સરકાર નકામી છે,સરકાર કંઈ કામ કરતી નથી,સરકાર ભ્રષ્ટાચારી છે,સરકાર અમીરોની છે.ઘણી વાર આવી વાતો કરતાં લોકોને સાંભળું છું.પણ આજ સુધી મને એ સમજાયું નથી કે સરકાર એટલે કોણ? સરકારી બસ ખરાબ છે,સરકારી શાળા ખરાબ છે,સરકારી હોસ્પિટલ ખરાબ છે.પણ આ સરકાર છે કોણ? ઘણી પ્રાઇવેટ બસ,પ્રાઇવેટ શાળાઓ અને પ્રાઇવેટ હોસ્પિટલની હાલત સરકારી કરતાં પણ ખરાબ છે એ આપણે સૌ જાણીએ છીએ.પણ ત્યાં કોઈ સવાલ નથી.સરકારની ઘણી બધી સારી સેવાઓ અને જાહેર સંપત્તિઓ છે જે સાચે જ ઉત્તમ સગવડયુક્ત હોય જ છે,પરંતુ એને નુકસાન પહોંચાડનાર કોણ હોય છે? પ્રાઇવેટ સેક્ટરમાં તો વગર ડિગ્રી અને વગર અનુભવના હજારો લોકો કામ કરે છે.
કોમર્સવાળા સાયન્સ પણ ભણાવી દે છે.અભણ અંગુઠા છાપ લોકો શાળાના ટ્રસ્ટી બનીને લાખો-કરોડો રૂપિયા કમાય છે.બી.એડ. ની ડિગ્રી કે પછી અન્ય કોઈ પણ ડિગ્રી વગર કે પછી ટેટ-ટાટ જેવી કોઈ પણ પરીક્ષા પાસ કર્યા વગર સાવ નજીવા પગાર પર શિક્ષકોને નોકરી પર રાખી એમનું શોષણ કરે છે.ઘણી વાર તો પગાર પણ આપતા નથી.ઘણી વાર વધુ પગાર ચોપડા પર બતાવીને સાઈન કરાવીને અમુક રૂપિયા શિક્ષક પાસેથી પાછા મેળવી લઈને ટેક્સની પણ ચોરી કરે છે.પણ ત્યાં સવાલ કરે કોણ? આ તો સરકાર એટલે સવાલ થાય.ઘણા પોતે સરખું બોલી કે લખી પણ શકતા ન હોય તેવા મુખ્યમંત્રી પર ભાષાને લઈને મજાક ઉડાવતા હોય છે.કેમ કે આ તો સરકાર છે.
પ્રાઇવેટ સેક્ટરમાં નોકરીની કોઈ પણ પ્રકારની સિક્યોરિટી ન હોવા છતાં પણ ત્યાં એક હરફ પણ ઉચ્ચારતા નથી.પણ,હા સરકારી નોકરીમાં રહીને પણ સરકારને સવાલ થાય છે.આ સરકાર એટલે કોણ? સરકાર સાચી કે ખોટી,સારી કે ખરાબ હોતી નથી. હા,માણસ ચોક્કસ સાચા કે ખોટા, સારા કે ખરાબ હોય જ છે.દરેક ક્ષેત્ર પછી એ સરકારી હોય કે પ્રાઇવેટ હોય, દરેક જગ્યાએ માણસ જ સારા કે ખરાબ હોય. સરકાર હોય કે સિસ્ટમ એ બને કોનાથી? માણસોથી જ તો.આશા રાખીએ દરેક વ્યકિત પોતાના અંતરાત્માને પ્રશ્નો પૂછે અને ખોટાં કૃત્યો બંધ કરીને સત્યના માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરે તો.સ્વર્ગ આ ધરતી એમાં પણ આ ભારતભૂમિ સિવાય બીજે કશે હોઈ જ ન શકે. સુરત – કિશોર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.