બેન્કિંગ સેકટરમાં વર્ષોના અનુભવી અમારા એક મિત્ર વાતવાતમાં ’ઈશિતા’ને કહે : ‘આપણા બૅન્કવાળાએ જે મોટી- તગડી લોન આ વિજય માલ્યા-નિરવ મોદી જેવાને દીધી ને એ બધા દેશ છોડીને ભાગી ગયા.એ જ લોન જો બૅન્કે કોઈ મહિલા ઉદ્યોગપતિ કે કોઈ મોટી કંપનીની લેડી બૉસને આપી હોત તો એ અચૂક વ્યાજ સાથે પરત થઈ હોત..! આ વાતનો ફોડ પાડતા પેલા અનુભવીએ દાખલા-દલીલ સાથે ’ઈશિતા’ને બરાબર સમજાવી દીધી. એમની વાતમાં વજૂદ હતું. એ કહે : ‘પ્રત્યેક સ્ત્રીનો જન્મજાત સ્વભાવ કહો કે ખૂબી કહો, કામચલાઉ લીધેલી ચીજ-વસ્તુ એ અચૂક પરત કરે,પછી એ વાટકી-વ્યવ્હારરુપી ખાંડ હોય કે જાળાં પાડવા લીધેલી લાંબી સાવરણી હોય કે પછી એકાદ વાર પહેરવા લીધેલા સાડી-બ્લાઉઝ હોય..! એ બધું વ્યવસ્થિત પરત કરે. લીધેલું યાદ રાખે ને દીધેલું સામાવાળાથી ભૂલાઈ ગયું હોય તો પરોક્ષ મીઠી ટકોર સાથે સામાવાળાને યાદ પણ કરાવી દે..!’
હમ્મ્મમ્ …વાત તો મિત્રની સાચી .લેતી-દેતીની બાબતમાં પુરુષ થોડા નબળા ને બેદરકાર પણ ખરા.એમાંય વિજય માલ્યા-મેહૂલ ચોકસી કે નિરવ મોદી જેવાને તો ઉઘરાણી કરો ત્યાં જ ઈન્સ્ટંટ સ્મૃતિદોષ થઈ જાય… ! પેલા અમારા અનુભવી બૅન્કર મિત્ર ઉમેરે છે : ‘હા, એકાદ-બે આર્થિક કૌભાંડમાં કોઈ મહિલા સંડોવાઈ હોય તો એના અપવાદ સિવાય આપણે ત્યાં વેપાર-ધંધા માટે મહિલાએ લીધેલી મોટાભાગની લોન પરત થઈ છે વ્યાજ સાથે!’ આ વાત પણ સાચી. તાજેતરમાં છેલ્લાં બે વર્ષના સંશોધનનાં તારણ પણ કઈંક આવું જ કહે છે. કોઈ લોન લે પછી એ પરત કરી શકે કે નહીં એ ચકાસવાનું રાષ્ટ્રીય માન્ય એક એકમ – માપદંડ છે. આ એકમ CIBIL સ્કોર તરીકે ઓળખાય છે. CIBIL એટલે ’ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યૂરો ઈન્ડિયા લિમિટેડ’. તમારી આર્થિક લેતી-દેતીના રેકૉર્ડ પરથી લોન પરત કરવાની ક્ષમતા દર્શાવતો CIBIL સ્કોર ૩ આંક્ડાનો હોય છે. ૩૦૦થી ૯૦૦ વચ્ચેનો આંક તમને બૅન્ક લોન કે ક્રેડિટ કાર્ડ માટે CIBIL યોગ્ય ઠેરવે છે. પરર્સનલ લોન માટે ૫૫૦ – ૬૫૦નો આંક ઉત્તમ ગણાય છે.
૨૦૨૧માં આશરે સાડા પાંચ કરોડ મહિલાએ જે નાની-મોટી બૅન્ક કે કોઈ ખાનગી સંસ્થા પાસેથી લોન લીધી હતી એમાંથી ૫૩ % મહિલાઓએ એ રકમ સમયસર પરત કરી હતી.એટલું જ નહીં, એમાંથી મોટા ભાગની મહિલા ૭૩૨થી ૭૭૦નો CIBIL સ્કોર ધરાવતી હતી એમની સરખામણીમાં ૪૭% પુરુષોનો આવો CIBIL સ્કોર રહ્યો.. લોનરુપે આર્થિક સહાય કરતી બૅન્ક્સ તથા ખાનગી એજન્સીઓએ એવું પણ નોંધ્યું છે કે છેલ્લાં પાંચ વર્ષમાં પુરુષ કરતા સ્ત્રી લોનધારકોમાં ૨૯% નો વધારો થયો છે.એમાંય મહામારી વખતે જ્યારે બધા માટે આર્થિક કટોકટી સર્જાઈ હતી ત્યારે પણ પુરુષોની પાંચ ટકાની તુલનાએ સ્ત્રીઓ ૧૧% લોન લેવામાં સફળ થઈ હતી॰…બૅન્ક અને ધિરાણ કરતી અન્ય એજન્સીઓ માટે મહિલા વધુ ભરોષાપાત્ર ધારક છે, કારણ કે એ સમયસર પૂરી લોન પરત કરે છે અને પુરુષની જેમ ગલ્લાતલ્લા કે બહાનાબાજી પણ નથી કરતી !
ભૂલી જવાની યાદગાર રમત…
‘માણસ માત્ર ભૂલને પાત્ર..’આ એક જૂની ને જાણીતી ઉક્તિ છે. એ જ રીતે,‘માણસ માત્ર ઘણું બધું ભૂલી જવાને પાત્ર..’ પણ કહી શકાય .. અલબત્ત , ‘ભૂલ’ અને ’ભૂલી જવા’ વચ્ચે ફરક છે. નાની એવી ખિસ્સા પેનથી લઈને આંધળાનેય દેખાય એવી સ્યૂટકેસ સુદ્ધાં ભૂલી જતાં થોકબંધ લોકો તમને આમચી મુંબઈ જેવા મહાનગરમાં ડગલે ને પગલે જોવા મળે અને આ રીતે સતત ભૂલી જતા મુંબઈગરાઓના લાભાર્થે મુંબઈની જાણીતી K.E.M. હૉસ્પિટલમાં હમણા એક મેમરી ક્લિનિક શરુ કરવામાં આવ્યું છે. આમ તો સ્મૃતિબ્ર્ન્શની બીમારીના શિકાર વૃધ્ધ કે આધેડવયની વ્યક્તિઓ બને,પરંતુ આજના આધુનિક જીવનની ધમાલ અને હાયવોયમાં આપણી સ્મૃતિ એનો પહેલો અને વહેલો ભોગ બને છે. આના કેટલાંક ઉદાહરણ નજર સામે જ છે. આ મહામારીની શરુઆતમાં લોકડાઉનને લીધે લોકોની બહાર અવરજવર પર ખાસ્સું નિયંત્રણ આવી ગયું હતું.
પાછળથી ક્રમશ: એ દૂર થતા મહાનગરપાલિકાની બસ સેવા ‘બેસ્ટ’ની પરિવહન સેવાના પ્રવાસીઓની સંખ્યા વધી એની સાથે યાત્રાળુઓની ભૂલી જવાની વૃતિ-પ્રકૃતિમાંય વધારો નોંધાયો. આ છેલ્લા બે વર્ષમાં બસ ડ્રાઈવરો-કન્ડકટરોને રોકડ સહિત રુપિયા ૨૦ લાખની અનેકવિધ ચીજ-વસ્તુઓ મળી. પ્રવાસીઓ કેવા કેવા પ્રકારની વસ્તુઓ વીસરી જાય છે એની યાદી પણ રસપ્રદ છે, જેમકે: સોના-ચાંદીનાં ઘરેણાં તેમજ ડાયમંડની આઈટમ્સ ને એની સાથે રોકડ રુપિયા-ડોલર તેમજ યુરો કરન્સી સુદ્ધાં ! આ તો કંઈ નથી.બસમાં ભૂલાઈ ગયેલી વસ્તુઓમાં ૧૪૦૦ જેટલા સસ્તા-કિમતી મોબાઈલ ફોનની સાથે ૨૦૦ જેટલી બ્રાન્ડેડ ઘડિયાળનોય આમાં સમાવેશ થાય છે. આ બસ-યાત્રામાં ઘડિયાળ તે વળી કઈ રીતે વીસરાતી હશે? એનું કૌતુક પણ જાગે.પ્રવાસી બસમાં ચઢી સીટ પર બેસીને શું એના કાંડા પરથી ઘડિયાળ કાઢી નાખતો હશે? લાલબાગ ચા રાજા જાણે..! અરે,હા..બસ-પ્રવાસમાં વીસરી જવાતી વસ્તુની યાદીમાં તો એક નામ રહી ગયું…, આ કોરોના-કાળના બે વર્ષના ચોમાસા દરમિયાન યાત્રાળુ ૪૮૦૦ જેટલી છત્રી પણ ભૂલી ગયા હતા!
આ તો વાત થઈ બસ પ્રવાસીઓની. મુંબઈની લોકલ ટ્રેન તથા અહીં આવતી મેલ-એક્સપ્રેસ ટ્રેનમાં પોતાના માલ- સામાન અને ચીજ-વસ્તુઓ ભૂલી જવાની પ્રવાસીઓ ફરિયાદ નોંધાવે છે. ૨૦૨૧-૨૦૨૨ના બે વર્ષમાં ભૂલકણા પ્રવાસીઓએ આવી પૂરી ૭,૨૩૦ ફરિયાદ લાગતા-વળગતા સત્તાવાર અધિકારીઓને નોંધાવી છે. જો કે બસ યાત્રાળુઓની સરખામણીએ અહીં ગુમાઈ ગયેલી વસ્તુઓ ઓછી પરત મળે છે. આવી ક્મ્પ્લેન્સમાં ૬૪૦થી વધુ ફરિયાદ સોનાના દાગીના-ઘરેણાની હતી,જેમાંથી માંડ ૩૩ કેસમાં ઘરણા પાછા મળ્યા. અલબત્ત, એ ખરું કે મોબાઈલ -લેપટોપ કે ટેબ ગુમાયાની ફરિયાદનો ઉકેલ એકંદરે સંતોષકારક આવે છે. ૪૨૫ લેપટોપ-ટેબમાંથી ૧૨૫ લેપટોપ તથા ૬ ટેબ ઉપરાંત મોબાઈલ ગુમ થવાનની ૪૬૦ ફરિયાદમાંથી ૧૨૦ સેલ ફોન એમના માલિકને પરત થયા ખરા…॰ આ જ રીતે, મહામારી પહેલાં મુંબઈ એરપોર્ટ પર સરેરાશ પોતાનો નાનો સામાન ખોવાયો હોવાની ૫૦-૬૦ ફરિયાદ મળતી હતી.હવે હવાઈ પ્રવાસ ફરી વધ્યો હોવાથી મુંબઈ વિમાનમથકેથી ૮૦ જેટલી વસ્તુ ભૂલાઈ કે ગુમાઈ હોવાની ફરિયાદ મળવા માંડી છે,જેમાં મુખ્ત્ત્વે લેપટોપ બેગ- પૈસાનું પાકીટ અને પાસપોર્ટ ઈત્યાદિ હોય છે..
બાય ધ વે, આ બધા વચ્ચે એક વસ્તુ એવી છે,જેની ગુમ થવાની ફરિયાદ બહુ ઓછી મળે છે અને એ વસ્તુ ભાગ્યે જ પરત થાય છે. છેલ્લાં ૨ વર્ષમાં એની પાંચ ફરિયાદ મળી, પણ એનો અત્તોપત્તો પણ ન લાગ્યો.
એ વસ્તુ હતી દાંતનું ચોકઠું…!
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
આ ડેધડ ટ્રાિફક નિયમોનો ભંગ કરનારા રોંગ સાઈડ રાજુ આમચી મુંબઈમાં અનેક છે. વન-વેમાં વિરુદ્ધ દિશામાં વાહન ચલાવવા ઉપરાંત બીજા પ્રકારના ટ્ર્રાફિક ભંગ કરનારા સામે મુંબઈ પોલીસે ૨૦૨૦માં ૩૩ હજારથી વધુ કેસ નોંધી ઈ-ચલાન ઠપકાર્યા હતા.એ પછી ગયે વર્ષે ૨૦૨૧માં આવા અપરાધીઓની સંખ્યા વધીને સીધી ૬૪ હજર પર પહોંચી ગઈ…. યાદ રહે, આવા ટ્રાફિક ભંગના બધા જ ગુના છેલ્લા બે વર્ષના કોરોના-કાળમાં બન્યા છે !
ñ હવે આ સમાચાર સાથે એ પણ જાણી લો કે જગતનો સર્વપ્રથમ ટ્ર્રફિક ભંગનો અપરાધ કેન્ટના વોલ્ટર આર્નોલ્ડના નામે ૨૮ જાન્યુઆરી-૧૮૯૬માં પોલીસે નોંધીને ચાર પાઉન્ડનો દંડ ફટકાર્યો હતો. એ જમાનામાં આ ઈંગ્લિશબાબુ એમની કાર નિર્ધારિત કલાકના બે માઈલની સ્પિડ કરતા ચાર ગણી ગતિએ એટલે કે ૮ માઈલની સ્પીડે કાર ભગાડતા હતા…!
- ઈશિતાની એલચી *
નીતિથી કર્મ કરો-રીતિથી કર્મ કરો ને પ્રીતિથી
કર્મ કરો તો એ ખરા અર્થમાં કર્મયોગ બની જશે!!