કેટલાક બનાવો , પ્રસંગો યોગાનુયોગ સાથે બનતા હોય છે,પણ એની અસરો દૂરગામી થાય છે.આપણે બનાવને ખરાબ માનીને ચાલીએ પણ ખરેખર તો બીજા એંગલથી જોતાં તે સારી બાબત પુરવાર થાય એમ પણ બને.થોડા વખત પહેલાં સુરતમાં એક જ દિવસે બે જુદી જુદી ઘટનાઓ બની.એમાં શ્રી રાહુલ ગાંધી પર આરોપિત એક બદનક્ષી કેસનો ચુકાદો.જેને લીધે સુરતે દેશભરમાં અનેક પ્રકારના રાજકીય ભાવ પ્રતિભાવો ,આઘાત પ્રત્યાઘાત અને વમળો પેદા કર્યાં. અહીં લોકો માટે આશ્ચર્યકારક અને સરકાર માટે થોડીક ચિંતાની વાત એ બની કે ત્રણ ત્રણ રાજ્યોના મુખ્ય મંત્રીઓ( કે ચૂંટણી ટાણે પણ એક સાથે નહોતા, )અનેક પ્રધાનો ,સંસદસભ્યો, ધારાસભ્યો અને કાર્યકરો ઉપરાંત કોંગ્રેસના ચાહકોએ અદ્ભુત એકતાનું કદાચ વરસો પછી પહેલી વાર પ્રદર્શન કર્યું.
આ ઘટના રાજકીય નજરે નાનીસૂની ન કહી શકાય. બીજી વાત ગુજરાતના ત્રણ સુપ્રસિદ્ધ સાહિત્યિક બહુમુખી પ્રતિભા અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વકતાઓ હતા,જેમાં એક સન્નારી પણ હતાં.તેમણે એક ઓડિટોરિયમમાં પ્રેરણાદાયક જીવનપુષ્પોની મહેક તેમના વક્તવ્યમાં પથરાવી.એમાં પ્રશ્નોત્તરીના દોરમાં સુરતના બનાવનો રાજકીય પ્રશ્ન પણ પૂછાયો, જે આમ તો આ કાર્યક્રમમાં ન હોઈ શકે.આમ છતાં પૂછાયો ત્યારે સરસ જવાબનો સંદર્ભ કંઈક એવો હતો કે પ્રજા કે પત્રકાર ભલે ટૂંકો અને ટચ, સીધો અને સરળ પ્રશ્ન પૂછે પણ એનો જવાબ મીઠી ભાષામાં, મૂળ સવાલને સાઈડ ટ્રેક કરીને પૂછનારને પણ ગમી જાય એવો જવાબ આપી શકે એ જ સફળ રાજકારણી બની શકે.બિલકુલ ખરી વાત. આ રાજકારણ એટલું સંકુલ અને વિવિધ આયામો ધરાવતું ક્ષેત્ર છે કે એમાં શું સત્ય છે એ શોધવું એ ઘાસની ગંજીમાં પડી ગયેલ સોયને શોધી કાઢવા જેવું કપરું કામ છે.
સુરત-પ્રભાકર ધોળકિયા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
સપનાં જુઓને તેને સાકાર કરવા
જે માણસ ભાવિનાં મધુર સ્વપ્નાં ઘડીને તેમાં નથી રાચતો તેની જિંદગી નકામી છે. સ્વપ્ન સેવવામાં પણ એક જાતનો આનંદ મળે છે. ભાવિનાં મધુર સ્વપ્નાં હૃદયમાં ઉલ્લાસ રેડે છે. કવિઓ સ્વપ્ન સૃષ્ટિમાં રાચે છે તેથી તો તેમનું જીવન સભર બને છે. વિજ્ઞાનની શોધો કરનાર પણ ભાવિ શોધોનાં સ્વપ્નાં જ સેવે છે. આદર્શઘેલો પ્રત્યેક યુવાન દિવા સ્વપ્નામાં તલ્લીન બને છે. આ સ્વપ્નાંનું બીજું નામ આશા અથવા આકાંક્ષા છે. આશા તંતુને સહારે તો જીવન ટકે છે ને જીવવા જેવું લાગે છે. જે આશા ખોઈ બેસે છે તે મૃત:પ્રાય બને છે. પરંતુ માત્ર સ્વપ્ન સેવવાથી જ જીવન સફળ થતું નથી. જે સ્વપ્ન વ્યકિતને કાર્યરત ન બનાવે અને તે સિધ્ધ કરવા માટે પ્રચંડ પુરુષાર્થ કરવાની પ્રેરણા ન આપે તે સ્વપ્ન નકામું છે. તો સ્વપ્નાં માત્ર પ્રેરણા આપે એટલું પણ પૂરતું નથી. સ્વપ્ન સેવન દ્વારા હૃદયમાં અને શરીરમાં શક્તિનું સિંચન થવું જોઈએ જેની મદદથી આપણે આપણાં સ્વપ્નાં સાકાર કરવા તનતોડ મહેનત કરી શકીએ.
બામણિયા- મુકેશ બી. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.