મનુષ્ય પળે પળે હું અને મારુંનો શબ્દ પ્રયોગ કરતો રહે છે. તેમ છતાં તેને પૂછવામાં આવે કે હું બોલનાર આપ કોણ છો? તો આપણને તેના તરફથી તેના નામ, સંબંધ, અટક, વ્યવસાય હોદ્દો વગેરેનો જવાબ મળે છે, પરંતુ આ બધી બાબતો કાયમ નથી રહેતી. પ્રકૃતિના પાંચ તત્વોનું બનેલું શરીર ચૈતન્ય તત્વ વિના કશાય કામનું નથી અને તે તત્વથી લાંબા સમય સુધી ટકે છે. ચૈતન્ય તત્વ સાથેનું માનવતંત્ર અને યંત્ર કલ્પના ન કરી શકાય તેવું વિચિત્ર રીતે ચાલતું જ રહે છે. તેને લીધે મનુષ્યે બેપરવાઈ બતાવી તે શરીરનું સંચાલન કરનાર ચૈતન્ય સત્તાને ધીમે-ધીમે ભૂલતો ગયો. પરિણામ એ આવ્યું કે પોતાના શરીર અને તેના સંબંધ, વ્યવસાય, નામ, અટક વગેરેને ‘હું સમજવા લાગ્યો. એટલું જ નહિ પરંતુ માનવ પોતાને-માનવને પણ ભૂલી ગયો.
જેને તે ખોટી રીતે ‘હું’સમજે છે તેમાંથી મારાપણાનો ભાવ જન્મયો છે. આ ભાવ પાછળ દેહનું અભિમાન અને તેને પોષવામાં મદદરૂપ કામ, ક્રોધ, લોભ અને મોહ જવાબદાર છે. મનુષ્ય જેને હું સમજે તે તો હાલતું-ચાલતું શરીર વિનાશી છે. તો પછી તેવા શરીર સાથે સંબંધ ધરાવનાર તત્વ પણ તેટલા જ વિનાશી છે તેમ છતાં મનુષ્યનો સમગ્ર વ્યવહાર મારાપણામાં વિશેષ વણાતો જાય છે. ખુદ પોતાની જાતને પણ મારાપણાની જાળમાં ફસાવી દે છે. મારું-મારું તેને વારંવાર માર ખવડાવે છે. તેમ છતાં તેનું મન એ બધામાં લલચાય છે.
ખરેખર હું ‘આત્મા’ અવિનાશી સત્તા છું અને મારું બધું જ વિનાશી છે. અને અનેક બંધનો પેદા કરનારું છું. ‘હું’ બીજ છું. અને ‘મારું’ વિકાસ, વિસ્તાર, અને વૃદ્ધિ છે મારુંનો મહિમા કરતાં-કરતાં હું ની મોટાઈ અને મહત્ત્વ અદૃશ્ય થઈ ગઈ. મારુંનું ગાયન કરતાં કરતાં હું ના ગુણો ઢંકાઈ ગયા. બાળકને જ્યાં સુધી ભાષા આવડતી નથી ત્યાં સુધી તે ગમે તેમ કરીને તે હું ને રજૂ કરવા મથે છે. તેને ભાષા શીખવાડો તો ‘મારું, મારી, મારા, મારો.. બધુ યાદ કરવા લાગ્યો અને હું ભૂલાઈ ગયો. બાળકો ‘હું એમ આઈ’ (who am i) ની જે રમત રમે છે તે પણ દેહના સંબંધોને ધ્યાનમાં લઈને જ. એ ઉપરથી સ્પષ્ટતા થાય છે કે સાચા હું ની પરવાહ નથી અને મનુષ્યોની મારાપણાની ફિકર વધતી જાય છે.
આ ભૂલને કોઈ મનુષ્ય સુધારી શકે નહિ. જો કેવળ ભાષા-બોલ સુધરી જાય તો પણ ઘણું સુધરી જાય. જેમ કોઈ સંસ્કારી માતા અવળે રસ્તે ચડેલા બાળકને યોગ્ય માર્ગ પર લાવી શકે છે, તેમ પરમાત્મા માતા બની આ કાર્ય કરે છે. તે આવા બાળકોને મારું ભૂલાવી હું ની ભાષા શીખવે છે. તે યાદ કરાવે છે કે અર્જુન જેવા વિદ્વાનને પણ મારા ગુરુ, મિત્ર, સગા-સંબંધી વગેરેને યાદ કરવાથી વિષાદ જન્મ્યો હતો. મારું-મારું કરતાં તેની ફરજ બજાવવા પણ તૈયાર ન હતો. જ્યારે તે મારું ભૂલીને હું ને બરાબર સમજયો ત્યારે તેના બધા જ બંધનો કપાઈ ગયા અને ધર્મયુદ્ધ કરવા તૈયાર થયો. કોઈપણ કાર્ય કરવામાં ‘સ્વામીત્વભાવ’ જન્મે તે પણ મોટું બંધન છે. ખરેખર જરૂરી તો છે ‘નિમિત્તભાવ’ સમજવાની.
‘હું’ને આપણે એક નાનકડાં દૃષ્ટાંતથી સમજવાનો પ્રયત્ન કરીએ. એક સાધુને કેટલાંક મિત્રોએ જિજ્ઞાસા ભાવથી પૂછયું, કે હે સાધુ મહારાજ, જો દુષ્ટ લોકો આપની ઉપર અચાનક હુમલો કરે તો તમે તે સમયે શું કરશો? સાધુ મહારાજે ઉત્તર આપ્યો જો એવી ઘટના ઘટે તો હું મારા ભીતરના મજબૂત કિલ્લામાં જઈને બેસીશ. આ વાત સાધુના શત્રુઓના કાને પહોંચી. તેમણે તે સાધુને નિર્જન સ્થળે ઘેરી લીધા અને પૂછયું બોલ, તારો તે મજબૂત કિલ્લો ક્યાં છે?’’ સાધુએ હસીને પોતાનાં હૃદય પર હાથ રાખીને કહ્યું, આ છે મારો મજબૂત કિલ્લો. જે ભીતર (આત્મા)નો અકબંધ કિલ્લો છે જેની ઉપર કોઈ હુમલો કરી શકે નહિ.
શરીરનો તો નાશ કરી શકાય પણ જે તેની ભીતરમાં છે તે માર્ગને જાણવા, પામવામાં મારી સુરક્ષા છે. હું સર્વશક્તિવાન, અવિનાશી, પારલૌકિક, પરમપિતા પરમાત્માનું ચૈતન્ય અવિનાશી સંતાન- ‘આત્મા’ છું એ નિરંતર યાદ રહે અને નિમિત્ત ભાવથી મન-વચન વગેરેના કર્મોમાં બુદ્ધિ પરોવાયેલી રહે એ જરૂરી છે. તેને લીધે ‘મારું’ તો મટી જશે એટલું જ નહિ તે સતાવશે પણ નહિ. અને હું એટલે ‘આત્મા’ વ્યવહારમાં આત્મિકભાવથી કર્મો કરતાં સાચી મનની શાંતિ, સુખ, આનંદ, પવિત્રતા અનુભવ કરતી થશે. એટલે ‘હું કોણ’ અને ‘મારુ શું છે’ એ યર્થાથરૂપે સમજાતું રહેશે. જે અંતિમઘડીના ‘નષ્ટ મોહા: સ્મૃતિ ર્લબ્ધા’ ના માનવીય પરીક્ષાનાં પેપરમાં પાસ થવા ખૂબ જ ઉપયોગી બની રહેશે.