Comments

વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ?

કેન્દ્રના ડેરીવિકાસ અને પશુપાલન ખાતાના પ્રધાન તેમ જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ ગણાતા પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિષે એક વાત કરી, જેને કારણે વિવાદ જાગ્યો છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં જ્યારે મુસલમાનોનું અને અંગ્રેજોનું રાજ હતું ત્યારે ક્ષત્રિયોએ સમાધાનો કર્યાં હતાં. તેમને મદદ કરી હતી અને કેટલીક વાર તો રાજ ટકાવી રાખવા સાટામાં દીકરી પણ પરણાવી હતી. તેમણે વળી એમ પણ કહ્યું હતું કે તેમણે એટલે કે પટેલોએ સમાધાનો કર્યાં નહોતાં. રૂપાલા સાહેબના આ નિવેદનથી ક્ષત્રિયો નારાજ થયાં છે.

આ ભારત છે અને ભારતમાં “અમે” અને “તમે”ની ભાષામાં વાત કરવામાં ન આવે એવું તો ભાગ્યે જ બને અને વળી રૂપાલા સાહેબ જે વૈચારિક પરિવારમાંથી આવે છે ત્યાં તો અમે અને તમે ગળથુથીમાં શીખવાડવામાં આવે છે. અહીં ક્ષત્રિયોનો બચાવ કરવાનો ઈરાદો નથી. કોઈ કોમ આખેઆખી શ્રેષ્ઠ હોય અને કોઈ કોમ આખેઆખી અધમ હોય એવું બનતું નથી. વ્યક્તિ સારી કે નઠારી હોય છે. જે તે સમયે અંગત સ્વાર્થ જોઇને કે પછી ડરીને જે તે લોકોએ સમાધાનો કર્યાં હતાં તો એને માટે આખી કોમ જવાબદાર નથી હોતી. બીજું, રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ હમણાંની વિચારધારા છે અને તેને ઇતિહાસમાં થયેલાં પાત્રો અને ઘટનાઓ પર માથે મારવામાં આવે એ બરોબર નથી.

તેમણે જ્યારે નિર્ણયો લીધા ત્યારે નહોતું તમારું રાષ્ટ્ર અને નહોતો રાષ્ટ્રવાદ. તેમણે પોતાનો સ્વાર્થ, પોતાની શક્તિ અને પોતાની મર્યાદા જોઇને નિર્ણય લીધા હતા. ૧૮૫૭ના વિદ્રોહ વખતે અનેક હિંદુ રાજવીઓએ અંગ્રેજોને મદદ કરી હતી. ગ્વાલિયરના સિંધિયા આમાં અગ્રેસર હતા અને તેમનાં વારસ બે પેઢીથી હિંદુ રાષ્ટ્રના પુરસ્કર્તાઓ છે. રાજમાતા વિજયા રાજે સિંધિયા ભાજપનાં ઉપાધ્યક્ષ હતાં, તેમની પુત્રી વસુંધરા રાજે રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન હતાં અને જ્યોતિરાદિત્ય સિંધિયા પરમ હિંદુ રાષ્ટ્રવાદી પક્ષ ભાજપમાં છે.

આવા તો બીજા અનેક દાખલાઓ આપી શકાય. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કંપની સરકારને કહ્યું હતું કે તેમના દત્તક પુત્રને વારસદાર તરીકે માન્યતા આપવામાં આવે. જો કંપની સરકારે લક્ષ્મીબાઈના દત્તક પુત્રને વારસદાર તરીકે માન્યતા આપી હોત તો કદાચ ઝાંસીની લડાઈ થઈ ન હોત. તેમના શૌર્યને સો સો સલામ, પણ તેમની લડાઈ અંગત હતી, તેને રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ સાથે કોઈ લેવાદેવા નહોતી.

બીજું, જેને ગુમાવાનું હોય અથવા લાભ મળે એમ હોય એ સમાધાનો કરે કે ડરે. જેને કાંઈ ગુમાવાનું જ ન હોય કે લાભ નજરે પડતો ન હોય એને ડરવાનો કે સમાધાનો કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એ યુગમાં અમે સમાધાનો નહોતાં કર્યાં એમ જ્યારે રૂપાલા સાહેબ કહે છે તો ત્યારે કણબીઓ, પાટીદારો અને બીજી પ્રજાઓ ખેતી કરતી હતી અથવા ખેતમજૂરી કરતી હતી. તેમની પાસે ત્યારે એવું કશું જ નહોતું કે સમાધાનો કરવાં પડે કે ડરવું પડે. પણ અત્યારે?

અત્યારે લાભ લેવા માટે પટેલો અને બીજાઓ સમાધાનો નથી કરતા? ડરીને નથી જીવતા? પત્રકારો, કટારલેખકો, કહેવાતા બૌદ્ધિકો, ન્યાયમૂર્તિઓ, સરકારી અધિકારીઓ, કેળવણીકારો, માસ્તરો, ધર્મગુરુઓ જે પ્રમાણમાં ડરીને સમાધાનો કરી રહ્યાં છે અથવા વેચાઈ રહ્યાં છે એ લોકો શું ક્ષત્રિય છે અથવા વિદેશી કુળનાં છે? અને બીજું, કોણ ડરાવે છે? કોણ ખરીદે છે? કોણ સમાધાનો કરવા મજબૂર કરે છે? વીતેલા યુગના આતતાયીઓનો વર્તમાન અવતાર કોણ છે? પુરુષોત્તમ રુપાલાને આ પ્રશ્ન પૂછવો જોઈએ.

ઉપર કહ્યું એમ આખેઆખી કોમ સારી કે ખરાબ હોતી નથી, પણ આખેઆખી વિચારધારા સારી કે ખરાબ હોઈ શકે. એમાં માનનારાઓ લગભગ એકસરખાં લક્ષણો ધરાવતાં હોય એવું બને. આપણે ડરવાની કે સમાધાનો કરવાની રૂપાલા સાહેબની જ વાત આગળ વધારીએ. દેશપ્રેમથી પ્રેરાઈને દેશને આઝાદ કરવા જ્યારે લોકો સમાધાનો કર્યા વિના નિર્ભયતાપૂર્વક જાનની બાજી લગાડતા હતા, ખપી જતા હતા, પોતાનું સર્વસ્વ હોમી દેતા હતા ત્યારે, એ ખરાખરીના યુગમાં રૂપાલા સાહેબના વૈચારિક પરિવારનાં લોકો એટલે કે હિન્દુત્વવાદીઓ ક્યાં હતા? કોણે ત્યાગ કર્યો? કોણે હિંમત બતાવી? કોણે જેલ વેઠી? કોણ શહીદ થયું? એક નામ તો બતાવો.

ઉલટું જેલમાંથી છૂટવા ઉપરાઉપરી માફીઓ માગી. આઝાદીનાં આંદોલનોમાં ભાગ  નહીં લેવાની અને ઉપરથી અંગ્રેજોને મદદ કરવાની લેખિત બાંયધરીઓ આપી. ૧૯૪૨ની લડત વખતે આંદોલનનો અમે વિરોધ કરીએ છીએ એવો પત્ર લખીને આપ્યો. ગાંધીજીનું આંદોલન કઈ રીતે નિષ્ફળ બનાવી શકાય તેનું અંગ્રેજોને માર્ગદર્શન આપ્યું. ગાંધીજી અને કોંગ્રેસીઓ જ્યારે જેલમાં હતા ત્યારે હિંદુ મહાસભાએ મુસ્લિમ લીગ સાથે મળીને બંગાળ, સિંધ અને સરહદ પ્રાંતમાં સરકાર બનાવી હતી. જનસંઘ/ભાજપના સ્થાપક ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી બંગાળના નાણાં પ્રધાન હતા.

આઝાદીની લડતની વાત જવા દો. ઇન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી લાદી હતી ત્યારે ઇન્દિરા ગાંધીને તેમના ૨૦ કલમી કાર્યક્રમનું અમે સ્વાગત કરીએ છીએ અને સરકારને મદદ કરવા આતુર છીએ એવો પત્ર કોણે લખ્યો હતો? મહાન દેશભક્ત અને રાષ્ટ્રવાદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એ સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસે. બસ, અમને જેલમાંથી છોડો અમે તમારી સાથે છીએ. વીતેલા યુગનાં ક્ષત્રિયોની ક્યાં વાત કરો છો, તમારા પોતાના વૈચારિક પરિવાર પર એક નજર કરી જુઓ. શૂરવીરતાની મોટી વાતો કરવાની અને શૌર્ય બતાવવાનો વખત આવે ત્યારે મોઢું ફેરવી લેવાનું. પીઠ બતાવવા છતાંય જો નસીબ ખરાબ હોય અને કારસામાં આવીએ તો માફી માગી લેવાની. એક નજર પોતાના ઈતિહાસ પર કરી જુઓ. દરમિયાન રવીન્દ્રનાથ ટાગોરની ‘ઘરેબાહિરે’ નામની નવલકથા વાંચી જવાની મારી ભલામણ છે. એમાં ધગધગતા રાષ્ટ્રવાદીના તકલાદી શૌર્યની વાત કહેવાઈ છે..
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top