નડિયાદ: વસો તાલુકાના બામરોલી ગામમાં રહેતાં અને વસો પોલીસમથકમાં જી.આર.ડી સભ્ય તરીકે ફરજ બજાવતાં યુવકે પોતાની પત્નિ સાથે નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં જી.આર.ડી સભ્યએ પોતાની પત્નીનું માથું દિવાલમાં પછાડ્યું હતું. તેમજ પેટ અને પીઠના ભાગે લાતો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પરિણીતાની ફરીયાદને આધારે વસો પોલીસે જી.આર.ડી સભ્ય અને તેના પિતા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વસો તાલુકાના ખાંધલી ગામમાં રહેતાં ડાહ્યાભાઈ મોરારભાઈ રોહિતની પુત્રી રશ્મિકાબેનના લગ્ન અઢી વર્ષ અગાઉ બામરોલી ગામમાં રહેતાં સંજયભાઈ ગીરીશભાઈ રોહિત સાથે થયાં હતાં. લગ્ન બાદ બે વર્ષ સુધી પતિ સંજયે પોતાની પત્નિ રશ્મિકાબેન સાથે સારો વ્યવહાર રાખ્યો હતો. છ માસ અગાઉ સંજયને વસો પોલીસમથકમાં જી.આર.ડી તરીકે નોકરી મળી હતી. જે બાદ તેનો સ્વભાવ બદલાઈ ગયો હતો અને તે અવારનવાર પત્નિ રશ્મિકાબેન ઉપર રોફ જમાવવા લાગ્યો હતો. તેમજ સસરાં ગીરીશભાઈ પણ અવારનવાર રશ્મિકાબેન સાથે ઝઘડાં કરી ત્રાસ ગુજારતાં હતાં. જોકે, ઘરસંસાર બગડે નહી તે માટે રશ્મિકાબેન મુંગા મોઢે ત્રાસ સહન કરતાં હતાં.
ગત તા.૧૭-૭-૨૧ ના રોજ વહેલી સવારે ઘરેથી નીકળેલો સંજય મોડી સાંજે ઘરે પરત ફર્યો હતો. જેથી તેઓ આખો દિવસ ક્યાં ગયાં હતાં તે જાણવા માટે રશ્મિકાબેને પોતાના પતિ સંજયને પ્રશ્ન પુછ્યો હતો. જેથી સંજય એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નિ રશ્મિકાના વાળ પકડી માથું દિવાલમાં પછાડી ઈજા પહોંચાડી હતી. આ ઝઘડા બાદ બાઈક લઈને લટાર મારવા નીકળેલો સંજય મોડી રાત્રે ઘરે પરત ફર્યો હતો. તે વખતે પોતાની પત્નિ રશ્મિકાબેનને ભર ઉંઘમાંથી જગાડી જમવાનું માંગ્યું હતું.
જે તે વખતે રશ્મિકાબેને જમવાનું કાઢી આપવાની ના પાડતાં સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નિ રશ્મિકાબેનને ગડદાપાટુનો મારમારી જમીન પર પછાડી હતી. જે બાદ તેણીના પીઠ તેમજ પેટના ભાગે લાતો મારવા ફરી વળ્યો હતો. પતિ દ્વારા આપવામાં આવતાં અસહ્ય ત્રાસથી કંટાળેલા રશ્મિકાબેન પોતાના ભાઈને બોલાવી પિયર ચાલ્યાં ગયાં હતાં. એક દિવસ બાદ રશ્મિકાબેનને પેટ તેમજ માથામા દુખાવો ઉપડ્યો હતો. જેથી સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. આ બનાવ અંગે રશ્મિકાબેને ફરીયાદ આપી છે.