SURAT

એવું કોણે કહ્યું કે, મમ્મી જ બાળકોને શીખવાડે!

હંમેશા એવું જ સાંભળવા મળતું હોય છે કે, ‘મને મારી મમ્મીએ આ શીખવાડયું હતું.’ ને આ વાત સાચી જ છે, કારણ કે જન્મ્યા પછી પગભર થવા સુધી અને બાદમાં પણ જરૂર પડે ત્યારે મમ્મી શીખવાડતી જ હોય છે, ને અમુક વસ્તુઓ તો મમ્મીની એટલી સ્પેશ્યલ હોય છે કે, તમે એના જેવુ પર્ફેકશન લાવી જ નહીં શકો. વાત જ્યારે ખાવાની હોય તો કોઈ એવું નહીં હોય જેને મમ્મીની રસોઈ ન ભાવતી હોય.ટેસ્ટ ભલે બદલાય પરંતુ અમુક વાનગી તો મમ્મીના હાથની જ ભાવે છે. જો કે આજે તો ટેક્નોલોજીનો જમાનો છે ને એમાં પણ અપડેટ્સ આવતાં જ રહે છે ત્યારે જિંદગીના મહામુલા પાઠ ભણાવનારી મમ્મીઓ થોડી પાછળ રહી જાય તે આજની જનરેશનને કેમ પોસાય! આ જ કારણે આજે એવાં પણ કેટલાક સંતાનો છે જેમણે પોતાની આધુનિક આવડત મમ્મીને શીખવાડી હોય, જે તેના માટે જરૂરી પણ હોય. તો ચાલો મે માસના બીજા રવિવારે એટલે કે આ વર્ષે 8મી મે ના રોજ ઊજવતાં મધર્સ ડે નિમિત્તે આવી જ કેટલીક સુરતી મમ્મીઓને મળીએ…

દીકરીએ પ્રેક્ટીકલ નોલેજ વિશે જાણકારી આપી : અનિતા જાદવ
અનિતા જાદવ કહે છે કે, ‘’હું એક હાઉસ વાઈફ છુ અને જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે અભ્યાસ સિવાયની એક્ટિવિટી શીખવવામાં આવતી ન હતી, પણ હવે મારી ટીનએજ દીકરી મને તેની સ્કૂલમાં શીખવવામાં આવતા કરાટે, ડાન્સ અને સ્વિમિંગ વગેરે શીખવે છે. આ ઉપરાંત પહેલા હું ઘરના અલગ અલગ બિલ્સ ભરવા માટે જાતે જતી હતી જેથી લાઇનમાં તો ઊભા રહેવું પડતું અને સમય પણ ઘણો જ બગડતો. જો કે હવે દીકરીએ મને ઓનલાઈન શોપિંગ અને બિલ્સ પે કરતાં શીખવાડયું છે એટલે મને ઘણી રાહત રહે છે. દીકરી પાસેથી વૈદિક મેથ્સ શીખી જે ગણતરીને ઘણી સરળ બનાવે છે. જે મારા માટે ખૂબ ઉપયોગી છે.

દીકરાએ વ્હીકલ શીખવાડયું: રુચિ ચૌધરી
રુચિ ચૌધરી કહે છે કે, ‘’ મારે જોબ સિવાય વસ્તુઓ લેવા કે અમુક સામાજિક પ્રસંગે હાજરી આપવા માટે જવું પડતું હતું. જ્યારે પણ આવી રીતે જવાનું થાય ત્યારે મારે કોઈ સાથે વ્હીકલ શેર કરવું પડતું અથવા તો ઓટો રીક્ષામાં જવું પડતું હતું. મારા ઘરે બધા પાસે વ્હીકલ્સ હતા અને મને પણ તે શીખી લેવા જણાવતાં હતા પરંતુ મને ઘણો જ ડર લાગતો હતો. હું પાછળ બેસતી ત્યારે પણ ટ્રાફિકમાં ડ્રાઈવ કરતાં મારા દીકરાને વારંવાર સંભાળીને ચલાવવા માટે ટોકતી રહેતી હતી. આ દરમિયાન લોકડાઉન થયું અને બધા નવરા પડ્યા ત્યારે દીકરાને આઇડિયા આવ્યો કે હમણાં તો સમય પણ છે અને ટ્રાફિક પણ નથી એટલે આસાનીથી ડ્રાઇવિંગ શીખી શકાશે ને તેણે તો જીદ જ કરી અને થોડી આનાકાની અને ડર બાદ હું સોસાયટીમાં જ ડ્રાઇવિંગ શીખી ગઈ, જે આજે મને ઘણું કામ આવે છે.’’

લેપટોપ થકી હું આજે લખી શકું છુ : નિશા પટેલ
નિશા પટેલ જણાવે છે કે, ‘’મને વર્ષોથી લખવાની ઈચ્છા હતી પરંતુ પરિવારની જવાબદારીમાથી સમય જ ન હતો મળતો.જો કે હું મારા માટે સમય કાઢીને મોબાઇલમા લખી લેતી હતી, પણ મોબાઇલમાં ટાઈપ કરવામાં મારી કમર અને ગરદનમાં દુખાવો થઈ જતો હતો. મારી આ સમસ્યા જાણીને મારા દીકરાએ મને તેનું લેપટોપ લઈને લખવાની સલાહ આપી, પરંતુ લેપટોપ અને મોબાઇલની સિસ્ટમમાં ફર્ક હોવાથી મને એ આવડતું ન હતું પણ દીકરાએ સાથે બેસીને થોડું થોડું કરીને મને લેપટોપ પર આંગળીઓ રમાડતાં કરી જ દીધી. હવે તો હું ખૂબ જ સરળતાથી અને સ્પીડથી લેપટોપ પર લખીને મારી લાગણીને વાચા આપી શકું છુ.’’

નવી રેસિપી શીખી: પ્રતિભા ચૌધરી
પ્રતિભા ચૌધરી ‘’આજની યંગ જનરેશનને બહારના ફૂડનો ઘણો ક્રેઝ છે. મને કૂકિંગનો શોખ ખરો પરંતુ હું ટ્રેડિશનલ વાનગીઓ જ બનાવી શકું છુ. જો કે હવે તો પાંવભાજી, પનીર અને ચાઇનીઝ જેવી વાનગીઓ પણ ઘરે જ બનાવતી હતી પણ જેમાં કોંટિનેંટલ ફૂડ ખાવાનો ટ્રેન્ડ પણ ખાસ્સો એવો જોવા મળે છે. મારા બાળકોને ઇટાલિયન અને થાઈ વાનગીઓ ભાવતી હોવાથી ક્યારેક ઓનલાઈન જોઈને ઘરે બનાવતાં હતા એટલે મેં આવી વાનગીઓ શીખવાનું વિચાર્યું અને મારી દીકરીએ મને તેમને ભાવતી લઝાનીયા અને થાઈ કરી રાઈસ વગેરે ડિશિઝ શીખવાડી દીધી. જેથી આજે હું પોષ્ટિકતા જળવાય એ રીતે કૂક કરીને તેમને હોંશથી જમાડું છુ. મારી આ કળા જોઈને મારા મહેમાન પણ ખુશ થઈ જાય છે ત્યારે આ વાતનો શ્રેય હું મારી દીકરીને આપતા ગર્વ અનુભવું છુ.’’

Most Popular

To Top