Columns

સોશ્યલ મીડિયાના યુઝર્સને જોડતો પુલ કોણે શોધ્યો?

સોશ્યલ મીડિયામાં હેશટેગની શરૂઆત થઈ તે પહેલાંથી કમ્પ્યૂટરની ભાષામાં એનો ઉપયોગ થતો હતો. ટેલિકોમ કંપનીઓએ પણ લોકોને હેશટેગથી યુઝ ટુ કર્યા હતા.ક્રિસ્ટોફર મેસિનાએ ગૂગલથી ઉબર સુધીની કંપનીઓમાં કામ કર્યું છે. 2005માં મિત્રો સાથે મળીને આ ટેકનોક્રેટે બારકેમ્પ નામની એક સંસ્થા બનાવી હતી. ઈન્ટરનેટની દુનિયામાં ઓપનનેસ આવે તે માટે કાર્યરત આ સંસ્થા વર્ષે બે વર્ષે વિવિધ શહેરોમાં કોન્ફરન્સ યોજે છે. એવી જ એક ઈવેન્ટ 2007ના ઓગસ્ટ માસમાં યોજાઈ રહી હતી.

ઈવેન્ટને સફળ બનાવવા માટે ક્રિસે સોશિયલ મીડિયાનો સહારો લીધો. ટ્વિટર પર ઈવેન્ટ ચર્ચાનું કેન્દ્ર બને એ માટે ટેકનોલોજી એક્સપર્ટ ક્રિસે એક ટ્વીટ કરી. તેમાં લખ્યું હતું કે આપણે પાઉન્ડના સિમ્બોલ તરીકે જાણીતા હેશટેગ (#)ને બારકેમ્પની યુનિટી માટે પ્રયોજીએ તો કેવું? ક્રિસે સોશિયલ મીડિયાના ઈતિહાસમાં પહેલી વખત ‘બારકેમ્પ’ શબ્દની આગળ હેશટેગનો સિમ્બોલ મૂક્યો હતો. ક્રિસની એ ટ્વીટ પછી એકાદ હજાર યુઝર્સે ‘બારકેમ્પ’ શબ્દ આગળ હેશટેગનો સિમ્બોલ મૂકીને રી-ટ્વીટ કર્યું. હેશટેગના કારણે ‘બારકેમ્પ’ શબ્દ આખી ટ્વીટમાં અલગ પડી જતો હતો અને તેના ઉપર ક્લિક કરવાથી બારકેમ્પને લગતી બધી જ ટ્વીટ્સ એક સાથે જોઈ શકાતી હતી.

ટ્વિટર ઉપર આવો પ્રયોગ પહેલી વખત થયો હતો એટલે ટ્વિટર યુઝર્સમાં હેશટેગને લઈને કૌતુક જાગ્યું હતું. એક જ ક્લિકમાં એક મુદ્દાની ચર્ચાનું રીઝલ્ટ એક સાથે જોઈ શકાતું હતું એટલે દુનિયાભરના યુઝર્સે તેનો ઉપયોગ શરૂ કર્યો. 2007માં ઓગસ્ટના છેલ્લાં વીકમાં ક્રિસે ટ્વીટમાં આ પ્રયોગ કર્યો પછી ટ્વિટરના ટેકનો-એક્સપર્ટ્સે તેમાં રસ લીધો. હેશટેગને યુઝરફ્રેન્ડલી કરવા માટે જરૂરી ફેરફારો કર્યા અને સપ્ટેમ્બર-2007માં હેશટેગનો ઉપયોગ વિશ્વવ્યાપી બની ગયો.

એ પછી હેશટેગના કારણે જ કોઈ વિષય/વ્યક્તિને લઈને કેટલી ટ્વીટ્સ થઈ છે તેની ગણતરી વધુ સરળ બની. ટ્રેન્ડ-ટ્રોલિંગ માટે હેશટેગ સિમ્બોલ અનિવાર્ય થઈ પડયો. પણ હેશટેગનો ઉપયોગ એ પહેલાં ય થતો હતો. હેશટેગ રોમન સિમ્બોલ છે અને તેનો ઉપયોગ વજનના સંદર્ભમાં પાઉન્ડની નિશાની તરીકે થાય છે. એ જ કારણે ક્રિસે પ્રથમ હેશટેગમાં પાઉન્ડનો ઉલ્લેખ કર્યો હતો. બ્રિટનમાં પાઉન્ડ કરન્સીના અર્થમાં વપરાય છે, પણ એ સિવાય અમેરિકા સહિતના ઘણાં દેશોમાં પાઉન્ડ ટર્મ વજન સાથે સંબંધ ધરાવે છે. વસ્તુ કે વ્યક્તિનો વજન કેટલો છે એ પાઉન્ડમાં માપવાનું થાય તો હેશની નિશાનીનો ઉપયોગ થતો આવે છે. સોશિયલ મીડિયાના કારણે હેશનો સિમ્બોલ જાણીતો બન્યો ન હતો એ પહેલાં ઘણાં ખરાં અંશે હેશને પાઉન્ડનો સિમ્બોલ માનવામાં આવતો હતો.

1960 પછી ટેકનોલોજીની ક્રાંતિ થઈ ત્યારે સ્ટારના સિમ્બોલની જેમ હેશનો ઉપયોગ પણ થોડો બદલાયો. કમ્પ્યુટરની ભાષા વિકસી રહી એ વખતે તેમાં નવા નવા સિમ્બોલનો ઉપયોગ થઈ રહ્યો હતો. કેનેડાના કમ્પ્યુટર સાયન્ટિસ્ટ બ્રિઆન કેર્નિઘન અને અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ ડેનિસ રિટ્ચી 70ના દાયકામાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ ‘C’ બનાવી રહ્યા હતા ત્યારે એમણે હેશના સિમ્બોલનો ઉપયોગ C પ્રોસેસર માટે કર્યો. HTMLમાં આ બંનેએ હેશનો ઉપયોગ એ રીતે કર્યો હતો કે તેના ઉપયોગથી પ્રોગ્રામમાં ગ્રાફિક કેરેક્ટર એક બીજા સાથે જોડાઈ જતાં હતાં. બીજાં ઘણાં સિમ્બોલને ચકાસી જોયા પછી તેમણે હેશ ઉપર પસંદગી ઉતારી હતી. વિવિધ સિમ્બોલ્સની મદદથી તૈયાર થઈ રહેલા આખા પ્રોગ્રામમાં હેશનો સિમ્બોલ અલગ પડી જતો હતો એટલે HTMLના આંતરિક જોડાણમાં તેની ગૂંથણી કરવી સરળ બનતી હતી.

૧૯૮૬માં SGML જેવી પ્રોગ્રામિંગ લેંગ્વેજનું સર્જન થયું ત્યારે એમાં ય હેશની હાજરી અનિવાર્ય હતી. પ્રોગ્રામિંગ લેંગ્વેજના જેટલા જેટલા નવા અવતારો આવ્યા એ બધામાં આંતરિક જોડાણની ભૂમિકા હેશના ભાગે આવતી હતી. પછી વિશ્વમાં ટેલિકોમ ક્રાંતિ થઈ. લેન્ડલાઈન ફોન આવ્યાં તો એમાં ય હેશની હાજરી હતી. મોબાઈલ ફોન આવ્યાં તો એમાં ય હેશની હાજરી વગર ચાલે તેમ ન હતું. સર્વિસ પ્રોવાઈડર કંપનીઓએ સૌપ્રથમ વિશ્વભરના ગ્રાહકોનો પરિચય હેશ સાથે કરાવ્યો. બેલેન્સ ચેક કરવા સ્ટાર પછી આટલા-આટલા નંબર અને અંતે હેશ, એવી રેકર્ડ વગાડી વગાડીને લોકોને હેશ પ્રેસ કરતા કર્યા!

છેક 2007 સુધી લોકો માટે હેશનું મહત્વ આવા વિવિધ બેલેન્સ ચેક કરવા પૂરતું કે અમુક મોબાઈલ સેવાઓ એક્ટિવ કરવા પૂરતું હતું. કમ્પ્યુટર એન્જિનિયરો માટે તેનો ઉપયોગ પ્રોગ્રામિંગમાં હતો અને કમ્પ્યુટર પ્રોગ્રામમાં કનેક્ટિવિટીની જવાબદારી હેશના ખભે હતી છતાં તેના શિરે યુનિટીના સિમ્બોલનું બિરૂદ મળવાને વાર હતી.

એ બિરૂદ આખરે કમ્પ્યુટર અને કોમ્પ્યુનિકેશન એમ બંને ક્ષેત્રના જાણકાર ક્રિસ્ટોફર મેસિનાએ એક ટ્વીટથી જ આપી દીધું! ક્રિસની એક ટ્વીટે વર્ષોથી પ્રોગ્રામિંગમાં કનેક્ટિવિટીનો પર્યાય બનેલા હેશના સિમ્બોલને વિશ્વભરમાં સોશિયલ નેટવર્કમાં કનેક્ટિવિટીનો પર્યાય બનાવી દીધો. કમ્પ્યુટરના જાણકાર હોવાના નાતે ક્રિસને એ વાતની બરાબર ખબર હતી કે હેશનો ઉપયોગ સોશિયલ મીડિયામાં યુઝર્સની કનેક્ટિવિટી માટે કેટલો અસરકારક નીવડશે.  શબ્દ કે વાક્યની આગળ સ્પેસ છોડયા વગર હેશ (#)નો સિમ્બોલ મૂકીએ તેને હેશટેગ કહેવાય છે, એટલી જાણકારી તો હવે જગતભરના સોશિયલ મીડિયા યુઝર્સને છે. છતાં આજેય હેશટેગ એક કળા જ ગણાય છે.

ઘણાં યુઝર્સ એક જ વાક્યમાં ઘણાં બધા હેશટેગ મૂકીને ગૂંચવણ ઉભી કરે છે. તો ઘણાં યુઝર્સ હેશટેગ માટે યોગ્ય શબ્દની પસંદગી કરતા નથી એટલે પણ એ ટોપિક ચર્ચાસ્પદ બનતો નથી. તો કેટલાક યુઝર્સ પ્રોપર સ્પેસ મૂકતા નથી એટલે જ હેશટેગ બેઅસર બને છે. એથી જુદું કેટલાક યુઝર્સ સમયસર, યોગ્ય વિષય અને યોગ્ય શબ્દને પસંદ કરે છે એટલે ક્યારેક દેશમાં તો ક્યારેક વિશ્વમાં ટ્રેન્ડ ક્રિએટ કરવામાં કારણભૂત બને છે. હવે વિશ્વભરના યુઝર્સ મળીને દરરોજ 50 કરોડ ટ્વીટ કરે છે અને એમાંથી 30 કરોડ ટ્વીટ્સ વિવિધ હેશટેગ મૂકીને થાય છે. બીજાં અર્થમાં કહીએ તો દરરોજ હેશટેગનો સિમ્બોલ 25થી 30 કરોડ ટ્વીટ્સને ચોક્કસ વિષય સાથે જોડવાનું કામ કરે છે.

એમાંથી વિશ્વભરમાં વિવિધ ટ્વિટર ટ્રેન્ડ્સ બને છે. વિવિધ વિષયોની ઓનલાઈન ચર્ચામાં કોણે, કેટલું અને શું કહ્યું એ હેશટેગના કારણે એક જ ક્લિકથી જાણી શકાય છે. સોશિયલ મીડિયામાં લોગેસ્ટ હેશટેગનો પણ વિક્રમ બન્યો છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં પૌલ હોર્નર નામના યુઝરના નામે 345 કેરેક્ટરના હેશટેગનો વિક્રમ નોંધાયો છે! પરંતુ એ રેકોર્ડ ટ્વિટર ઉપર નહીં, પણ અન્ય કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર હતો. ટ્વિટર પછી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિતના પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ હેશટેગની સુવિધા ઉમેરાઈ. માર્કેટિંગના દૃષ્ટિકોણથી પણ હેશટેગનું મહત્વ વધ્યું છે. પ્રોડક્ટને ચર્ચામાં લાવવા જે તે ટ્રેન્ડ માટે તમામ પ્લેટફોર્મ ઉપર હેશટેગની ઝુંબેશ ચલાવાય છે. ‘હેશટેગ’ શબ્દની વધતી લોકપ્રિયતા જોઈને 2014માં ઓક્સફર્ડ ડિક્સનરીમાં હેશટેગનો સમાવેશ થયો હતો.
-હરિત મુનશી

Most Popular

To Top