Columns

સમીર વાનખેડે અને નવાબ મલિક વચ્ચેના વિવાદમાં સાચું કોણ છે?

થોડા સમય પહેલાં મુંદ્રા બંદરેથી ૩,૦૦૦ કિલોગ્રામ હેરોઈન પકડાયું હતું, તેની ચર્ચા મીડિયામાં નથી થતી; પણ મુંબઈ બંદરે રેવ પાર્ટીની ચર્ચા ચાલી રહી છે, કારણ કે તેમાં બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો પનોતો પુત્ર સંડોવાયો હતો. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો કેસ આમ તો કોઈ ક્રાઇમ બીટથી વિશેષ મહત્ત્વ ધરાવતો નથી, પણ તેમાં રાજકારણની ભેળસેળ થઈ હોવાથી તેની ચર્ચા કરવી જરૂરી બની જાય છે. આર્યન ખાન અને તેના મિત્રોની ધરપકડ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા કરવામાં આવી હતી. આ એજન્સી કેન્દ્ર સરકાર હસ્તક છે. મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસની સરકાર છે, જેને મહાવિકાસ અઘાડી તરીકે ઓળખવામાં આવે છે.

આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી તે પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના એક પ્રધાન નવાબ મલિકે એનસીબીના વરિષ્ઠ તપાસ અધિકારી સમીર વાનખેડે ઉપર આક્ષેપ કર્યો છે કે તેમણે આર્યન ખાનને જામીન પર છોડવા માટે ૨૫ કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.  નવાબ મલિક એટલેથી અટક્યા નથી. તેમણે સમીર વાનખેડે પર વ્યક્તિગત હુમલો કરતાં કહ્યું છે કે તેઓ દલિત હિન્દુ નથી, પણ મુસ્લિમ છે. તેમણે પોતાની મુસ્લિમ ઓળખ છુપાવીને દલિત તરીકે અનામતના લાભો મેળવી લીધા હતા.

સમીર વાનખેડે દ્વારા આ આક્ષેપનો ઇનકાર કરવામાં આવ્યો છે. તેમનું કહેવું છે કે તેમની માતા મુસ્લિમ હતી અને પિતા હિન્દુ હતા. તેમણે ક્યારેય ધર્માંતરણ કર્યું નથી. તેઓ હિન્દુ હતા અને હિન્દુ છે. તેમની પહેલી પત્ની મુસ્લિમ હતી. મુસ્લિમ માતાની લાગણીને માન આપીને તેમણે પહેલાં લગ્ન મુસ્લિમ રીતરિવાજ મુજબ કર્યા હતા, પણ તેમણે ક્યારેય ઇસ્લામ અંગિકાર કર્યો નહોતો. એવું લાગે છે કે આ જંગ ભાજપ વિરુદ્ધ રાષ્ટ્રવાદી કોંગ્રેસનો જંગ છે. સમીર વાનખેડે ભાજપનો ટેકેદાર મનાય છે તો નવાબ મલિક રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ કોઈ પણ હિસાબે આર્યન ખાનને બચાવી લેવા માગે છે.

મુંબઇના ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી કે તરત રાષ્ટ્રવાદી કોંગ્રેસ દ્વારા તે કેસના તપાસ અધિકારી સમીર વાનખેડેને બદનામ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. પહેલાં નવાબ મલિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આર્યન ખાનને જામીન પર છોડવા માટે સમીર વાનખેડે દ્વારા ૨૫ કરોડ રૂપિયા માગવામાં આવ્યા છે. નવાબ મલિકના કહેવા મુજબ તેમના હાથમાં રેવ પાર્ટી દરમિયાન સાક્ષી રહેલા કે.પી. ગોસાવીએ તેને હાજીઅલી ખાતેથી ખંડણીની રકમ લેવા માટે કહ્યું હતું. નવાબ મલિકના આક્ષેપ મુજબ આ કેસના સાક્ષી પ્રભાકર સાલીએ કહ્યું હતું કે તેણે ફોન પર કે.પી. ગોસાવી અને કોઈ સામ ડિસોઝા વચ્ચેનો વાર્તાલાપ સાંભળ્યો હતો.

આ વાર્તાલાપમાં કે.પી. ગોસાવી ૨૫ કરોડ રૂપિયામાં આર્યનને જામીન અપાવવાની વાત કરતા હતા. તેમના કહેવા મુજબ આર્યન ખાનને જામીન પર છોડવો હોય તો કુલ ૨૫ કરોડ રૂપિયા આપવા પડશે. જો કે પાછળથી રકમ ઘટાડીને ૧૮ કરોડ કરવામાં આવી હતી, જેના આઠ કરોડ રૂપિયા સમીર વાનખેડેને મળવાના હતા. અહીં નોંધપાત્ર વાત એ છે કે નવાબ મલિકના આક્ષેપમાં ક્યાંય સમીર વાનખેડે કોઈની સાથે વાત કરતા હતા, તેવું કહેવામાં આવ્યું નથી. કોઈ ત્રાહિત વ્યક્તિની વાતચીત પર પુરાવો ન મળે ત્યાં સુધી ભરોસો કરી શકાય નહીં. નવાઇની વાત એ છે કે નવાબ મલિકે આવો આક્ષેપ કર્યો તે પછી કે.પી. ગોસાવી ગુમ થઈ ગયા છે. તેમની વાત સાચી હતી કે નહીં? તે પુરવાર થઈ શકે તેમ નથી. પ્રભાકર સાલી પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

આર્યન ખાનના કેસમાં તપાસ કરી રહેલા સમીર વાનખેડે ઉપર આક્ષેપ કરવા પાછળનો ઇરાદો તેમના હાથમાંથી તપાસ ઝૂંટવી લેવાનો પણ હોઈ શકે છે. સમીર વાનખેડેની છાપ ઇમાનદાર પોલીસ અધિકારી તરીકેની છે. તેમને ૧૮ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હોય, પણ તેમણે તે ઓફર ન સ્વીકારી હોય તેવું પણ બની શકે છે. જો તેમના હાથમાંથી તપાસ ઝૂંટવીને કોઈ બીજા અધિકારીને સોંપવામાં આવે તો તેમને ફોડી કાઢવાનું સરળ બને, તેવી ગણતરી પણ હોઈ શકે છે. સમીર વાનખેડે સામેના આક્ષેપ ગંભીર પ્રકારના હોવાથી એનસીબી દ્વારા તેની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

આ તપાસ વિજિલન્સ વિભાગના વડા જ્ઞાનેશ્વર સિંહને સોંપવામાં આવી છે. નવાબ મલિકને ખ્યાલ આવી ગયો છે કે સમીર વાનખેડે સામેના આક્ષેપો પુરવાર થઈ શકે તેવા નથી, માટે તેમણે વિજિલન્સ વિભાગના વડા જ્ઞાનેશ્વર સિંહ ઉપર આક્ષેપ કર્યો છે કે તેઓ પ્રામાણિક નથી. તેમના કહેવા મુજબ અગાઉ પણ જ્ઞાનેશ્વર સિંહે સમીર વાનખેડેનો બચાવ કર્યો હતો. નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે ઉપર બેફામ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમાં અંગત કારણો પણ છે. થોડા સમય પહેલાં નવાબ મલિકના ભત્રીજા સમીર મલિકની ધરપકડ કરવામાં આવી હતી, કારણ કે તેની પાસેથી ડ્રગ્સ પકડાઇ હતી. સમીર મલિકે ૬ મહિના જેલમાં રહેવું પડ્યું હતું. આ કેસની તપાસ સમીર વાનખેડેએ કરી હોવાથી નવાબ મલિક સમીર વાનખેડે પર વેરની વસુલાત કરી રહ્યા હોય, તેવું પણ બની શકે છે.

હકીકતમાં સમીર વાનખેડે સામે ચાર ફરિયાદો મળી છે, જેમાં તેમણે બળજબરીથી રૂપિયા વસૂલ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ આરોપોની તપાસ મુંબઈ પોલીસ કરશે. મુંબઈ પોલિસ મહાવિકાસ અઘાડી સરકારના આદેશ હેઠળ કામગીરી બજાવી રહી છે, જેમાં નવાબ મલિક પ્રધાન છે. મહાવિકાસ અઘાડીમાં શિવસેના પણ સામેલ છે, જેના નેતા ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન છે. નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે સામે ચલાવાઈ રહેલી ઝુંબેશને ઉદ્ધવ ઠાકરે ઉપરાંત રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા શરદ પવારના પણ આશીર્વાદ હોવાનું માનવામાં આવે છે. શરદ પવાર ઉપર અગાઉ માફિયા ડોન દાઉદ ઇબ્રાહિમને મદદ કરવાનો આક્ષેપ મુંબઇના નાયબ મ્યુનિસિપલ કમિશનર ખૈરનાર દ્વારા કરવામાં આવ્યો હતો. નવાબ મલિક પણ દાઉદના ઇશારે સમીર વાનખેડે સામે આક્ષેપો કરી રહ્યા હોય તેવી સંભાવના છે.

નવાબ મલિક દ્વારા સમીર વાનખેડે પર ૨૬ આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમાંનો એક આક્ષેપ એવો છે કે સમીર વાનખેડે ફિલ્મસ્ટારોના ઘરે જઈને ડ્રગ્સ મૂકી આવતા હતા અને પછી તેમની ધરપકડ કરવાની ધમકી આપીને રૂપિયા પડાવતા હતા. આના કરતાં વધુ હાસ્યાસ્પદ કોઈ આક્ષેપ હોઈ શકે નહીં. ફિલ્મસ્ટારો ડ્રગ્સ લે છે તે જગજાહેર વાત છે. નવાબ મલિક તેમને બચાવવા સમીર વાનખેડે પર ધડ-માથાં વગરના આક્ષેપો કરી રહ્યા છે. તેમાંના કોઈ આક્ષેપ પુરવાર થઈ શકે તેવા નથી.

હવે તેમણે આક્ષેપ કર્યો છે કે સમીર વાનખેડે દ્વારા ક્રૂઝ પર દરોડો પાડવામાં આવ્યો ત્યારે પાર્ટીમાં ગોવાનો કોઈ ડ્રગ્સ માફિયા પણ હાજર હતો. સમીર વાનખેડેએ તેને છટકી જવામાં મદદ કરી હતી. આ આક્ષેપના પણ કોઈ પુરાવા નથી. હવે નવાબ મલિક કહે છે કે મુંબઈનો ફિલ્મ ઉદ્યોગ દેશના જીડીપીમાં બે-ત્રણ ટકા જેટલો ફાળો આપે છે, માટે તેને હેરાન કરવો જોઈએ નહીં. શું ફિલ્મ ઉદ્યોગ દેશને કમાણી કરાવતો હોય તે માટે તેના બધા ગુના માફ કરી દેવા જોઈએ? એવું લાગે છે કે ફિલ્મ ઉદ્યોગનાં સ્થાપિત હિતો નવાબ મલિકનો ઉપયોગ કરીને સમીર વાનખેડેને હતોત્સાહ કરવાની પેરવી કરી રહ્યાં છે. સમીર વાનખેડે સામેના કોઈ આક્ષેપો કોર્ટમાં ટકી શકે તેવા જણાતા નથી.      
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top