Comments

અગ્નિપથના મામલે આગ સાથે કોણ રમે છે?

વધુ યુવાન અને ચુસ્ત સંરક્ષણ દળ બનાવવા માટે સૈનિકોની ભરતી કરવા માટેની નવી યોજના અગ્નિપથના અગ્નિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષ સામેના કડવા વિરોધ અને આક્રોશમાં બળતણ નાંખવામાં આવે છે એમાં કોઇ શંકા નથી. આ નવા ઘોંઘાટિયા યુદ્ધમાં જ્યારેર રાજકીય ભવિષ્ય દાવ પર લાગ્યું હોય ત્યારે હકીકતો મહત્ત્વની ન રહી હોય. ભયંકર કામગીરીમાં વધુ ઉંમરના જવાનોને કામે લગાડવાને કારણે પેદા થતી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અને શિથિલતા ઘટાડવા સશસ્ત્ર દળોને ‘અગ્નિપથ’ યોજના મદદ કરશે કે નહીં તે વિશે વિરોધ પક્ષોને ચિંતા નથી.

જુદાં જુદાં સ્થળોએ હિંસાનાં કૃત્યો પાછળ શકયત: કાવતરા તરફ આંગળી ચીંધતા પુરાવા તરફ મોદીના ટીકાકારો પ્રશ્નાર્થની દૃષ્ટિએ જોઇ રહ્યા છે, પણ તેઓ યોજનાના અન્ય કોઇ પણ પાસા વિશે વિચારણા કરવા તૈયાર નથી. સુરક્ષા સામેના પ્રાદેશિક પડકારોને હાથ ધરવા અને સશસ્ત્ર દળોના શસ્ત્ર સરંજામના આધુનિકીકરણ માટે વધુ પૈસા ફાળવી શકાય તેવા પરિમાણની તેઓ વિચારણા કરવા માંગતા જ નથી. કેફી પદાર્થોના રવાડે ચડવાને અને જિંદગીમાં આપોઆપ સુખદ પરિવર્તન આવવાની આશામાં બેસી રહેવાને બદલે 17 થી 21 વર્ષની વચ્ચેની ઉંમરના યુવકો તેમના જીવન ઘડતરનાં વર્ષોમાં સેનાની કડક તાલીમમાં નફાકારક રીતે કૌશલ્ય મેળવી શકે તેવી શકયતાને તેઓ જોતા નથી. સાચું છે કે સેનાના જવાનોની સરેરાશ ઉંમરમાં ઘટાડો કરવા માટે યુવકોની ભરતી કરવા માટે અગ્નિપથ આખા દેશમાં ફેલાયેલી યોજના છે.

સેવામાં જોડાયેલા યુવકો ‘અગ્નિવીર’ કહેવાશે અને તેમને 4 વર્ષ કામે રખાશે, જ્યાં તેમને કડક લશ્કરી તાલીમ અપાશે. તેમને વર્ષે બધું મળીને “ 4.76 લાખ અપાશે અને સેવાના અંતે તે વધારો કરી “ 6.92 લાખ સુધી વધશે. 4 વર્ષની સેવા પૂરી થયા પછી ઉદ્યોગ સાહસિક બનવા માંગતા સૈનિકોને આર્થિક ટેકો અપાશે અને બેંકની લોન અપાશે. જેને વધુ અભ્યાસ કરવો છે તેને ધો. 12 ની સમકક્ષ અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર અપાશે. જેને નોકરી જોઇએ છે, તેમને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળમાં અને રાજ્યના પોલીસદળમાં નોકરી અપાશે.

અન્ય ક્ષેત્રોમાં પણ તેમને માટે અનેક બારીઓ ખુલ્લી રહેશે. વિરોધ પક્ષ એ વિચારવા તૈયાર જ નથી કે અગ્નિપથ યોજના મુલ્કી સમાજમાં પાછા ફરતાં યુવકોમાં લશ્કરી નીતિમત્તા અને કૌશલ્યનાં મૂલ્યો તરીકે વધારો કરશે અને તેમને માટે તકમાં વધારો કરશે. વિરોધ પક્ષ એ પણ વિચારવા તૈયાર નથી કે સેનાની નિયમિત સેવામાં નહીં શમાવી શકાયેલા અગ્નિવીરો માટે મોટો ફાયદાનો સોદો છે. આ યુવકોને એક સમયે “ 11.71 લાખની ઉચ્ચક રકમ ‘સેવા નિધિ’માંથી અપાશે. જે સંપૂર્ણ કરમુકત હશે.

સેવામાંથી બહાર કઢાયેલા બાકીના 75 % લોકો માટે સૂચિત પૂરતી પુનઃરોજગારીની તકની સ્પષ્ટ સાબિતી વિરોધપક્ષોને જોઇએ છે, પણ તે સગવડતાપૂર્વક એ વાતની અવગણના કરે છે કે ઘણા સૈનિકો બાહ્યજગતમાં મળતી જુદી જુદી તકો માટે સેવા બહાર થવા માંગતા હોય. તેમને હવે ઉત્તેજના નહીં જગાવતી ભૂમિકામાં જોડાઇ રહેવા ન માંગતા હોય તેવું બને. વિરોધ પક્ષોને મોદી અને તેમની સરકારે કરેલી ‘ભયંકર ભૂલ’ માટે સાણસામાં લેવાની તકની ગંધ આવતી હોય અને તેને પંજાબ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની ચૂંટણી પહેલાંના 1 વર્ષ સુધી કેટલાક ખેડૂતોના આંદોલનને કારણે પાછા ખેંચી લેવા પડેલા ખેતીકાયદાની ઘટનાનું પુનરાવર્તન થવાની આશા હોય.

બહાર આવતી હકીકતો પ્રત્યે પણ વિરોધ પક્ષો ચૂપ છે. સશસ્ત્ર દળોમાં જોડાવા માટે ઉત્સુક યુવકોને ‘શિક્ષણ’ આપવાના ટંકશાળ સમાન ધંધામાં વ્યસ્ત લોકો પણ હિંસાને ઉત્તેજન આપે છે. વળી અંધાધૂંધી વધારવાના ધંધામાં પ્રવૃત્ત લોકો પણ શંકાનું કેન્દ્ર છે. ભરતીની પધ્ધતિમાં ધરમૂળથી ફેરફાર થાય તો તેમને પોતાનો ધંધો પડી ભાંગવાનો ડર લાગે. સેનામાં ભરતી કરવાનાં મામલે કેટલાંક શહેરોમાં કૌભાંડ થયું હોવાનું સાંભળ્યું હતું.

આવા વિરોધમાં મોખરે કોંગ્રેસ છે, જે તેના ટોચનાં પરિવારજનોને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટના સમન્સથી હચમચી ઊઠી છે. 19 મી જૂને દિલ્હીના જંતરમંતરમાં ધરણા કરતી વખતે પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસનું ધ્યેય શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ કર્યું હતું : ‘આ સરકાર જવી જ જોઇએ. સરકારે અગ્નિપથ યોજના મુલતવી રાખી ટીકાકારોની માંગ મુજબ રાજકીય પક્ષો સાથે સલાહ – મસલત કરવી જોઇએ. તેથી વિરોધ પક્ષોનું વલણ બદલાશે? નરસિંહરાવની સરકારમાં 1990 ના દાયકામાં નાણાંકીય સહિતના કોઇ મોટા ફેરફાર થયા હતા? દેશ પશ્ચિમને વેચાઇ ગયા હોવાના આક્ષેપો અને ભીતિ વચ્ચે આર્થિક ઉદારીકરણ થયું હતું.

કાયમી નોકરી નહીં હોવાથી મોટા ભાગના સૈનિકોને તાલીમ કે જોખમનો સામનો કરવામાં પ્રોત્સાહન નહીં હોવાથી, ભારતીય સેના બાળસેના બની જશે એવી ટીકાકારોની આગાહીને આપણે માનવાની છે? અગ્નિપથ યોજના દરેક સેવાઓમાંથી ‘વિશેષતા રૂઢિ અને પરંપરા’ લઇ લેશે? અગ્નિવીર છૂટા ‘પૂર્જા’ બની રહેશે? આ પરંપરા જ ભારતના સશસ્ત્ર દળોના જવાનોના જુસ્સાનો પાયો બની રહેશે? આ પ્રશ્નો પર ચર્ચા – વિચારણા થઇ શકે, પણ આપણા લશ્કરના નેતાઓ આવું નથી વિચારતા.
         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top