અમારા ગામમાં એક દરજી હતો. એ બહેરો હતો એટલે અમે નિશાળિયાઓ નિશાળે જતાં અને આવતાં તેને બેરો (બહેરો) કહીને ચીડવતા અને તે ચીડાતો. એ પછી એવું થયું કે તે નિશાળે જવાને અને છૂટવાને ટાણે હાથમાં લાકડી લઈને ઓટલે બેસતો એટલે અમે દૂરથી બેરો કહીને મહાલક્ષ્મીના ચોકનો આંટો વાઢીને નિશાળે જતા. એક દિવસ કંટાળીને તેણે મારા કાકાને (પિતાશ્રીને અમે કાકા કહેતા) ફરિયાદ કરી. મારા કાકા મને લઈને તેની દુકાને ગયા. તેમણે મને કહ્યું કે તમે આ ભાઈને ચીડવીને જે મજા લઈ રહ્યા છો એ વિકૃત મજા છે. કોઈને પીડા આપીને મેળવેલું સુખ એ સુખ નથી. આ વિકૃતિ આગળ જતાં નીચતામાં પરિણમી શકે છે અને હું નથી ઈચ્છતો કે મારો દીકરો નીચ નીવડે. તેમણે પેલા દરજીને કહ્યું કે આ લોકો તને ત્યાં સુધી જ ચીડવી શકશે જ્યાં સુધી તું ચિડાઈશ. તું ચિડાવાનું બંધ કરી દઈશ એ ક્ષણે આ લોકોના હાથ હેઠા પડશે.
આ વાત સમાજને પણ લાગુ પડે છે. કેટલાક લોકોને કોઈને (વ્યક્તિ કે ચોક્કસ પ્રજા સમૂહને) ચીડવવામાં કે નિંદા કરવામાં એક પ્રકારનું સુખ મળતું હોય છે જે અનિવાર્યપણે વિકૃત હોય છે. બીજી બાજુ કેટલાંક લોકો ખરેખર ચીડાતા પણ હોય છે. મેં મારા બાળપણનો પ્રસંગ ટાંકીને કહ્યું એમ ચીડવનારનું અસ્તિત્વ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી ચીડનાર હોય છે. સંબંધિત વ્યક્તિ ચીડવાનું બંધ કરે એટલે ચીડવનારાના હાથ હેઠા પડે પણ એવું બનતું નથી. સમાજનો એક સારો એવો મોટો વર્ગ સંયમ જાળવી શકતો નથી. ઘણાં લોકોને આવી વિકૃતિમાં એટલું બધું સુખ મળતું હોય છે કે તેઓ તે રોકી શકતા નથી તો બીજી બાજુ ઘણાં લોકો વિકૃત પ્રવૃત્તિ તરફ આંખ આડા કાન કરીને ઉપેક્ષાવૃત્તિ કેળવી શકતા નથી.
વિકૃતિનો આ એક ચહેરો થયો. વિકૃતિનો એક બીજો ચહેરો પણ છે જે છેતરામણો છે. મૂલ્યાંકનના નામે અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે વિકૃતિને વાચા આપવામાં આવે છે. એ મૂલ્યાંકન નથી હોતું, ચારિત્ર્યહનન હોય છે. બહુ વ્યવસ્થિત રીતે કોઈ એક વ્યક્તિ કે ચોક્કસ સમાજ કે ચોક્કસ ધર્મ-સંપ્રદાય વિષે માફક આવે એવી માહિતી એકઠી કરવામાં આવે છે અને ન હોય તો પેદા કરવામાં આવે છે. એ પછી પ્રચારયંત્રણા દ્વારા તેને વહેતી કરવામાં આવે છે. એને સતત વહેતી રાખવામાં આવે છે તે ત્યાં સુધી કે લોકો તેને સત્ય માનીને એક કાનથી બીજા કાને કહેતા ન થાય. લોકો જ્યારે કર્ણોપકર્ણ સાંભળેલી વાત સાચી માનીને આગળ વહાવતા જાય અને ઉપરથી પોતાનાં કૃત્યનો બચાવ કરતા થાય ત્યારે આવું કરાવનારાઓ સત્ય પર થયેલા અસત્યના વિજયનો ઓડકાર ખાય છે.
તો બે પ્રકારની વિકૃતિ સમાજમાં જોવા મળે છે. એક ભલે વિકૃતિ પણ એકંદરે નિર્દોષ વિકૃતિ. કોઈને હેરાન કરીને હલકી મજા લેવા સિવાય તેમનો ખાસ કશો એજન્ડા હોતો નથી અને બીજી વિકૃતિ સદોષ વિકૃતિ હોય છે. ગણતરીપૂર્વક એજન્ડાના ભાગરૂપે કોઈને બદનામ કરવાના. સત્ય ઉપર અસત્યનું આરોપણ જેને અંગ્રેજીમાં પોસ્ટ-ટ્રુથ તરીકે ઓળખાવવામાં આવે છે. આવું કરનારાઓને સત્ય પરવડતું નથી અને અસત્યમાં તેમનો સ્વાર્થ હોય છે. તેઓ તેમાં વિવેક કરવાની ક્ષમતા નહીં ધરાવનારાઓનો અને કોઈની બદબોઈ કરીને વિકૃત મજા લેનારાઓનો ઉપયોગ કરે છે.
આજકાલ મારા મનમાં સતત એક પ્રશ્ન ઘુમરાયા કરે છે. મૂંડકોપનિષદમાં કહેવાયેલા વચનનું શું? મૂંડક ઉપનિષદમાં કહ્યું છે :
सत्यमेव जयते नानृतं सत्येन पन्था: विवतो देवयान: ।
येनाक्रमन्त्यृषयो ह्याप्तकामा यत्र तत् परमम् निधानम् ।।
ઋષિ કહે છે: “હંમેશા સત્યનો જ વિજય થાય છે, અસત્યનો નહીં. સત્યના માર્ગે ચાલવાથી યાત્રીનો માર્ગ મોકળો અને સુલભ થાય છે અને એ રીતે જ્યાં સત્યનું ધામ છે ત્યાં પહોંચી શકાય છે.” ઋષિ માત્ર એટલું કહીને નથી અટકતા કે સત્યનો વિજય થાય છે. તે તો કહે છે માત્ર સત્યનો જ વિજય થાય અને અસત્યનો કદાપિ વિજય નથી થતો. હજુ આગળ વધીને કહે છે કે જો તમારે પરમ સત્ય પામવું હોય તો સત્યનો જ માર્ગ અપનાવવો પડશે અને જો તમે સત્યનો માર્ગ અપનાવશો તો તમારો માર્ગ અર્થાત્ જીવનયાત્રા સુલભ થતી જશે.
તો કસોટી આપણી અર્થાત્ માનવસમાજની થઈ રહી છે કે ઋષિવચનની જે સનાતન ધર્મની માન્યતા મુજબ ઈશ્વરે કહેલાં વચન છે? સનાતન ધર્મીઓની માન્યતા મુજબ વેદો અને ઉપનિષદો અપૌરૂષેય છે એટલે કે કોઈ પુરુષની રચના નથી પણ ખુદ ઈશ્વરે ઋષિઓનાં મોઢે કહેલાં વચનો છે. બીજું સનાતન ધર્મની માન્યતા મુજબ વેદો અને ઉપનિષદો સનાતન ધર્મનો પાયો છે. એના વિના સનાતન ધર્મ સંભવી જ ન શકે. તો પછી કસોટી કોની થઈ રહી છે?
આપણી કે ઈશ્વરની? વાસ્તવમાં તમે સાયબર સેલ અને સોશ્યલ મીડિયા દ્વારા ગાંધીજીને પરાજીત કરી રહ્યા છો કે તમારા ઈશ્વરને? તમે જ્યારે જાણતા હોવા છતાં જુઠ્ઠાણાં ફેલાવો છો ત્યારે તમે ગાંધીદ્રોહ કરી રહ્યા છો કે ઈશ્વરદ્રોહ? કે પછી સનાતન ધર્મદ્રોહ? સાચો હિંદુ કોણ? તમે કે ગાંધી? તો કસોટી ગાંધીની નથી થઈ રહી, ઈશ્વરની થઈ રહી છે. ઋષિવચનની થઈ રહી છે, અપૌરૂષેય વેદો અને ઉપનિષદોની થઈ રહી છે અને સનાતન ધર્મની થઈ રહી છે. તમે કોને વિજયી જોવા ઈચ્છો છો; અસત્યનો પ્રચાર કરનારાઓને કે ઈશ્વરને? ટૂંકમાં આજે હિંદુઓ સામૂહિક રીતે તેમના ઈશ્વરની અને ઈશ્વરે ચિંધેલા માર્ગની અર્થાત્ ધર્મની જ પરીક્ષા કરી રહ્યા છે. સામૂહિક રીતે એ નવું છે. ધર્માભિમાનીઓ સામૂહિકપણે તેમના વહાલા ધર્મને ખાઈમાં ધકેલી રહ્યા છે. આવું માત્ર હિંદુઓ જ નથી કરતા, બધા જ ધર્મના ધર્માભિમાનીઓ આ કરી રહ્યા છે. અભિમાન અને સત્ય સાથે ન રહી શકે.