નવી દિલ્હી: ગઈ તા. 12 એપ્રિલના રોજ સોનાની કિંમતે ઈતિહાસ સર્જયો હતો. એમસીએક્સ પર પીળી ધાતુએ 73,958 ના સ્તરને સ્પર્શ્યા કર્યાના અઠવાડિયા પછી તેની કિંમત 70,725 ની આસપાસ સ્થિર થઈ હતી. આ અગાઉ તા. 1 માર્ચ સોનાના ભાવ 63,563 હતા. માર્ચથી જ સોનાના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. માત્ર બે મહિનાના ટુંકા ગાળામાં સોનાની કિંમત કેમ આટલી વધી છે? તે અંગે અનેક કારણો રજૂ કરવામાં આવે છે. પરંતુ સત્ય એ છે સોનાની કિંમત વધવા પાછળ ‘ટીના’ જવાબદાર છે.
હવે પ્રશ્ન થતો હશે કે આખરે આ ટીના કોણ છે. અને લોકો ટીનાને કારણે કેમ સોનું ખરીદી રહ્યા છે?
પહેલી વાત તો એ છે કે ભારતમાં લોકો પર ટીનાની ખાસ અસર નથી. ટીનાએ ભારતના પડોશી દેશ ચીનના લોકોના દિલ અને દિમાગ પર ઘણી અસર કરી છે. થોડા દિવસો પહેલા એક અહેવાલ આવ્યો હતો કે ચીન 2023માં સોનાનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે. ચીનના લોકોએ કુલ 630 ટન સોનું ખરીદ્યું જ્યારે ભારતીયોએ 562.3 ટન સોનું ખરીદ્યું હતું.
TINA એટલે શું?
TINA નો અર્થ એવો થાય છે કે અન્ય કોઈ વિકલ્પ નથી. ખરેખર સંભવિત ભવિષ્યની અનિશ્ચિતતાઓથી ડરતા લોકો સોનામાં રોકાણ કરવાનું વધુ સારું માની રહ્યા છે. સોનાને લોકો રોકાણનો સૌથી સુરક્ષિત વિકલ્પ માને છે. લોકોને લાગે છે કે હવે રોકાણ માટે સોના સિવાય બીજો કોઈ સુરક્ષિત વિકલ્પ નથી.
આ કારણે ચીનમાં છૂટક દુકાનદારો, રોકાણકારો, ભાવિ વેપારીઓ અને કેન્દ્રીય બેંકોને સોનું ખરીદવાની ફરજ પડી હતી. પરિણામે સોનાના ભાવમાં સતત વધારો થતો રહ્યો. ચીનમાં ખરીદીમાં આટલો મોટો આંકડો પ્રથમ વખત જોવા મળ્યો છે. બેઇજિંગમાં સોનાના દાગીનાની માંગમાં 10 ટકાનો વધારો થયો છે, જ્યારે ભારતમાં આ માંગમાં 6 ટકાનો ઘટાડો થયો છે. જો ચીનમાં બાર અને સિક્કામાં રોકાણની વાત કરીએ તો તેમાં 28 ટકાનો વધારો થયો છે.
બ્લૂમબર્ગના અહેવાલમાં હોંગકોંગની પ્રેશિયસ મેટલ્સ ઈનસાઈટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ફિલિપ ક્લાપવિજકને ટાંકીને એક મહત્વનો મુદ્દો ટાંકતા કહ્યું હતું કે, માગ હજુ વધુ વધવાની સંભાવના રહેલી હોય આગામી સમયમાં સોનાની કિંમત વધશે.
છેલ્લા કેટલાક સમયથી ચીનમાં પ્રોપર્ટી સેક્ટર મુશ્કેલીમાં છે, શેરબજારમાં ખૂબ જ અસ્થિરતા જોવા મળી રહી છે પરંતુ કોઈ સારો ઉછાળો જોવા મળ્યો નથી અને ચીનનું ચલણ યુઆન પણ ડોલર સામે નબળું પડ્યું છે. આ તમામ પરિબળોએ રોકાણકારોને સોના તરફ વળ્યા છે. બધું જોયા પછી, તેઓ ફક્ત ટીનાને જ સમજે છે, ટીના એટલે કે બીજો કોઈ સારો વિકલ્પ નથી.
લેપવિટ્ઝને એવું પણ લાગે છે કે હાલમાં ચીનમાં અન્ય કોઈ વિકલ્પ નથી. વિનિમય અને મૂડી નિયંત્રણોને લીધે, તમે અન્ય કોઈ બજારોમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી શકતા નથી. જો કે ચીન અન્ય દેશ કરતાં વધુ સોનાનું ઉત્પાદન કરે છે, પરંતુ હજુ પણ વધુ નિકાસ કરવાની જરૂર છે. છેલ્લા બે વર્ષમાં 2,800 ટન સોનું વિદેશમાં ખરીદવામાં આવ્યું છે અને આ વિશ્વભરના કુલ ગોલ્ડ બેકિંગ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) કરતાં વધુ છે.
તો શું રોકાણ કરવાનો આ યોગ્ય સમય છે?
કોમોડિટી એક્સપર્ટ અજય કેડિયા અનુસાર ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. 2024ની શરૂઆતથી સોના અને ચાંદીમાં વધારો થઈ રહ્યો છે. ભવિષ્યમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહેશે. હાલમાં ભૌગોલિક રાજકીય તણાવ અને ઘણા દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીને કારણે, માંગ વધી રહી છે, જે તેની કિંમતોમાં વધારો થવાનું સૌથી મોટું કારણ છે.
અજય કેડિયાએ કહ્યું, દેખીતી રીતે જો કોઈને જ્વેલરી ખરીદવાની જરૂર હોય, તો તેણે ચોક્કસપણે તે ખરીદવું જોઈએ, કારણ કે કિંમતો નીચે આવે તેની રાહ જોવી યોગ્ય નથી. સોનાના ભાવમાં થોડી નરમાઈ ઓગસ્ટ પછી જ જોવા મળશે પરંતુ તે પણ કામચલાઉ હશે.
માય વેલ્થ ગ્રો ડોટ કોમના કો ફાઉન્ડર હર્ષદ ચેતનવાલાને બિઝનેસ ટુડેમાં ટાંકવામાં આવ્યા છે કે રોકાણકારો સામાન્ય રીતે પીળી ધાતુ ખરીદવામાં રસ ધરાવતા હોય છે. પરંતુ લોભથી ખરીદી કરવાથી ઇચ્છિત પરિણામ ન મળે, કારણ કે સોનાની કિંમત સામાન્ય રીતે લાંબા સમય સુધી સ્થિર રહે છે. સોનાના દાગીનામાં પૈસા રોકવાને બદલે તેને પોર્ટફોલિયોમાં રાખવાની સલાહ આપી હતી.