Charchapatra

ચૂંટણીના ચક્કરમાં કોને ચક્કર ચડશે?

ચૂંટણીના પડઘમ વાગી ચૂકયા છે. પણ આ વખતે ચૂંટણી જુદા પ્રકારની હશે એમ લાગી રહ્યું છે. બે મુખ્ય પક્ષો બીજેપી અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી સામે કચવાટ છે. મૂલ્યો, સિધ્ધાંતો અને નિષ્ઠાની વાતો કરતા બીજેપીએ ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસના તમામ આયાતી ઉમેદવારોને ટીકીટ આપી છે! સાથે જ લોકસભા માટે પસંદ કરાયેલા ઉમેદવારો સામે પણ પક્ષમાં વિરોધ ઊઠયો છે! બીજેપીના જુદા સંનિષ્ઠ અને નિષ્ઠાવાન કાર્યકરો નારાજ છે. સામાન્ય રીતે દરેક ચૂંટણી વખતે થતું હોય છે તેમ નેતાઓની જીભ ભાષણમાં લપસે છે પણ આ વખતે ગુજરાતમાં થોડી વધારે લપસી ગઇ? જાતિવિષયક આપત્તિજનક ટીપ્પણીઓને કારણે ગુજરાતમાં ભારે વિવાદ ઊઠયો છે? ઉમેદવારને બદલવા સુધીની માંગ ઊઠી છે.

ઘણી જગાએ ઉમેદવારોની પસંદગીથી નારાજ થઇ બીજેપીના કાર્યકરોએ રાજીનામાં પણ ધરી દીધાં છે. ‘શિસ્તબધ્ધ’ પાર્ટીની છાપ ધરાવતા બીજેપીમાં હાલ ગુજરાતમાં તો ચોતરફ અશિસ્ત જ દેખાય છે. ખેર, આ ચૂંટણી પૂર્વે અનેક સવાલો છે. શું બીજેપી દેશમાં ચારસોથી વધુ સીટો અને ગુજરાતમાં પાંચ લાખ લીડથી છવ્વીસ સીટો મેળવી શકશે? શું કેજરીવાલને જેલવાસનો ફાયદો થશે? એ મતદારોની સહાનુભૂતિ મેળવી શકશે? આ બધા જ સવાલોના જવાબો માટે ચોથી જૂન સુધી રાહ જોવી રહી.
સુરત              – ભાર્ગવ પંડયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

એક ખાસિયત
નજીકના ભૂતકાળમાં પી. ટી. સાયન્સ કોલેજના બાયોલોજી વિષયનાં પ્રાધ્યાપિકા નલિનીબહેન જોગળેકરનું અવસાન થયું. તેમના વિશે એક ચર્ચાપત્ર પણ આવી ગયું છે. પરંતુ આજે તેમની એક ખાસિયત વિશે વાત કરવી છે અને તે એ છે કે તેઓ ડાબા અને જમણા બંને હાથે લખી શકતા. જો જમણા હાથે લખવાનું ચાલુ કર્યું હોય તો બ્લેક બોર્ડ પર જેવી લીટી પૂરી થાય કે તરત બીજી લીટી ડાબે હાથે લખવાનું ચાલુ કરી દેતાં અને બન્ને હાથે અક્ષર એકસરખા જ નીકળતા. આવી ખાસિયત એમના સિવાય મેં તો અન્ય કોઇમાં જોઈ નથી. તેમના અવસાન નિમિત્તે શોકવ્યથા પ્રકટ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top