શહેરના રસ્તાઓ પર નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને ટોઈંગ કરવા માટે સુરત ટ્રાફિક પોલીસની ટોઈંગ વેન ફરતી હોય છે. આ વેનમાં કામ કરતા કર્મચારીઓ પોતાને સવાયા પોલીસવાળા સમજતા હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
- માતાવાડી વિસ્તારમાં વાહન ચાલકને બેરહેમપૂર્વક માર માર્યો, ક્રેઈનમાં ઊંચકીને બેસાડી દીધો, વીડિયો વાયરલ થતા વિવાદ
ક્રેઈન કર્મચારીઓએ એક વાહનચાલકને બેરહમીથી માર મારી ટીંગાટોળી કરી ટોઈંગ વેનમાં ઊંચકી બેસાડી દીધો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા વિવાદ થયો છે. ક્રેઈન કર્મચારીઓને આટલી બધી દાદાગીરી કરવાની છૂટ કોણે આપી તે સવાલ યુઝર્સ કરી રહ્યાં છે.
આ વીડિયો વરાછાના માતાવાડી વિસ્તારનો હોવાની ચર્ચા છે. વાહન ઉઠાવવા આવેલી ક્રેઈનના કર્મચારીઓ વાહનને બદલે વીડિયો ઉતારી રહેલા એક યુવકને જ ઉંચકીને ક્રેઈનમાં બેસાડી દેતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે. વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ક્રેઈનના કર્મચારીઓએ એક યુવક સાથે ઝપાઝપી કરી રહ્યાં છે. ટીંગાટોળી કરી તેને ક્રેઈનમાં જબરદસ્તી બેસાડી રહ્યાં છે. ખરેખર બન્યું એવું હતું કે ટ્રાફિક ક્રેઈનના કર્મચારીઓ વાહન ઉપાડવાની કામગીરી કરી રહ્યાં હતાં ત્યારે ત્યાં એક યુવકે કર્મચારીઓની કાર્યપદ્ધતિનો વીડિયો મોબાઈલમાં રેકોર્ડ કરવા માંડ્યો હતો.
તે વાતથી ક્રેઈનના કર્મચારીઓ ઉશ્કેરાયા હતા અને યુવક સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. જોતજોતામાં મામલો બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા કર્મચારીઓએ જાહેરમાં યુવકને માર માર્યો હતો. તેને બળજબરીપૂર્વક ક્રેઈનમાં બેસાડી દીધો હતો. આ દ્રશ્યો જોઈ આસપાસના લોકોએ વીડિયો ઉતારો, વીડિયો ઉતારોની બૂમો પાડી હતી.