અને વ્યૂહરચનાઓ બનાવતી કોર કમિટીમાં તેમનું મહત્વનું સ્થાન છે. તેઓ નાણાં, શિક્ષણ, ગ્રામિણ કાર્ય અને જળ સંસાધન જેવા અનેક મહત્વના વિભાગો સંભાળી ચૂક્યા છે તેમ જ વિધાનસભાના સ્પીકર તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમની મૃદુભાષી અને સંતુલિત શૈલી તેમની સૌથી મોટી તાકાત માનવામાં આવે છે. જોકે તેમના પર સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપ બહુમતી ધરાવતી ગઠબંધન સરકારમાં ફરી જેડીયુના નેતાને મુખ્યમંત્રી બનાવશે કે નહીં.
આ દરમિયાન નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારના રાજકારણમાં સક્રિય પ્રવેશની પણ ચર્ચા છે. જેડીયુના નેતાઓએ સંકેત આપ્યા છે કે તેમને ટૂંક સમયમાં મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી શકે છે. કેટલાક રાજકીય વર્તુળોમાં એવી પણ અટકળો છે કે ભાજપ પોતાનો મુખ્યમંત્રી બનાવે અને નિશાંત કુમારને ડેપ્યુટી CM તરીકે આગળ લાવવામાં આવે. આ ઉપરાંત નિત્યાનંદ રાય, જનક રામ, અશોક ચૌધરી, સંજીવ ચૌરસિયા, નીતિશ મિશ્રા, દિલીપ જયસ્વાલ અને રામકૃપાલ યાદવ જેવા નેતાઓના નામો પણ ચર્ચામાં છે.
સત્તાના આ સમીકરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. જોકે આ ચર્ચાતા નામો સિવાય ભાજપની જૂની આદત અનુસાર ભાજપે અત્યાર સુધી અનેક રાજ્યોમાં મુખ્યમંત્રીના ચહેરા પસંદ કરતી વખતે સૌને ચોંકાવ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે બિહારમાં પહેલીવાર ભાજપને જયારે પોતાનો મુખ્યમંત્રી બનાવવાનો સમય આવશે ત્યારે એ સ્થિતિમાં અહીં પણ કોઈ ચોંકાવનારો નિર્ણય લેવાઈ શકે છે. પાર્ટી કોઈ EBC અથવા યાદવ ચહેરા પર પણ દાવ લગાવી શકે તેવી ચર્ચા પણ હાલ જોર પકડી રહી છે. જોકે, આ મુદ્દે પ્રદેશ સ્તરના કોઈ પણ નેતા ખુલ્લેઆમ કંઈ કહેવાનું ટાળી રહ્યા છે.