આજે દેશનાં કરોડો યુવાનો બેકારીને કારણે હતાશ છે. લાખો રૂપિયાનો ખર્ચો કર્યા પછી અને યુનિવર્સિટીની મોટી મોટી ડિગ્રીઓ લીધા પછી પણ તેમને સારા પગારની નોકરી મળતી નથી. તેનું કારણ એ છે કે કોઈને સંઘર્ષ કરવો નથી. બધાને તગડું પેકેજ જોઈએ છે. બધાને રાતોરાત કરોડપતિ બની જવું છે. બધાને લક્ઝરી કાર જોઈએ છે. યુવાનોની આ ઘેલછાને વટાવી લેવા કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ બહાર પડી છે તેમ તેમને સફળતાનો જાદુઈ મંત્ર વેચનારા કેટલાક મોટિવેશનલ સ્પીકરો પણ ફૂટી નીકળ્યા છે. તેઓ યુવાનોને હથેળીમાં ચાંદ બતાવે છે.
તેઓ યુવાનોને કહે છે કે તમારા ચહેરા ઉપર દાઢી ઊગી જાય તે પહેલાં તમારા ઘરની બહાર ગાડી આવી જશે. યુવાનો તેમના સેમિનારો એટેન્ડ કરીને પ્રવાહમાં તણાઈ જાય છે અને દિવાસ્વપ્નો જોતાં થઈ જાય છે. કહેવાતા મોટિવેશનલ સ્પીકરો તેમની ગરજનો લાભ લઈને પોતાના તગડા શૈક્ષણિક પેકેજો તેમને વેચી કરોડો રૂપિયા કમાય છે. આવા બે દિગ્ગજ મોટિવેશનલ સ્પીકરો સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે આ દિવસોમાં સોશ્યલ મિડિયા પર ઝઘડો ચાલી રહ્યો છે.
કહેવાય છે કે કરોડો ફોલોઅર ધરાવતા વિવેક બિન્દ્રા યુવાનોને રાતોરાત કરોડપતિ બનવાનાં સપનાં દેખાડી તેમને આશરે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતનું એક પેકેજ વેચતા હતા. આ પેકેજમાં ગેરેન્ટી આપવામાં આવતી હતી કે તમે ૯૦ દિવસમાં મહિને એક લાખથી વીસ લાખ રૂપિયા કમાતા થઈ જશો. જો તેવું ન થાય તો પૈસા પરત આપવાની બાંયધરી આપવામાં આવતી હતી. આ પેકેજ હજારો યુવાનો દ્વારા ખરીદવામાં આવ્યું હતું. તેમાંના કોઈકે રિફન્ડ માગ્યું તો રિફન્ડ આપવામાં આવ્યું નહોતું. સંદીપ મહેશ્વરી દ્વારા આખા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. વિવેકે સંદીપ મહેશ્વરી પર વળતા આક્ષેપો કર્યા છે. હવે બંને યુટ્યુબર્સ જાહેરમાં એકબીજાની સામે આવી ગયા છે. તેઓ વિડિયો પોસ્ટ કરીને એકબીજા પર ખુલ્લેઆમ આરોપો અને વળતા આક્ષેપો કરી રહ્યા છે. મામલો કાયદેસરની કાર્યવાહી સુધી પહોંચ્યો છે.
વાસ્તવમાં ૧૧ ડિસેમ્બરે સંદીપ મહેશ્વરીએ યુટ્યુબ પર એક વિડિયો અપલોડ કર્યો હતો. આ વિડિયોમાં તેણે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. વિડિયોમાં તે યુવાનો ભણાવવાના બિઝનેસના નામે હજારો રૂપિયાના કોર્સ ખરીદતા હોવાની વાત કરી રહ્યો હતો. તેણે તેને એક મોટું કૌભાંડ ગણાવ્યું હતું. વિડિયોમાં તે બે યુવાનો સાથે વાત કરી રહ્યો છે. એક યુવાન કહે છે કે તેણે એક મોટા યુટ્યુબર પાસેથી ૫૦ હજાર રૂપિયામાં કોર્સ ખરીદ્યો હતો, જ્યારે બીજો કહે છે કે તેના બદલામાં તેણે ૩૫ હજાર રૂપિયા આપ્યા હતા. યુવાનોએ કહ્યું કે તેમને આ કોર્સ અન્ય લોકોને વેચવા માટે કહેવામાં આવે છે. આ એક પ્રકારનું મલ્ટી-લેવલ માર્કેટિંગ છે.
આ પછી સંદીપ મહેશ્વરીએ તેને એક પ્રકારનું કૌભાંડ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેને રોકવું જોઈએ. વિવેક બિન્દ્રાનું નામ લીધા વિના કૌભાંડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિડિયો અપલોડ થયા બાદ સોશ્યલ મિડિયા પર StopScamBusiness ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આ પછી બીજા દિવસે સંદીપ મહેશ્વરીએ યુટ્યુબ કોમ્યુનિટી પોસ્ટમાં દાવો કર્યો હતો કે કેટલાક લોકો મારી ટીમ પર વિડિયો હટાવવા માટે દબાણ કરી રહ્યા છે.
તેણે કહ્યું કે તે કોઈ પણ સંજોગોમાં વિડિયો હટાવશે નહીં. તેણે દાવો કર્યો હતો કે જે વ્યક્તિએ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેને પણ પોતાનું નિવેદન બદલવા માટે ઘણા ફોન આવી રહ્યા છે.
આ પોસ્ટ બાદ વિવેક બિન્દ્રાએ એક પોસ્ટ કરીને સંદીપ મહેશ્વરીને ઓપન ચેલેન્જ આપી હતી. વિવેક બિન્દ્રા અને સંદીપ મહેશ્વરી જાહેરમાં સામસામે આવી ગયા છે. સંદીપ મહેશ્વરીએ દાવો કર્યો હતો કે વિવેક બિન્દ્રાએ તેમની ટીમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. તેણે પોસ્ટ કરીને કહ્યું કે માય ડિયર વિવેક, એક બાજુથી તમે મારી ટીમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી અને બીજી બાજુથી તમે તમારા કર્મચારીઓને મારા ઘરે મોકલ્યા. શું તમને ખરેખર લાગે છે કે હું તમારી ધમકીઓથી ડરી ગયો છું? તેણે આગળ કહ્યું કે હવે તમામ યુટ્યુબર્સ તમને ખુલ્લેઆમ એક્સપોઝ કરશે. તમારું નામ લઈને મોટા બિઝનેસ વિશે ખુલીને વાત કરશે. આ પછી ૫ દિવસ પહેલાં તેણે ફરીથી એક વિડિયો અપલોડ કર્યો હતો. વિવેક બિન્દ્રાએ પણ અનેક આરોપો લગાવ્યા હતા. તેના કહેવા મુજબ યુટ્યુબ ઉપર સંદીપ મહેશ્વરીનાં દર્શકોની સંખ્યા ઘટી ગઈ હતી. તેને માંડ માંડ બે લાખ દર્શકો મળતાં હતાં. તેણે પોતાનો ધંધો વધારવા વિવેક બિન્દ્રા સામે મોરચો માંડ્યો હતો. હવે તેનાં દર્શકોની સંખ્યા વધીને ૫૦ લાખ પર પહોંચી ગઈ છે, કારણ કે લોકોને વિવાદો ગમતા હોય છે. વિવેક બિન્દ્રાના આક્ષેપો મુજબ સંદીપ મહેશ્વરી કન્સલ્ટિંગની લાખો રૂપિયાની ફી વસૂલ કરે છે.
આ મામલો અહીં અટક્યો નથી. સંદીપ મહેશ્વરીએ તે પછી એક વિડિયો અપલોડ કર્યો અને કહ્યું કે તે તેની યુટ્યુબ ચેનલમાંથી જાહેરાતની આવક જનરેટ કરશે અને તેનો ઉપયોગ વિવેક બિન્દ્રાના કૌભાંડ સામે કાનૂની ટીમને હાયર કરવા માટે કરશે. તેણે લોકોને આ કથિત કૌભાંડ સામે એફઆઈઆર દાખલ કરવા અને સોશ્યલ મિડિયા પર ટ્રેન્ડ શરૂ કરવાની અપીલ પણ કરી હતી. મહેશ્વરીએ વિડિયોમાં આરબીઆઈના કેટલાક પરિપત્રો બતાવ્યા અને બિન્દ્રાની સ્કીમને કૌભાંડ ગણાવી. આ સાથે તેણે કોમ્યુનિટી પોસ્ટમાં કહ્યું કે અમે કોઈનું નામ લીધું નથી પરંતુ વિવેક બિન્દ્રાએ વિચાર્યું કે અમે તેનાથી ડરીએ છીએ. તેણે આરોપ લગાવ્યો કે બિન્દ્રાએ તેના ઘર અને ઓફિસમાં લોકોને મોકલ્યાં હતાં. આ મુદ્દો સોશ્યલ મિડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા બંને દેશના જાણીતા યુટ્યુબર છે, જેમને કરોડો લોકો ફોલો કરે છે. બંનેના અનુયાયીઓનો મોટો હિસ્સો યુવાનોનો છે. આવી સ્થિતિમાં બંને એકબીજા સામે શબ્દયુદ્ધ કરી રહ્યા છે તો તેમના અનુયાયીઓ કેવી રીતે ચૂપ રહી શકે? તેઓ યુટ્યુબ પર વિડિયો બનાવીને આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.
મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પહેલાં તેનો પ્રખ્યાત સોશ્યલ મિડિયા પ્રભાવક સંદીપ મહેશ્વરી સાથે વિવાદ થયો હતો. આ પછી હવે તેના પર નોઈડામાં પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ લાગ્યો છે. વિવેક બિન્દ્રાની પત્નીના ભાઈ વૈભવ ક્વાત્રાની ફરિયાદ બાદ ૧૪ ડિસેમ્બરે નોઈડાના સેક્ટર ૧૨૬ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. સત્તાવાળાઓએ આરોપોની તપાસ શરૂ કરી છે અને કહ્યું છે કે તપાસના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વિવેક બિન્દ્રાએ ૬ ડિસેમ્બરે બીજાં લગ્ન કર્યાં હતાં. લગ્નના એક દિવસ બાદ જ તેની પત્ની સામે ઘરેલુ હિંસાનો મામલો સામે આવતાં તેની મુશ્કેલીઓ વધી ગઈ છે. બિન્દ્રાની પત્ની યાનિકા નોઈડાની હોસ્પિટલમાં દાખલ થઈ ગઈ છે. પોલીસને આપેલી ફરિયાદમાં તેણે મારપીટ અને વાળ ખેંચી હેરાન કર્યાની ફરિયાદ
કરી છે.
વાતનો સાર સમજવા જેવો છે કે યુવાનોને મહેનત કરવી નથી. તેમને વગર મહેનતે કરોડપતિ થઈ જવું છે અને જલસા કરવા છે. તે માટે યુવાનો ડિગ્રી પાછળ પાગલ છે. તેને કારણે શિક્ષણની હાટડી ચાલે છે. લાખો રૂપિયા ખર્ચીને ડિગ્રી મળી જાય છે, પણ નોકરી મળતી નથી.
તગડા પગારની નોકરી ન મળે ત્યારે યુવાનો બેકાર રહેવાનું પસંદ કરે છે ત્યારે તેમને કરોડપતિ બનવાનાં સપનાં બતાવીને લૂંટનારા મળી જાય છે. યુવાનો લોભમાં પડીને બરબાદ થઈ રહ્યા છે.