SURAT

આજની મહિલાઓના રોલ મોડલ કોણ?

આપણો દેશ પુરુષપ્રધાન દેશ ગણાય છે. જો કે, વેદકાલીન સમયમાં ગાર્ગી વેદની પ્રખ્યાત વ્યાખ્યાતા હતી. મૈત્રીય પણ આગળ પડતું સ્થાન ધરાવતી હતી પણ મધ્યકાલીન યુગમાં સ્ત્રીઓની સ્થિતિ કથળી હતી. જો કે છેલ્લાં 40-50 વર્ષોમાં સ્થિતિ બદલાઈ છે. આપણા દેશની ઘણી એવી મહિલાઓ છે જેમણે પોતાની એક અલગ ઓળખ ઊભી કરવાની સાથે દેશના સીમાડા પાર કરીને વિદેશોમાં પણ નામના મેળવી છે અને દેશની કરોડો મહિલાઓની આદર્શ બની છે. રાજનીતિની વાત કરીએ તો ઇન્દિરા ગાંધી, તો ફાર્માસ્યુટિકલમાં કિરણ મજમુદાર શૉનું નામ દેશ-વિદેશમાં ગુંજેલું છે, આજની યુવતીઓ માટે અભિનય ક્ષેત્રે ઓજસ પાથરી રહેલી આલિયા ભટ્ટ. નીતા અંબાણી જેવું નસીબ તો આજકાલની હરએક નારી ઝંખે છે. આ ઉપરાંત પણ ભારતની અગણિત મહિલાઓએ પોતાની મહેનત અને કાબેલિયત-આવડતના જોર પર સફળતાની એ મંઝિલ હાંસિલ કરી કે જે બીજાઓ માટે મિશાલ બની છે. જ્યારે અમે સુરતી મહિલાઓને પૂછ્યું કે તેમને ઇન્દિરા ગાંધી, નીતા અંબાણી, કિરણ મજમુદાર શૉ કે પછી આલિયા ભટ્ટ કોના જેવું બનવું ગમે તો એમણે આપેલા જવાબ તેમના જ શબ્દોમાં આપણે જાણીએ.

કિરણ મજમુદાર દવામાં સંશોધન કરે છે તો હું ફોટોગ્રાફીમાં: ચૈતાલી પરમાર
કતારગામ વિસ્તારમાં રહેતાં ચૈતાલીબેન પરમાર વ્યવસાયે ફોટોગ્રાફર છે. તેમણે જણાવ્યું કે, ‘‘મને દેશની ઉદ્યોગ સાહસિક કિરણ મજમુદાર શૉ જેવું બનવું ગમે કેમ કે તે એવાં મહિલા છે કે જેઓ આપબળે આગળ આવેલાં છે. અનેક પડકારોનો સામનો કરીને બોટમ લેવલ પરથી ટોપ લેવલ પર આવ્યાં છે. દુનિયાની સૌથી શક્તિશાળી 100 મહિલાઓમાં સ્થાન ધરાવે છે. તેમની જેમ મેં પણ સખત મહેનત કરીને આજે ફોટોગ્રાફી જેવા પુરુષોના ગણાતા ક્ષેત્રમાં પણ પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. તેઓ દવાના ક્ષેત્રમાં સંશોધન કરે છે તો હું કાંઈક હટ કે ફોટો સંશોધન કરું છું. કિરણ મજમુદાર કેન્સર અને ડાયાબિટીસ તથા અન્ય રોગોની સારવાર માટે નવી અને સસ્તી રીતો શોધીને 120 કરતાં વધુ દેશોમાં દર્દીઓના જીવનને બદલી રહ્યાં છે. તેમની ભાવના મારા હૃદયને સ્પર્શી ગઈ છે. તેમણે સમાજના નબળા વર્ગને ફાયદો પહોંચાડવા માટે આરોગ્ય, શિક્ષણ, સ્વચ્છતા અને પર્યાવરણ કાર્યક્રમ સંચાલિત કરવા માટે બાયોકોન ફાઉન્ડેશન શરૂ કર્યું. તેઓની જેમ હું પણ મારા ક્ષેત્રમાં આગળ વધીને ગરીબો માટે સેવાકાર્ય કરવા માગું છું. કિરણ મજમુદાર શૉની જેમ હું પણ કઠોર મહેનત કરી રહી છું મારા ધ્યેયની પ્રાપ્તિ માટે.’’

નીતા અંબાણી મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, તેમના જેવું બનવું છે: ધ્વનિ શાહ
અડાજણ વિસ્તારમાં રહેતાં 27 વર્ષીય ધ્વનિ શાહ વ્યવસાયે એડવોકેટ છે. ધ્વનિએ જણાવ્યું કે, ‘‘મને નીતા અંબાણી જેવું બનવું છે. નીતા અંબાણી એશિયાની સૌથી પ્રભાવશાળી મહિલા બિઝનેસ વિમેનમાં સ્થાન ધરાવે છે. હું નીતા અંબાણી દ્વારા ગરીબ બાળકોના એજ્યુકેશન માટે કરવામાં આવતાં સામાજિક કાર્યોથી ઈમ્પ્રેસ છું. તેમણે 2010માં રિલાયન્સ ફાઉન્ડેશન બનાવ્યું હતું જે એક ચેરીટેબલ ટ્રસ્ટ છે. તેના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, કળા-સંસ્કૃતિ અને રમતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. હું પણ નીતા અંબાણીની જેમ ગરીબ બાળકોના ભણતર માટે કામ કરવા માગું છું. તેઓ લગ્ન પહેલાં મધ્યમ વર્ગના હતાં હું પણ મધ્યમ વર્ગીય છું. તેઓ ધનિક હોવા છતાં દિવાળી અને અન્ય ફેસ્ટિવલની ઉજવણીમાં રિલાયન્સના કર્મચારીઓને ભેગા કરે છે. દીકરા આકાશ અંબાણીના મેરેજ ફંકશનમાં કર્મચારીઓને પણ ઇન્વાઇટ કર્યા હતા. આ વાત જ તેઓ એક ઉમદા ઉદાર દિલ મહિલા હોવાનું સાબિત કરે છે. મેં તેમના જેટલા પણ ફોટા જોયા છે તેમાં એ ઇન્ડિયન ટ્રેડિશનલ સાડી, ચણિયા-ચોળી, ડ્રેસિસમાં જ દેખાય છે. વેસ્ટર્ન આઉટફિટ્સમાં ઓછા દેખાયાં છે. મને પણ ટ્રેડિશનલ ડ્રેસ વધારે ગમે છે. જો મારું નીતા અંબાણી સાથે મળવાનું થશે તો હું તેમને પૂછીશ કે તેઓ પોતાની પારિવારિક જવાબદારી અને સામાજિક તથા વ્યાવસાયિક જવાબદારી આટલી બખૂબી કઈ રીતે નિભાવી રહ્યાં છે?’’

નેક્સ્ટ જનમમાં હું ઇન્દિરા ગાંધી બનવા માંગું છું: પૂનમ પરાશર
વેસુ વિસ્તારમાં રહેતાં 44 વર્ષીય પૂનમ પરાશર સોશ્યલ વર્કર છે. તેઓ જણાવે છે કે, ‘‘પહેલાં મારા વાળ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. ઇન્દિરા ગાંધી જેવા હતા એટલે લોકો મને ઇન્દિરા ગાંધી જ કહેતા. જો કે બ્રેસ્ટ કેન્સરની બીમારીમાંથી મુક્ત થયા બાદ મારા વાળ મેં હજી સુધી કપાવ્યા નથી. સ્વ. ઇન્દિરા ગાંધી દેશનાં પહેલા પ્રધાનમંત્રી હતાં. તેમણે કેટલાંક સાહસિક નિર્ણય લીધા હતા જેમ કે, બેંકોનું રાષ્ટ્રીયકરણ, પોખરણમાં પરમાણુ પરીક્ષણ, 1975માં દેશમાં ઇમરજન્સી (કટોકટી) લાગુ પાડી હતી. મને પણ સાહસિક બનવું ગમે છે. હું એક N.G.O. રન કરું છું અને બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ગ્રુપ પણ રન કરું છું. ઇન્દિરા ગાંધી 16 વર્ષ દેશના પ્રધાનમંત્રી રહ્યાં જે બહુ જ મોટી વાત એક સ્ત્રી માટે કહેવાય. મને જો નેકસ્ટ જન્મ મળે તો હું ઇન્દિરા ગાંધી બનવા માંગીશ. તેમનામાં ગબજનો કોન્ફિડન્સ હતો. મારામાં પણ કોન્ફિડન્સની કમી નથી. તેમણે જે નિર્ણયો લીધા હતા તે સમયના હિસાબે સાહસપૂર્ણ નિર્ણયો હતા. મને ગર્વ છે જે દેશમાં ઇન્દિરા ગાંધીનો જન્મ થયો હતો તે જ ભારત દેશમાં મારો પણ જન્મ થયો છે.’’

મારે આલિયા ભટ્ટ જેવા બનવું છું કેમ કે તેની એક્ટિંગથી હું પ્રભાવિત છું: ધૂન જૈન
અલથાણ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય ધૂન જૈનને આલિયા ભટ્ટ જેવા બનવું છું. તેણે જણાવ્યું કે, ‘‘આલિયા ભટ્ટે ખૂબ નાની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પગ મૂકેલા. તેણે માત્ર 9 વર્ષની ઉંમરે ‘સંઘર્ષ’ ફિલ્મમાં નાની બાળકીનો અભિનય કર્યો હતો. એવી જ રીતે મેં પણ નાની ઉંમરથી જ મોડલિંગની દુનિયામાં પગ મૂક્યા છે. આલિયા ભટ્ટ પોતાના ફેન્સના હૃદયની રાણી બની ગઈ છે. તેની એક્ટિંગ લાજવાબ છે. સાથે-સાથે તે પોતાની ફેશન સ્ટાઈલ માટે પણ ફેમસ છે. તેના સ્ટાઈલિશ આઉટફિટ્સને કારણે તે હંમેશાં ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થઈ જાય છે. મેં પણ એક્ટિંગની દુનિયામાં પગ મૂકવાના પ્રયાસોના ભાગરૂપે 2-3 ફેશન શૉ કર્યા છે. રેમ્પ વોંક કર્યું છે. મને સીરિયલની ઓફર્સ પણ આવેલી છે પણ પરીક્ષાઓને કારણે મેં સીરિયલો માટે હજી ‘હા’ નથી પાડી. આલિયાના ફોટો બધાને જ ગમે છે એ રીતે મારા ફોટાને પણ લોકો લાઈક કરે છે, પસંદ કરે છે. હું આલિયા ભટ્ટના નકશેકદમ પર ચાલીને એના જેવી સફળ અભિનેત્રી બનવા માંગું છું. ‘ડિયર જિંદગી’, ‘રાજી’, ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મમાં તેનો અભિનય કાબિલેદાદ હતો.’’

પ્રિન્સેસ જેવું જીવન જીવતાં નીતા અંબાણી જેવું બનવું ગમે: શીતલ ચોકસી
અઠવાલાઈન્સ વિસ્તારમાં રહેતા 46 વર્ષીય શીતલબેન ચોકસીએ જણાવ્યું કે, ‘‘મને નીતા અંબાણીની ડાયનામીક પર્સનાલિટી ગમે છે. તેઓ સ્પોર્ટસ લવર્સ પણ છે. મને પણ સ્પોર્ટસમાં રસ છે. નીતા અંબાણી બિઝનેસ વુમન હોવાની સાથે જ ફેશન આઇકોન તરીકે પણ નામના ધરાવે છે. નીતા અંબાણીને હેવી જવેલરી ગમે છે તેમ મને પણ હેવી જવેલરી ગમે છે. તેમની જવેલરી યુનિક હોય છે. તેમની જેમ મને પણ ડાયમંડ અને પન્નાની જવેલરી ગમે છે. નીતા અંબાણીની સાડી રેડ, મરૂન, ગોલ્ડન કલરની હોય છે તેમ મને પણ આ જ કલરની સાડી ગમે છે.

તેઓ IPLની મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક છે. હું સી.બી. પટેલ ગ્રાઉન્ડ પર આયોજિત બોક્સ ક્રિકેટમાં ગોલ્ડ કપ જીતી હતી. હું ટીમની કેપ્ટન પણ હતી. મારી તેમને મળવાની ઈચ્છા છે. યોગી ચોક, વરાછામાં નિર્માણ પામી રહેલી શ્રીનાથજીની હવેલીના કાર્યક્રમમાં અમે નીતા અંબાણીને ઇન્વાઇટ કરવાના છીએ. નીતા અંબાણીની જેમ મને પણ ટ્રેડિશનલ લુકમાં રહેવું ગમે છે. મને તેઓ છેલ્લાં 10-15 વર્ષથી બહુ ગમે છે. તેમની જેમ હું પણ સામાજિક કાર્યો કરી રહી છું. હું તેમને ઘણી બાબતમાં ફોલો કરું છું. મને નીતા અંબાણી જેવું બનવું ગમે.’’

ભારતના ઉદ્યોગ સાહસિક કિરણ મજમુદાર શૉ જેવું મને બનવું ગમશે: ડૉ. નિરાલી મહેતા
સ્મીમેર હોસ્પિટલમાં પીડિયાટ્રીશિયન તરીકે સેવા આપી રહેલાં 39 વર્ષીય ડૉ. નિરાલી મહેતાએ જણાવ્યું કે, ‘‘હું મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી છું એટલે મને મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા કિરણ મજમુદાર શૉ અટ્રેક્ટ કરે છે. કિરણ મજમુદાર શૉ ઉદ્યોગ સાહસિક ટેક્નોક્રેટ, સંશોધક અને બેંગ્લોરમાં આવેલી અગ્રણી બાયોટેક્નોલોજી કંપની બાયોકોનનાં સ્થાપક છે. તેમણે વિવિધ ડીસીઝ (રોગો)ની મેડિસિન શોધી છે. અનેક પડકારોનો સામનો કરી સફળતા મેળવી છે. કિરણ મજમુદાર શૉ માને છે કે સફળતા માટે કોઈ ટૂંકો માર્ગ નથી અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. સફળતા એટલે જરા હટ કે અભિગમ સાથે કંઈક કરવું-અલગ તરી આવવાનું સાહસ કરવું જેથી તમે બીજાથી અલગ બની શકો. કિરણ મજમુદારના આ અભિગમને હું ફોલો કરું છું. કિરણ મજમુદારે રેર રોગોની દવા શોધવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને મને પણ રેર વસ્તુ કરવી તે પ્રભાવિત કરે છે. મને પણ દવા સંશોધનની ઈચ્છા છે. જો મને તેમને મળવાનો ચાન્સ મળે તો હું પોતાની જાતને લકી માનીશ. મને કિરણ મજમુદારનું બ્રેન અને ઇન્ટેલિજન્સ અટ્રેક કરે છે. તેમને સંશોધન કામગીરી માટે પદ્મશ્રી અને પદ્મવિભૂષણ એવોર્ડ સહિતના ઘણા એવોર્ડ મળ્યા છે. કિરણ મજમુદાર શૉનું માનવું છે કે એક અલગ મોડેલ શોધવાનો પ્રયાસ કરતા રહો અન્ય લોકો જે કરી રહ્યા છે તે કરવાનો પ્રયાસ ન કરો…અહીંથી જ નવીનતા આવે છે. હું aપણ તેમાં માનું છું. મારામાં પણ તેમની જેમ સાહસના ગુણ છે જ.’’

દરેક વ્યક્તિના નેચર, કાર્યશૈલી અને રહેણીકરણી અલગ-અલગ હોય છે. આજની આધુનિક મહિલાઓ પોતાની આદર્શ તરીકે એવીજ વ્યક્તિને જોતી હોય છે જેના ગુણ અને પોતાના ગુણ સમાન લગતા હોય. ભારતની એક માત્ર મહિલા પ્રધાનમંત્રી સ્વ. ઇન્દિરા ગાંધી, કિરણ બેદી, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, ફિલ્મ ક્ષેત્રે મિનાકુમારી આ બધીજ મહિલઓ ઉપરાંત ભારતની બીજી કેટલીયે નામાંકિત મહિલાઓ આજની સુરતની મહિલાઓની આદર્શ છે અને તેમને બીજો જ્ન્મ મળે તો તેઓ જેમને આદર્શ માને છે તેમના જેવુ બનવાની ઇચ્છાઓ વ્યકત કરી રહી છે. કેટલાક ને નવું ઇનોવેશન કરતી મહિલાઓ જેવુ તો કેટલાકને વૈભવી જીવન શૈલી ને કારણે વખણાતી મહિલાઓ જેવુ બનવું છે.

Most Popular

To Top