જેમ અત્યારે “મોદી સરકાર” શબ્દ પ્રચલિત થયો છે, એમ ભૂતકાળમાં દેશના પ્રથમ વડા પ્રધાન જવાલાલ નહેરુથી લઈને છેલ્લે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ સુધી વ્યક્તિના નામે “સરકાર” શબ્દ પ્રચલિત થયો હોય તો બતાવજો. દેશ તો 2014માં આઝાદ થયો છે, એવું નિવેદન આપનાર જાણીતાં કંગનાબેને હમણાં પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરતાં એવું કહ્યું કે, દેશના પ્રથમ વડા પ્રધાન સુભાષચંદ્ર બોઝ હતા, એટલું જ નહીં તેમણે એવું પણ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલને અંગ્રેજી નહોતું આવડતું એટલે વડા પ્રધાન નહોતા બની શક્યા. કોંગ્રેસે તો ભ્રષ્ટાચારમાં પગ બોળ્યા હતા , જ્યારે ભાજપ સરકાર અત્યારે ભ્રષ્ટાચારમાં માથાબોળ છે. કોંગ્રેસના વખતનું ભ્રષ્ટાચારનું અળસિયું ભાજપના શાસનમાં અજગર બની ગયું છે. કોંગ્રેસના વખતે બહુચર્ચિત બોફોર્સ કાંડમાં 64 કરોડની “કટકી” ખવાઈ હતી, એવું કહેવાય છે. જ્યારે અત્યારે 300/350 કરોડ રૂપિયા કોઈ એક વ્યક્તિના ઘરેથી પકડાય છે.
ખુલ્લેઆમ કહેવાય છે કે ભાજપના કાર્યકર્તાઓને પહેલાં નોકરી મળવી જોઈએ. છાપરે (અખબારના પાને) ચઢીને કહેવામાં આવી રહ્યું છે કે, કોન્ટ્રાક્ટ જોઈતો હોય તો કમલમમાં કમિશન પહોંચાડવું પડશે. (પછી ભલે બ્લેકલિસ્ટ થયાં હોય.) કોંગ્રેસ જે ડરી ડરીને કરતું હતું એ ભાજપ હવે ખુલ્લેઆમ કરી રહ્યું છે. કાયદાને ઘોળીને પી જવું હોય કે કાયદાને ખિસ્સામાં લઈને ફરવું હોય તો ભાજપમાં જોડાઈ જાવ. “સૈયા ભયો કોતવાલ તો ફિર ડર કાહેકા.” જેવો ઘાટ છે. અત્યારે સામાન્ય સરપંચ અને કોર્પોરેટર પોતે વડા પ્રધાન હોય એમ સમજીને ફરે છે અને વડા પ્રધાન સ્વયંને દેશના રાજા અને વિશ્વગુરુ સમજીને ફરે છે. ભાજપમાં હોય એટલે જાણે ગમે તે બોલવાનો અને કરવાનો પરવાનો મળી જતો હોય એમ હમણાં પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી.
જીભ એવી લપસી કે માફી માંગતા પાર નથી આવતો. એક બાજુ ક્ષત્રિય સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવાની જીદ લઈને બેઠો છે, તો બીજી બાજુ પોતાના જિદ્દીપણા માટે અને અક્કડપણા માટે જાણીતી મોદી સરકાર ટિકિટ નહીં કેન્સલ કરવાની જીદ લઈને બેઠી છે. વોટ જ્યારે મોદીના નામે જ પડતાં હોય ત્યારે એકાદ ઉમેદવારને ખસેડવાથી ભાજપને શું ફરક પડે છે? જ્યારે ચૂંટણી જીતવાનાં બધાં જ હથિયારો અને હથકંડાઓ ભાજપ પાસે હોય ત્યારે એકાદ ઉમેદવારને આઘો પાછો કરવાથી પણ શું ફરક પડે છે? દેશની એ કમનસીબી છે કે, મોદી સરકારમાં ભ્રષ્ટાચાર જેમ ચરમસીમાએ છે, એમ કોમવાદ અને જ્ઞાતિવાદ પણ ચરમસીમાએ પ્રવર્તી રહ્યો છે.
સુરત – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પચાસની અંદરના વિધુરોની આંતર વ્યથા
ઘરભંગ થયેલાં હોય, માનસિક કજોડાનાં શિકાર થયેલાં હોય, અસાધ્ય રોગોના ભોગ બનેલાં હોય કે એક પાત્ર ખરી પડયું હોય. આવી વ્યક્તિઓ લેભાગુ અસામાજિકોના જલ્દી શિકાર બને છે. બ્લેક મેઈલિંગની બીકે પોતાની મરણમૂડી પણ ગુમાવવાનો વારો આવે છે. ન કહેવાય ન સહેવાય, એવી પરિસ્થિતિમાં ક્યારેક આત્મહત્યાનો ભોગ બને છે. સમાજશાસ્ત્રીઓએ આ વિષયને ગંભીરતાથી લેવો જોઈએ અને માનસિક મૂંઝવણમાંથી મુક્ત કરવાં જોઈએ.
અડાજણ – અનિલ શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.