કુરુક્ષેત્રના મેદાનમાં મહાભારતના યુદ્ધનો પહેલો દિવસ હતો. પાંડવ અને કૌરવ સેના સામ-સામે લડવા તૈયાર ઊભી હતી. ભગવાન કૃષ્ણ સખા અર્જુનના રથના સારથિ બન્યા હતા. સામે ઊભેલી સેના જોઇને અર્જુનનાં ગાત્રો ઢીલાં પડવા લાગ્યાં. તેનું અંતર કંપવા લાગ્યું. હાથમાંથી ગાંડિવ સરકવા લાગ્યું. મન તીર તાકવા તૈયાર ન હતું. અર્જુને ઢીલા અવાજે કહ્યું, ‘‘મધુસૂદન, સામે જે શ્વેત વસ્ત્રોમાં સેનાપતિ છે તે મારા પૂજનીય પિતામહ છે. સામે મારા દેવતુલ્ય ગુરુ છે. સામે જે છે તે મારા પોતાના પિતરાઈ ભાઈઓ છે.
આ બધા જ મારા છે તો હું તેમની પર શસ્ત્ર કઈ રીતે ઉગામું?’’ કૃષ્ણે અર્જુનની સામે જોયું અને તેને ઢીલો પડતો જોઇને કૃષ્ણે કડક અવાજે કહ્યું, ‘‘પાર્થ, બાણ ચઢાવ!’’ અર્જુન બોલ્યો, ‘‘વાસુદેવ, સામે જે છે તે બધા જ મારા પોતાના છે.’’ કૃષ્ણ રથની નીચે ઊતર્યા અને બોલ્યા, ‘‘પાર્થ, જો બધા પોતાના છે તો તારી સામે કેમ છે?’’ અર્જુન કૃષ્ણનાં ચરણોમાં નમી પડ્યો અને બોલ્યો, ‘‘હું મારાં પોતાનાં સ્વજનોને નહિ મારી શકું. હું નહિ લડી શકું.’’ કૃષ્ણે કહ્યું, ‘‘પાર્થ, તારું કર્તવ્ય ધર્મની રક્ષા માટે લડવાનું છે. સત્યની સ્થાપના માટે તારે શસ્ત્ર ઉઠાવવાં જ પડશે.પાર્થ, આ બધાં સામે શસ્ત્ર લઈને ઊભાં છે એ બધાં તને પોતાનાં લાગે છે.
તારો એમની સાથે લોહીનો સબંધ છે પણ એવું છે તો તેઓ આમ લડવા સામે કેમ છે? મારા આ પ્રશ્નનો જવાબ આપ.પાર્થ, સાંભળ, જે તારા સત્યને સમજે છે.તારા હકને માન આપે છે. જે તારા ધર્મને જાણે છે અને જે તારી તકલીફોમાં તારી સાથે તે તારા પોતાનાં છે. બાકી જીવનમાં એવા કઠીન પડાવ આવે છે જ્યારે સામે ઊભેલા ચહેરા જાણીતા અને પોતાના લાગે છે પણ તેમના ઈરાદા સારા નથી હોતા. પાર્થ, સબંધો લોહીથી નહિ કર્મ અને સત્યથી બંધાય છે, જે ધર્મ અને સત્યની લડાઈમાં તારી સાથે છે તે તારા છે અને સામે છે તે ભલે સંબંધી હોય પણ તારા પોતાનાં નથી.’’ સંબંધોના મર્મ અને અર્થ માટે આટલું સમજાવી કૃષ્ણે અર્જુનને અમર ગીતા ઉપદેશ આપ્યો અને વિરાટ સ્વરૂપનાં દર્શન કરાવી અનન્ય સમજ આપી ધર્મસ્થાપના માટે લડવા તૈયાર કર્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.