Charchapatra

કોણ ગેરકાયદે?

આપણા દેશમાં કોણ ગેરકાયદે? ખૂબ જ મોટો પ્રશ્ન, આમ તો આ વિચાર ન આવે, પણ છેલ્લાં કેટલાક વર્ષ અને હવે કેટલાક સમયથી ખૂબજ ગાજેલ સુરત એરપોર્ટને નડતરરૂપ ઇમારતોની વાત સમજીએ તો સામાન્ય માણસ સપનાનું ઘર લેતાં શું વિચારે એમ જ કે ઘર સરસ હોય, સુવિધા હોય, ચોખ્ખી જગ્યા હોય, જેમાં મહાનગરપાલિકાની બધી જ સુવિધા હોય અને અંતે નાણાંકીય વ્યવહારમાં બેંક મદદરૂપ થાય. આ બધું જ મળી જાય એટલે ઘર માટે તૈયારી કરી ઘર લઇએ. આમ તો ઘર લેવું એ સામાન્ય વાત નથી, પણ દરેક જણ જીવનમાં ઝઝૂમીને આ સપનું પૂરું કરવાની કોશિશ જરૂર કરે છે.

હવે બધું જ અનુકૂળ થયું અને તમે કોઇ બિલ્ડર પાસે ઘર લીધું, રહેવા ગયા અને સરકાર એમ કહે કે આ ગેરકાયદે છે તો શું સમજવું? સામાન્ય માણસ તો છેલ્લે આવે છે. એ પહેલાં તો બાંધકામ રજા આપનાર, બિલ્ડર, એરપોર્ટ રજા ચિઠ્ઠી, બેંક, મહાનગરપાલિકા વગેરે આવે, પરંતુ હાલ એવી પરિસ્થિતિ છે સૈાથી પહેલાં ઘર લેનાર ચિંતામાં છે. આપણા દેશમાં બાંધકામ માટે કેટલીયે રજા ચિઠ્ઠી લેવી પડે, કોણ જવાબદાર, સરકાર કોને બચાવશે, કોર્ટે તો ચુકાદો આપ્યો, પરંતુ એ જોયું કે આમાં કોના ભોગે કોનો મરો થઇ રહ્યો છે? આવું કેમ? શું મહાનગર પાલિકા, બેંક, એરપોર્ટ વગેરે બાંધકામ બાબતે છેલ્લે સુધી કેમ ન જોયું,

આમાં એમ સમજાય કે છેલ્લે પ્રજાએ જ ભોગવવાનું છે. ઘર લેનાર સામાન્ય માણસ હોય અને બનાવનાર અને રજા આપનાર ખૂબ જ મોટા માણસો હોય તેથી એમને કંઇ જ ન થાય? હુકમ આપનારે મોટાને છુટ્ટી અને નાનાને સજા એવું કેમ વિચાર્યું? જો સરકાર લોકોના હિતમાં કામ કરે તો આ તોડવા કરતાં ખોટું કરનારને મોટી સજા થવી જોઈએ. આ તો છેલ્લે સામાન્ય માણસ જ મરવાનો, સરકાર વિચારશે? બાકી વોટ તો મળી જ જવાના, પરંતુ જેની ઉપર વીતે તે જ જાણે. માનવ અધિકાર કયાં છે?
સુરત         જિજ્ઞેશ બક્ષી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top