Columns

પાગલ કોણ?

નગરના ચોકમાં એક ઘટાદાર વૃક્ષ હતું, જેની શીતળ છાયામાં બેસીને મુસાફરો આરામ કરતાં, ગપસપ કરતાં અને પોતાનો થાક દૂર કરતાં. ગરમીની મોસમ હતી, ધરતી આકાશ તપી રહ્યાં હતાં. એક પાગલ ઝાડ નીચે લાંબો થઈ સૂતો હતો અને થોડી થોડી વારે કારણ વિના હસતો હતો. એ જ સમયે એક રૂવાબદાર વ્યક્તિ ઝાડ પાસે આવ્યો. તેણે પાગલને કહ્યું, ‘અહીંથી હટ, મારે શાંતિથી આરામ કરવો છે. દૂર જા.’ પાગલ માણસે કહ્યું, ‘આરામ કરવો છે તો અહીં બાજુમાં કરો, હું પણ આરામ કરી રહ્યો છું… હું શું કામ દૂર જાઉં? રૂવાબદાર અધિકારીએ કહ્યું, ‘હું રાજકીય અધિકારી છું. બાજુના નગરમાંથી તમારા રાજાને મળવા આવ્યો છું. તમારા નગરનો અતિથિ છું. અહીં મને આરામ કરવા દેવાની તમારી ફરજ છે.’ પાગલ તો ઊભો થઈ હસતાં હસતાં બીજી તરફ જતો રહ્યો.

પેલા અધિકારીએ વૃક્ષની છાયામાં આરામ કરવા માટે લંબાવ્યું. થોડો સમય થયો હશે ને એક ભગવાધારી સંન્યાસી ત્યાં આવ્યા, ગરમીથી તેમના હાલ બેહાલ હતા. તેમણે લાંબા થઈને સૂતેલા પેલા અધિકારીને કહ્યું, ‘ભાઈ, જરાક ખસીને જગ્યા કરો તો હું પણ વૃક્ષની છાયામાં આરામ કરી મારો થાક દૂર કરી લઉં.’ અધિકારીને પોતાના આરામમાં ખલેલ પહોંચી તેનો ગુસ્સો આવ્યો અને વળી પોતાના પદનો રુવાબ હતો એટલે તેણે રૂઆબથી કહ્યું, ‘હું રાજકીય અતિથિ છું. બાજુના નગરમાંથી આ નગરના રાજાને મળવા આવ્યો છું. હું નહીં ખસું.’ સંન્યાસી તેનો રૂઆબ સાંખી શક્યા નહિ એટલે કડકાઈથી બોલ્યા, ‘તું રાજકીય અધિકારી છે અને જે રાજાને મળવા આવ્યો છે. હું એ જ રાજાનો રાજગુરુ છું એટલે વૃક્ષની છાયામાં બેસવાનો અધિકાર મને પહેલાં છે. બંને જણ વચ્ચે વિવાદ શરૂ થયો… બંને વિવેકભાન ભૂલી એકમેક સાથે કટુ વાણીમાં ઝઘડો કરવા લાગ્યા અને પોતાની મહત્તા સાબિત કરવા મંડી પડ્યા.

 બરાબર એ જ સમયે પાગલ ત્યાં આવ્યો અને જોર જોરથી હસવા લાગ્યો પછી બોલ્યો, ‘ વૃક્ષ તો પ્રકૃતિદત્ત છે. તેની પર તેની છાયામાં બેસવાનો બધાને અધિકાર છે. શું કામ પાગલોની જેમ લડો છો, સાથે મળીને વૃક્ષની છાયામાં બેસીને આરામ કરો. જે કામ ઝઘડવાથી નથી થતું તે પ્રેમથી થઈ જાય છે,ઝઘડો છોડી વૃક્ષની છાયામાં બેસો બંનેનો થાક દૂર થઈ જશે.’ આટલું બોલી પાગલ હસતો હસતો ચાલ્યો ગયો…પણ રાજગુરુ અને અધિકારી બંને જણ વિચારવા લાગ્યા કે ‘પાગલ કોણ આ કે આપણે?’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top