ઘણી હકીકતો એવી હોય છે કે જેની આપણને જાણ હોય, પણ એ અચાનક પ્રસાર માધ્યમોમાં ચમકવા લાગે એટલે નવેસરથી એ તરફ આપણું ધ્યાન દોરાય. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે વિધાનસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં કેટલીક વિગતો રજૂ કરી, જેને કારણે આપણા રાજ્યમાં શિક્ષકોની ઘટનો મુદ્દો વધુ એક વાર સમાચારોમાં ચમક્યો. શિક્ષણમંત્રીએ આપેલી માહિતી અનુસાર છેલ્લાં બે વર્ષોમાં અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ પડી રહી છે.
કુલ 1,606 સરકારી શાળાઓમાં ધોરણ એકથી આઠનાં વિદ્યાર્થીઓ વચ્ચે કેવળ એક જ શિક્ષક છે. વર્ષ 2022માં કુલ સાતસો શાળાઓમાં આ સ્થિતિ હતી. બે જ વર્ષમાં એક જ શિક્ષક ધરાવતી શાળાઓનો આંકડો બમણા કરતાં વધી ગયો છે. આના કારણમાં તેમણે એ પણ જણાવ્યું કે શિક્ષકો પોતાની મનપસંદ જગ્યાએ બદલી લેતાં હોવાને કારણે આ સ્થિતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં બત્રીસેક હજાર સરકારી શાળાઓ છે.
માન્યું કે 2023ના અંત સુધીમાં એક જ શિક્ષક ધરાવતી શાળાની સંખ્યા વધીને 1,606 સુધી પહોંચી, પણ એ અગાઉ સાતસો શાળાઓમાં આ સ્થિતિ હતી એ નાનીસૂની વાત કહેવાય? વર્ષ 2016માં પણ ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યા અનુસાર સરકારી શાળાઓમાં તેર હજાર કરતાં વધુ શિક્ષકોની ઘટ હતી. સરકારે આપેલી વિગત અનુસાર કચ્છ અને બનાસકાંઠા જિલ્લામાં આ ઘટ સૌથી વધુ હતી, જ્યારે તેની પછીના ક્રમે પંચમહાલ અને દાહોદ જિલ્લા હતા. આ જ પક્ષની સરકારના તત્કાલીન શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે સુયોગ્ય ઉમેદવારો મેળવવામાં સરકારને મુશ્કેલી પડી રહી છે, છતાં સરકાર વહેલામાં વહેલી તકે એ જગ્યાઓ ભરશે.
હાલના શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ વેઠવું ન પડે એ માટે જ્ઞાનસહાયકોની ભરતી, હંગામી પ્રાથમિક શિક્ષકોની નિમણૂક કે શિક્ષકોની બદલીના મેળા યોજવાના પ્રયાસો ચાલુ છે. શિક્ષણમંત્રીએ એમ પણ જણાવ્યું કે ભલે 1,606 સરકારી શાળાઓ એક જ શિક્ષક વડે સંચાલિત હોય, એમાંની અડધીઅડધ શાળાઓએ ‘રાઈટ ટુ એજ્યુકેશન’(આર.ટી.ઈ.) અનુસાર પ્રતિ ત્રીસ વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનું પ્રમાણ જાળવી રાખ્યું છે. ‘ઓપરેશન સફળ, પણ દર્દીનું મૃત્યુ’જેવી કક્ષાનો આવો ચમત્કાર શી રીતે થઈ શકે એવો કોઈને વિચાર આવે તો આંકડા જુઓ, જે પણ શિક્ષણમંત્રીએ જાહેર કરેલા છે: ‘આ 1,606 શાળાઓ પૈકી વીસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંચથી ઓછી છે અને 86 શાળાઓમાં તે પાંચથી દસની વચ્ચે છે. 316 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 11થી 20ની વચ્ચે છે, જ્યારે 419 શાળાઓમાં તે 21થી 30ની વચ્ચે છે. 694 શાળાઓમાં 31થી 60 વિદ્યાર્થીઓ છે અને 71 શાળાઓમાં 61થી વધુ વિદ્યાર્થીઓ છે.’બેસી ગઈ ને સરેરાશ? આ સરેરાશ બેસાડવામાં એ પણ ખ્યાલ આવે છે કે શાળાઓમાં મૂળભૂત રીતે વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી છે.
આ તો કેવળ સરકારી શાળાઓ અને એમાં શિક્ષકોની ઓછી સંખ્યાની જ વાત છે. અહીં અપાતા શિક્ષણનું સ્તર સાવ અલગ જ મુદ્દો છે. ગુણોત્સવ અને પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો સ્ટેરોઇડ લઈને બાવડાં ફુલાવવાના અને એ ફુલાયેલાં બાવડાં જોઈને ગૌરવ લેવાના સામુહિક ઉપક્રમ બની રહ્યા છે. ‘જ્ઞાન સહાયક’જેવી ‘ક્રાંતિકારી’પદ્ધતિના અમલ દ્વારા બાળકોના ભાવિ સાથે રમત રમાય છે. શિક્ષકોને શિક્ષણ સિવાયનાં વિવિધ કાર્યોમાં જોતરતાં રહેવાનું સામાન્ય બની રહ્યું છે. આવા માહોલમાં ચર્ચા થાય તો પણ કેવળ શિક્ષકોની ઘટની! શું આ ઘટ રાતોરાત પેદા થઈ ગઈ છે?
હજી ઘણા ભાવુક લોકો ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીના કથળતા જતા સ્તર અંગે ચિંતા કરતા જોવા મળે છે. તેમને બિચારાઓને અણસાર સુદ્ધાં નથી કે કેવળ ગુજરાતીનું જ નહીં, સમગ્રપણે શિક્ષણનું સ્તર પાતાળે ગયું છે અને હવે તો એ વાત પણ જૂની થઈ ગઈ છે. આપણી પાસે ગૌરવ લેવા જેવી ઓછી બાબતો છે કે માતૃભાષા અને એવી બધી બાબતોના સ્તરની ફિકર કરીએ? અખબારો કે પ્રસાર માધ્યમોમાં પ્રયોજાતી ગુજરાતી ભાષાનું સ્તર જોઈને ઘણા મુગ્ધ જીવોને ફિકર થાય છે કે ગુજરાતીનું કોઈ રણીધણી રહ્યું નથી. તેઓ જે જોઈ રહ્યા છે એ તો ફળ છે. જે વૃક્ષ પર તે બેઠું છે એનાં મૂળિયાંમાં કેટલો સડો થઈ ગયો છે એ તેઓ સમજી શકતાં નથી.
જગતમાં એવાં લોકો જૂજ હશે કે જેમના પોતાના જ પ્રદેશમાં, પોતાનું બાળક માતૃભાષામાં બોલે એ સાંભળીને એમને આશ્ચર્ય થાય. આવી દુર્લભ પ્રજાતિમાં આપણો સમાવેશ થાય છે એ ઓછા ગૌરવની વાત કહેવાય? સરકારી પાઠ્યપુસ્તકોમાં એક નજર કરો, એ ભણાવનાર શિક્ષકોને મળો, સારા ગણાતાં વિદ્યાર્થીઓ સાથે વાત કરો તો જે લઘુતમ સામાન્ય બાબત જોવા મળશે તે હશે માતૃભાષાની મૂળભૂત જાણકારીનો અભાવ અને એ અંગેની જાણકારી ન હોવાની અજ્ઞાનતા. આનાથી વધુ કેવી દુર્દશાની અપેક્ષા રાખી શકાય?
રાજકીય લાભ લેવાની ગણતરીએ શિક્ષણપ્રણાલીને આયોજનબદ્ધ રીતે ખતમ કરાઈ રહી હોય એવી પરિસ્થિતિમાં નાગરિકો જાતભાતનાં ગૌરવ લેવામાંથી ઊંચાં ન આવતાં હોય એ કેવી કરુણતા! રાજ્યમાં વિકાસ ડબલ એન્જિનની ગતિએ થઈ રહ્યો હોય, એ જોઈને નાગરિકો હરખાતાં હોય, રાજ્યનાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે દેશ છોડીને વિદેશમાં સ્થાયી થવા માટે દોટ મૂકતાં હોય એ સ્થિતિમાં રાજ્યના શિક્ષણમંત્રી શિક્ષકોની ઘટ માટે જે કારણ આપે એ માની લેવું જોઈએ. કેમ કે, શિક્ષકોની ઘટ પૂરાશે તો પણ શિક્ષણની સ્થિતિમાં બદલાવ આવશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.