SURAT

પોલીસ પરીક્ષાની તૈયારી કરતા સુરતના બે યુવકોએ ગાર્ડનમાં બેઠેલા યુવાનોને ધમકાવી તોડ કર્યો

સુરત: પાલ વિસ્તારમાં ગઈકાલે સાંજે પોલીસ પરીક્ષા સહિત વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા બે જણાએ ગાર્ડનમાં બેઠેલા કેટલાક યુવકોને ગાંજાનું સેવન કરો છો તેમ કહીને ધમકાવી પોતે પોલીસ તરીકેની ઓળખ આપી 3 હજાર પડાવ્યા હતા. પાલ પોલીસે બોગસ પોલીસ બનેલા બંને યુવકો સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે.

  • પોલીસ પરીક્ષાની તૈયારી કરતા બે યુવાનોએ બોગસ પોલીસ બનીને પાલનપુર ગાર્ડનમાં બેઠેલા યુવકો પાસેથી 3 હજાર ખંખેરી લીધા
  • અહીં બેસી ગાંજો પીવો છો, એમ કહી તોડ કર્યો
  • બંને હજી તો પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં હતા અને તે પહેલાં જ લોકોને ખંખેરવા માંડ્યા

પાલનપુર જકાતનાકા ખાતે વૃંદાવન સોસાયટીમાં રહેતા 24 વર્ષીય ભાવેશ ગોવિંદભાઈ બરોડીયાએ પાલ પોલીસ સ્ટેશનમાં સાનીલ કમલેશકુમાર કઠોરવાલા (ઉ.વ.28) અને દિપક નાનજીભાઈ બારીયા (ઉ.વ,.27 બંને રહે.પાલનપુર જકાતનાકા) ની સામે ફરિયાદ નોંધાવી છે. ભાવેશ પોતે રત્નકલાકાર છે.

તે ગઈકાલે સાંજે તેના મિત્ર હર્ષ ગાંધી, ધ્રુવ ટેલર, સાગર પાટીલ અને બીજા મિત્રો સાથે પાલનપુર ખાતે આવેલા ગાર્ડનમાં ફરવા માટે ગયો હતો. બધા ગાર્ડનમાં બેઠેલા હતા ત્યારે બે અજાણ્યા ખાનગી કપડામાં આવ્યા હતા. અને આવીને અમે પાલ પોલીસ સ્ટેશનમાં ડિ-સ્ટાફમાં છીએ, અહીંયા કેમ બેઠા છો? ગાંજાનું સેવન કરો છો… ચાલો પાલ પોલીસ સ્ટેશનમાં તેમ કહીને ધમકાવતા બધા યુવકો ગભરાઈ ગયા હતા.

ભાવેશે અજાણ્યાઓને પોતે કોઈ ગુનો કર્યો નથી પોલીસ સ્ટેશન કેમ આવીએ ? તેમ કહેતા બંનેએ આ બધુ તપાવવા પૈસાની માંગણી કરી હતી. પરંતુ ભાવેશે આઈકાર્ડ માંગતા તેઓએ કાર્ડ બતાવ્યો નહોતો. અને તેમની પાસેથી 3 હજાર કઢાવી લીધા હતા. તેમનું નામ પૂછતા એ કે પોતે દિપક બારીયા અને બીજો સાનીલ કઠોરવાલા હોવાનું અને બંને કોન્સ્ટેબલ હોવાનું કહ્યું હતું.

આ વખતે ભાવેશના મિત્રએ બંનેનો વિડીયો ઉતારી લીધો હતો. બાદમાં તેઓ પોલીસ નહીં હોવાની જાણ થતા પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરતા જાણવા મળ્યું છે કે, બંને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. સાનીલે તો એક વખત પોલીસ પરીક્ષા આપી છે. પોલીસની પરીક્ષા આપતા પહેલાં જ આ યુવાનોએ નિર્દોષ યુવાનોને ધમકાવવાનું અને નાણાં પડવવાનું કારસ્તાન કરી નાંખ્યું.

Most Popular

To Top