એક દિવસ એક આશ્રમની બહાર એક જંગલી પાડો આવ્યો અને આશ્રમના બે શિષ્યોએ તેને ઘાસ પાંદડા ખાવા આપ્યા પણ પાડાએ તે ઘાસ પાંદડાને થોડા ખાધા અને પછી આશ્રમના આંગણામાં ઉગાડેલા છોડને નુકસાન પહોંચાડયું અને મહેંદીની વાડ પણ તોડી નાખી.શિષ્યો તો આ બધું જોતા જ રહ્યા અને દુઃખી થઈ ગયા. રાત્રે તેમણે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, શું અમે આ જંગલી પાડાને ભૂખ્યો જાણીને ઘાસ પાંદડા ખાવા આપ્યા.પણ તેણે તો આટલું નુકસાન કર્યું.તો શું અમે તેને મદદ કરી ભોજન આપ્યું તે અમારી ભૂલ થઇ.તમે જ શીખવાડો છો કે દરેક જીવની સહાય કરવી જોઈએ અમે તો તેમ જ કર્યું હતું.’ ગુરુજી બોલ્યા, ‘દરેક જીવની સહાય કરવી જોઈએ તે મેં શીખવાડ્યું છે અને તમે તે પ્રમાણે જ કર્યું તે સારી વાત છે.
પણ આજે હું તમને બીજો પાઠ સમજાવું છું કે સહાયતા કોની કરવી જોઈએ?’ શિષ્યો જાણવા આતુર બન્યા.ગુરુજીએ કહ્યું, ‘સમુદ્રની અંદર ચાર બાલદી પાણી નાખવાથી સમુદ્રને શું ફાયદો થાય?’શિષ્યો બોલી ઊઠ્યા, ‘સમુદ્રમાં તો પાણી જ પાણી છે તેને ચાર બાલદી પાણી શું ફરક પાડી શકે…’ગુરુજીએ ફરી બીજો પ્રશ્ન પૂછ્યો, ‘જે હમણાં જ તમે ભરપેટ ભોજન કરીને ઊઠો અને હું તમને બે ગ્લાસ દૂધ પીવા આપું તો તમે પીઓ?’શિષ્યોએ કહ્યું, ‘ના, ગુરુજી ભરપેટ ભોજન બાદ દૂધ તો ન જ પી શકાય.’ગુરુજીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો, ‘દિવસ ઊગે અને ફાનસ પ્રગટાવવાથી શું પ્રકાશ વધે?’શિષ્યોએ કહ્યું, ‘સુરજ પ્રકાશની હાજરી હોય તો ફાનસ પેટાવવું વ્યર્થ છે.
ગુરુજીએ ચોથો પ્રશ્ન પૂછ્યો, ‘રાજા ગામના નગરશેઠને દાન આપે તો?’શિષ્યો હસ્યા અને બોલ્યા, ‘શેઠજીને વળી દાનની શું જરૂર? દાન તો જેને જરૂર હોય તેને આપવું જોઈએ.’ ગુરુજી બોલ્યા, ‘બસ, આ સવાલોના જવાબમાં જ મારો પાઠ છે કે સહાયતા કોની કરવી જોઈએ…સહાયતા એની કરવાની જેની એને જરૂર હોય અને જે મળેલી સહાયતાની કિંમત કરે.જે સહાયતા મળી છે તેનું મહત્ત્વ સમજીને કદર કરે.જે વ્યક્તિને મળેલી સહાયતાની કિંમત ન હોય તેનું મહત્ત્વ સમજવાની જેનામાં લાયકાત ન હોય..જેને શયતાની જરૂર ન હોય …તેને કડી સહાયતા કરવી નહિ.તમે સહાયતા કરવાને લાયક ન હોય તેવાને સહાયતા કરો તો આ પાડાને સહાયતા કરવાથી જે થયું તેવો અનુભવ થાય છે.માટે સહાયતા બધાની કરવી પણ અચૂક ધ્યાન રાખવું કે તેને તેની જરૂર છે અને તે સહાયતાનું મહત્ત્વ સમજે છે કે નહિ.’ગુરુજીએ શિષ્યોને ગાંઠે બાંધવા જેવી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે