કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ દ્વારા હમણાં બહારની કઇ સૂર્યમાળાને શોધી કાઢવામાં આવી? કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ દ્વારા હમણાં બહારની સૂર્યમાળા ‘TOI 561’ ને શોધી કાઢવામાં આવી છે. આ સૂર્યમાળામાં ‘TOI 561 B’, ‘TOI 561 C’ અને ‘TOI 561 D’ ગ્રહો હોવાનું જણાયું છે. ‘TOI 561 B’ કેવો ગ્રહ જણાયો? તે ગરમ અને ખડક સ્વરૂપ સપાટી ધરાવતો ગ્રહ જણાયો. તે આપણી પૃથ્વી કરતાં દોઢ ગણું વધારે કદ ધરાવતો જણાયો. આ ગ્રહ અત્યાર સુધી શોધવામાં આવેલા તમામ ગ્રહોમાં જૂનામાં જૂનો ‘સુપર પૃથ્વી’ જેવો ગ્રહ જણાયો હતો. આ સિવાય તે સૂર્યમાળાના બીજા કયા ગ્રહની શોધને સુનિશ્ચિત કરવામાં આવી? તે સૂર્યમાળાના અન્ય એક ગ્રહ ‘TOI 561 C’ની શોધને પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.
આ ગ્રહને ‘ટ્રાન્ઝીટ’ પધ્ધતિનો ઉપયોગ કરીને શોધવામાં આવ્યો હતો. જયારે આ ગ્રહ ‘TOI 561 C’ તેના સંબંધિત સૂર્ય ‘TOI 561’ ની આસપાસની ગતિને આધીન હોય ત્યારે તેનું તેના સંબંધિત સૂર્યથી મહત્તમ અંતર ૧ લાખ ૬૫ હજાર કિ.મી. હોય છે. ગ્રહ સંશોધન માટે આ અગાઉ કૃત્રિમ ઉપગ્રહ ‘કેપ્લર’ને તરતો મૂકવામાં આવેલો પણ ‘કેપ્લર’ કૃત્રિમ ઉપગ્રહમાં અશ્મિ બળતણનો જથ્થો પૂરો થઇ જવાને આરે હોઇ, તેની જગ્યાએ કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ને બહારની સૂર્યમાળાના ગ્રહોને શોધવા માટે અવકાશમાં રવાના કરવામાં આવ્યો હતો.
આ ‘ટેસ’ કૃત્રિમ ઉપગ્રહ આપણી પૃથ્વીથી ૩૦૦ પ્રકાશવર્ષ દૂરની સૂર્યમાળાઓમાં ઝાંકીને તેના ગ્રહો વિશે માહિતી મેળવી શકે છે. આ માટે તે ‘ટ્રાન્ઝીટ’ પદ્ધતિનો સહારો લે છે. આ ‘ટેસ’ પર કાર્યરત વિજ્ઞાનીઓને આશા છે કે તે પોતાની અંદર શ્રેણીબધ્ધ કેમેરાઓની રચના ધરાવતો હોઇ, તે બહારની સૂર્યમાળાઓમાં રહેલા ‘સુપર પૃથ્વી’ જેવા ગ્રહોને શોધી કાઢશે, એવા ગ્રહો કે જેઓ આપણી પૃથ્વીના દળ કરતાં વધારે દળ ધરાવતાં હોય. વર્ષ ૨૦૧૮ માં અવકાશમાં તરતો મુકાયા પછી આ ‘ટેસે’ બહારની સૂર્યમાળાઓના ગ્રહોને શોધવાનું કાર્ય શરૂ કરી દીધું છે. તો ચાલો, આ વિશેની રોમાંચક વાતોને જાણીએ!
- વિજ્ઞાનીઓએ ૧૦ અબજ વર્ષ જૂની પોતાનામાં વિવિધ ગ્રહો ધરાવતી સૂર્યમાળા શોધી કાઢી
અમેરિકાની ‘નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડટમિનિસ્ટ્રેશન’ નાસા દ્વારા અવકાશમાં મુકાયેલા ‘ટ્રાન્ઝીટીંગ એકસો પ્લેનેટ સર્વે સેટેલાઇટ’ (ટેસ-TESS) કૃત્રિમ ઉપગ્રહ દ્વારા આપણી ‘મિલ્કી વે ગેલેકસી’માં એક સૂર્યમાળા ‘TOI 561’ શોધી કાઢવામાં આવી છે. આ સૂર્યમાળા આપણી ‘મિલ્કી વે ગેલેકસી’માં રહેલી અત્યાર સુધીની જૂનામાં જૂની સૂર્યમાળા છે. આ તારા પ્રણાલીનો સૂર્ય ‘TOI 561’ એક તેજસ્વી તારો છે. આ સૂર્યમાળા આપણી પૃથ્વીથી ૨૮૦.૫ પ્રકાશ વર્ષ દૂર આવેલી છે એટલે કે આપણા સૂર્યમાંથી નીકળેલા પ્રકાશને તે સૂર્યમાળા સુધી પહોંચતા આપણી પૃથ્વીના ૨૮૦ વર્ષ અને ૬ મહિના થાય છે! આ સૂર્યમાળાના સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરતા ત્રણ ગ્રહો ‘TOI 561 B’, ‘TOI 561 C’ અને ‘TOI 561 D’ જોવા મળ્યા છે. આ સૂર્યમાળા અત્યાર સુધીની સૌથી જૂનામાં જૂની સૂર્યમાળા છે એમ જણાયું છે. આ સૂર્યમાળાના ગ્રહો તેમના ભોંયતળિયે ખાસ કોઇ ધાતુઓ ધરાવતા જણાયા નથી.
- આ સૂર્યમાળાનો ગ્રહ ‘TOI 561 B’ મિલ્કી વે ગેલેકસીનો ગરમ અને ખડક સ્વરૂપ ગ્રહ છે
આપણી સૂર્યમાળા સિવાયની બહારની બીજી કોઇ સૂર્યમાળામાં રહેલા ગ્રહને ‘એકસો પ્લેનેટ’ કહેવામાં આવે છે. આ ગ્રહ ‘TOI 561 B’ ગરમ અને ખડક સ્વરૂપ સપાટી ધરાવતો ગ્રહ છે. ‘TOI’નું વિસ્તૃત સ્વરૂપ’ ટેસ ઓબ્જેકટ્સ ઓફ ઇન્ટરેસ્ટ’ એવું થાય છે. આ ગ્રહ ‘TOI 561 B’ એ આપણી પૃથ્વી કરતાં દોઢ ગણું વધારે કદ ધરાવે છે. તેનું દળ આપણી પૃથ્વીના દળ કરતાં ત્રણ ગણું વધારે છે. પરંતુ તે ગ્રહની ઘનતા આપણી પૃથ્વીની ઘનતા જેટલી જ છે. આ ગ્રહ તેના સંબંધિત સૂર્યની આસપાસ એક પરિભ્રમણ પૂરું કરવામાં ૨૪ કલાકથી પણ ઓછો સમય લે છે. આ ગ્રહની વિશિષ્ટતાને કારણે તેનો ‘સુપર અર્થ’ (સુપર પૃથ્વી) તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
- આ શોધ શા માટે મહત્ત્વની શોધ છે?
આ ગ્રહ ‘TOI 561 B’ અત્યાર સુધી શોધવામાં આવેલા તમામ ગ્રહોમાં જૂનામાં જૂનો ગ્રહ છે. આ ગ્રહની મોજૂદગી એમ સૂચવે છે કે આપણું બ્રહ્માંડ જયારથી ૧૪૦૦ કરોડ વર્ષો પહેલાં તેની રચના થઇ હતી ત્યારથી જ તે પોતાનામાં આવા ખડક સ્વરૂપ (ટેરેસ્ટ્રીઅલ) ગ્રહોનું નિર્માણ કરતું રહ્યું છે.
- કેવા ગ્રહોને ‘એકસો પ્લેનેટ’ કહેવાય?
આપણી સૂર્યમાળા સિવાયની બહારની બીજી કોઇ સૂર્યમાળાના ગ્રહને ‘એકસો પ્લેનેટ’ કહેવામાં આવે છે. આ ‘એકસો પ્લેનેટ’ પણ તેમના સંબંધિત સૂર્યની આસપાસ તેમના નિશ્ચિત પરિભ્રમણ માર્ગમાં પ્રદક્ષિણા કરે છે. જો કે કેટલાક મુકત રીતે પરિભ્રમણ કરતા બાહ્ય ગ્રહો પણ હોય છે જેઓ જે ગેલેકસીમાં તેઓ રહેલા હોય, તે ગેલેકસીના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે.
- ‘સુપર અર્થ’ કેવા ગ્રહો છે?
આ ‘સુપર અર્થ’ (સુપર પૃથ્વી) એ આપણી સૂર્યમાળા સિવાયની બહારની સૂર્યમાળાના એવા ગ્રહો છે, જેઓ આપણી પૃથ્વી કરતાં વધારે દળદાર હોય પણ તેઓ આપણી સૂર્યમાળાના સાતમા ગ્રહ નેપ્ચ્યુન અને આઠમા ગ્રહ યુરેનસ કરતાં ઓછું દળ ધરાવે છે. ‘સુપર પૃથ્વી’ જેવા ગ્રહો આપણી પૃથ્વીના કદ (સાઇઝ) કરતાં બે ગણું વધારે કદ ધરાવતા હોય અને તેમનું દળ આપણી પૃથ્વીના દળ કરતાં દસ ગણું વધારે હોય.
- બહારની સૂર્યમાળાનો તે ગ્રહ ‘ TOI 561 B’ કેવોક ગ્રહ છે?
બહારની સૂર્યમાળાનો તે ગ્રહ ‘TOI 561 B’ એ એક ‘સુપર પૃથ્વી’ જેવો ગણાય છે. તે ગ્રહ તેના ‘જી’ ટાઇપના તારા (સૂર્ય)ની આસપાસ પ્રદક્ષિણા કરે છે. આ ગ્રહ ‘TOI 561 B’ તેના સૂર્યની આસપાસની એક પ્રદક્ષિણા આપણી પૃથ્વીના ૯ કલાક ૩૬ મિનિટમાં પૂરી કરે છે. આ ગ્રહની શોધની જાહેરાત વર્ષ ૨૦૨૦ માં કરવામાં આવી હતી. તેનું કદ (સાઇઝ) આપણી પૃથ્વીના કદ કરતાં બે ગણું છે. આ ગ્રહના અતિ ઊંચા તાપમાનને કારણે ત્યાં કોઇ પ્રકારની જીવસૃષ્ટિ હોવાનું અસંભવ જણાય છે. આ ગ્રહ ‘TOI 561 B’ તેના સંબંધિત સૂર્ય ‘TOI 561 ’ થી સરેરાશ ૦.૦૧૦૫૫ AU (એસ્ટ્રોનોમિકલ યુનિટ) દૂર રહેલો છે જયાં ૧ AU એટલે આપણી પૃથ્વીનું આપણા સૂર્યથી સરેરાશ અંતર. યાદ કરીએ આપણી પૃથ્વીનું તેના સૂર્યની આસપાસના પરિભ્રમણ દરમ્યાન સૂર્યથી લઘુતમ અંતર ૧૪ કરોડ ૭૦ લાખ કિ.મી. છે. જયારે મહતમ અંતર ૧૫ કરોડ ૨૦ લાખ કિ.મી. છે.
- આ સૂર્યમાળા ‘TOI 561’ ના ગ્રહ ‘TOI 561 C’ની શોધને પણ સુનિશ્ચિત કરવામાં આવી
આ સાથે આ સૂર્યમાળાના ગ્રહ ‘TOI 561 C’ની શોધને પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી. આ ગ્રહ તેના સંબંધિત સૂર્યની આસપાસનું એક પરિભ્રમણ આપણી પૃથ્વી પરના ૧૦ દિવસ ૧૮ કલાક ૪૦ મિનિટમાં પૂરું કરે છે. આ ગ્રહને ‘ટ્રાન્ઝીટ’ પધ્ધતિની મદદથી શોધવામાં આવ્યો હતો. જયારે આ ગ્રહ ‘TOI 561 C’ તેના સંબંધિત સૂર્યની આસપાસના પરિભ્રમણને આધીન હોય ત્યારે તેનું તેના સંબંધિત સૂર્યથી મહત્તમ અંતર ૧ લાખ ૬૫ હજાર કિ.મી. હોય છે.
- જેણે આ સૂર્યમાળા ‘TOI 561’ અને તેના ગ્રહોની શોધ કરી છે, તે ટ્રાન્ઝીટીંગ એકસો પ્લેનેટ સર્વે સેટેલાઇટ’ કેવોક કૃત્રિમ ઉપગ્રહ છે?
અમેરિકાની ‘નેશનલ એરોનોટીકસ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન’ (નાસા) દ્વારા વર્ષ ૨૦૧૮ માં ‘ટ્રાન્ઝીટીંગ એકસો પ્લેનેટ સર્વે સેટેલાઇટ’ (TESS – ટેસ) કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. તેને આપણા સિવાયની બહારની સૂર્યમાળાઓ અને તેમના ગ્રહો શોધવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ પહેલાં માર્ચ ૦૬, ૨૦૦૯ માં આવા જ હેતુથી ‘કેપ્લર’ કૃત્રિમ ઉપગ્રહને તરતો મૂકવામાં આવ્યો હતો પણ પછી તે ‘કેપ્લર’ કૃત્રિમ ઉપગ્રહમાં અશ્મિ બળતણનો જથ્થો પૂરો થવાને આરે હોઇ તે કૃત્રિમ ઉપગ્રહને પૃથ્વી પર પરત લાવવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ને પણ બહારની સૂર્યમાળાઓ અને તેમના ગ્રહોને શોધવાનું કામ સોંપવામાં આવેલું છે.
આ કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ બહારની સૂર્યમાળાઓ અને તેમના ગ્રહોને શોધવા માટે ‘ટ્રાન્ઝીટ’ પધ્ધતિનો ઉપયોગ કરે છે. ગ્રહની ‘ટ્રાન્ઝીટ’ શું છે? જયારે કોઇક ગ્રહ તેના ઉપવલયાકાર (લંબ ગોળાકાર) માર્ગમાં તેની પરિભ્રમણ ગતિને આધીન હોય ત્યારે તે ગ્રહના તેના સંબંધિત સૂર્યની આસપાસના પરિભ્રમણને કારણે તે ગ્રહના તે સૂર્ય પર પડતા પડછાયાની લંબાઇમાં વધઘટ થાય છે, જેને તે ગ્રહની તેના સંબંધિત સૂર્યને સાપેક્ષ ‘ટ્રાન્ઝીટ’ કહેવામાં આવે છે. ગ્રહોની આવી ‘ટ્રાન્ઝીટ’નું અવલોકન કરીને બહારની સૂર્યમાળાઓના ગ્રહોને શોધવાનું હવે શકય બન્યું છે.
આ અગાઉ આ કામ માટે જે ‘કેપ્લર’ કૃત્રિમ ઉપગ્રહને અવકાશમાં રવાના કરવામાં આવ્યો હતો તે કેપ્લર ટેલિસ્કોપ આપણી પૃથ્વીથી ૩૦૦૦ પ્રકાશ વર્ષ દૂર રહેલી સૂર્યમાળાઓમાં ઝાંકવાની ક્ષમતા ધરાવતું હતું જયારે તેના મુકાબલે આ કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ આપણી પૃથ્વીથી ૩૦૦ પ્રકાશવર્ષ દૂર આવેલી સૂર્યમાળાઓમાં ઝાંકી શકે છે.
- વિજ્ઞાનીઓને આશા છે કે ‘ટેસ’ કૃત્રિમ ઉપગ્રહ સારી એવી સંખ્યામાં આવી ‘સુપર પૃથ્વીઓ’ને શોધી કાઢશે
આ ‘ટેસ’ પર કાર્યરત વિજ્ઞાનીઓને આશા છે કે આ કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસ’ પોતાની અંદર વધારે શકિતશાળી શ્રેણીબધ્ધ કેમેરાઓની રચના ધરાવતો હોઇ, તે બહારની સૂર્યમાળાઓમાંથી સારી એવી સંખ્યામાં આવી સુપર પૃથ્વીઓને શોધી કાઢશે. તે બહારની સૂર્યમાળાઓના એવા ગ્રહોને પોતના કેમેરાઓમાં ઝડપી લેવા માંગશે, જેઓ આપણી પૃથ્વીના દળ કરતાં વધારે દળ ધરાવતા હોય પણ તેઓ યુરેનસ અને નેપ્ચ્યુન ગ્રહની જેમ ગેસથી ભરેલા ગોળાઓ તો ન જ હોય! એપ્રિલ ૨૦૧૮માં અવકાશમાં તરતો મુકાયા પછી આ કૃત્રિમ ઉપગ્રહ ‘ટેસે’ બહારની સૂર્યમાળાઓ અને તેમના ગ્રહોને ઝાંકવાનું કામ શરૂ કરી જ દીધું છે.