Columns

કયા સરનામે વિશ્વાસને શોધવો, કારણ કે તેનું કોઇ કાયમી ઠેકાણું નથી

વાત 20 વર્ષ પહેલાંની છે. કેતન જોષીની બદલી અમદાવાદથી રાજકોટ નજીક આવેલા જસદણ ખાતે થઈ હતી. તે એક સહકારી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. આમ તો અમદાવાદ છોડી જસદણ જેવા નાનકડા ગામમાં નોકરી કરવાની ઈચ્છા નહોતી પરંતુ ગામડામાં નોકરી કરવાનો પહેલો અનુભવ હોવાને કારણે ખરેખર ગામડું કેવું હોય છે તે જોવાની ઇચ્છા પણ હતી. જેના કારણે બદલીનો ઓર્ડર મળતાંની સાથે જ ત્રીજા દિવસે કેતન જોષી પોતાની નોકરીના સ્થળે જસદણ હાજર થઈ ગયા. નાનકડું નગર હોવાને કારણે નવા મેનેજરને મળવા માટે અનેક લોકો આવતા હતા અને બધા પોતાના નગરની વાત કરતા હતા. જેમાં મોટાભાગના લોકોએ કેતન જોષીને ખાનગીમાં એક સલાહ આપી હતી. ગામમાં બધા સાથે વ્યવહાર રાખજો પણ રઉભા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નહીં. કારણ કે તે મોટો બદમાશ હોવાની સાથે ગુંડો પણ છે. રઉભા કાઠી દરબાર હતા અને ગામમાં અને આસપાસના વિસ્તારમાં તેની ધાક હતી. જો કે કેતન જોષીને ખબર હતી કે આવા પ્રકારના લોકોને કયારેય બેંક સાથે પનારો પડતો નથી. તેથી તેમને તે અંગે ચિંતા કરવાની કંઈ જરૂર નહોતી.

રઉભા જ કાઠી દરબાર હતો અને તેના વ્યવહારમાં પણ દરબારપણું હતું. મોટી મોટી મૂછો અને પહોળી છાતી જોઈ ભલભલાને ડર લાગે તેવો હતો. તે બહુ ઓછું બોલતો પણ તેની મોટી મોટી આંખો જોઈ લાગતું કે તે ઘણું બધું કહેવા માગે છે. તે ગુંડાગીરી કરતો પણ કોઈ નિર્દોષને કયારેય રંજાડતો નહોતો. તેનો ઝઘડો પણ મોટા માથાભારે લોકો સાથે જ થતો હતો. તેમાં પણ ગામની કોઈ સ્ત્રીને તેણે પરેશાન કરી હોય તેવું ક્યારેય બન્યું નહોતું. ગામની સીમમાંથી કોઈ સ્ત્રી એકલી આવતી હોય અને સામે તેને ૨ઉભા મળી જાય તો ખુદ રઉભા પોતાની નજર નીચી કરી નીકળી જતો હતો. ક્યારેક દુનિયામાં સારા નહીં ગણાતા માણસો સારા કહેવાતા માણસો કરતાં પણ વધુ સારા હોય છે કારણ કે તે લોકો પોતાની જાત સાથે પ્રતિબદ્ધ હોય છે. કેતન જોષીએ તેના વિશે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હતું. જેના કારણે તેને જોવાની ઇચ્છા હતી પણ સાથે રઉભાના કારનામા સાંભળી ડર પણ લાગતો હતો. જેના કારણે તેમણે કયારેય તેને મળવાનો પ્રયત્ન કર્યો નહોતો.

કેતન જોષી ગામમાં નવા હોવાને કારણે તેમને બહુ ઓછા લોકો સાથે ઊઠકબેઠક હતી પણ તેમની નિયમિત બેઠક ગામના ગોર મહાજન ઉમેશભાઈ સાથે હતી. બંને બ્રાહ્મણ હોવાને કારણે સારું બનતું હતું. કયારેક ગોર મહારાજ કેતન જોષીને આગ્રહ કરી પોતાના ઘરે જમાડીને મોકલતા હતા. આમ પણ કેતન જોષી એકલા રહેતા હતા. તે દિવસે પણ ગોર મહારાજના ઘરેથી જમી રાતે ઘરે આવેલા કેતન જોષીની આંખ મીંચાઇ હશે ત્યાં જ તેમને દરવાજો ખખડાવવાનો અવાજ આવ્યો. પહેલા તો લાગ્યું કે ભાસ થાય છે પણ ધ્યાનથી સાંભળ્યું તો ખરેખર કોઈ દરવાજો ખખડાવતું હતું એટલે તેમણે આંખ ચોળતાં-ચોળતાં દરવાજો ખોલ્યો તો ગોર મહારાજના ઘરની પાસે રહેતો એક છોકરો ઊભો હતો.

દરવાજો ખોલતાં જ તેણે કહ્યું, ‘’ગોર મહારાજ તમને હમણાં જ બોલાવે છે.’’ કેતન જોષીને આશ્ચર્ય થયું કારણ કે આટલી રાતે તાત્કાલિક બોલાવવા પડે એવું તો શું કામ પડ્યું હશે? છતાં ગોર મહારાજ બોલાવતા હતા એટલે જવું પડે તેમ હતું. કેતન જોષી મહારાજના ઘરે પહોંચ્યા ત્યારે મહારાજ ચિંતાતુર હતા. તેમની નજીક એક માણસ ઊભા પગે બેઠો હતો. તેના કપડાં ગામઠી અને મેલાઘેલા હતા. કેતન જોષી આવ્યા તેની સાથે મહારાજ ઊભા થયા અને તેણે પોતાના ઘરનો મુખ્ય દરવાજો બંધ કર્યો. તેમનો આ વ્યવહાર જરા વિચિત્ર અને સમજાય તેવો નહોતો. દરવાજો બંધ કરતા મહારાજે કેતન જોષી સામે ભાવુક નજરે જોતાં કહ્યું, ‘’જોષી સાહેબ, તમારી એક મદદની જરૂર પડી છે.

જો તમે મદદ કરો તો મોટો ઉપકાર થશે.’’ કેતન જોષીની આંખમાં અનેક પ્રશ્નો હતા કારણ કે તેમને હજી આખી વાત સમજાઈ નહોતી. ગોર મહારાજ તેમની આંખોમાં રહેલો પ્રશ્ન સમજી ગયા. તેમણે પોતાના પગ પાસે બેઠેલા માણસ તરફ ઈશારો કરતા કહ્યું, ‘’સાહેબ, આ ૨ઉભા છે.’’ ૨ઉભાનું નામ સાંભળતાં કેતન જોષીના શરીરમાંથી જાણે વીજળી પસાર થઈ હોય તેમ તેમના રુંવાટા ઊભા થઈ ગયાં. ૨ઉભાએ બે હાથ જોડી કેતન જોષીને નમસ્કાર કર્યા. હમણાં સુધી ૨ઉભા વિશે ઘણું સાંભળ્યું હતું પણ મળવાનું ક્યારેય થયું નહોતું. તેને જોવાની ઈચ્છા હતી પણ તે આવી રીતે મળશે તેની ખબર નહોતી. તેને જોયા પછી લાગ્યું કે સાંભળ્યું હતું એટલો ડરામણો નથી. જો કે તેના ચહેરા ઉપર એક પ્રકારની લાચારી હતી. તેના કારણે જ તે ગોર મહારાજ પાસે આવ્યો હતો.

ગોર મહારાજે વાત આગળ વધારતા કહ્યું, ‘’રઉભાની બહેનનું લગ્ન લીધું છે. તેને પૈસાની તાત્કાલિક જરૂર છે. જો તમે લોન કરી આપો તો સારું.’’ કેતન જોષીએ ૨ઉભા સામે જોયું. લોકો જેનાથી ડરતા હતા તે ભિક્ષુક નજરે જોઈ રહ્યો હતો.  ગામમાં આવ્યા ત્યારે અનેક લોકોએ ૨ઉભા સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં કરવા માટે ચેતવ્યા હતા અને ગોર મહારાજ તેને લોન આપવાની ભલામણ કરતા હતા! કેતન જોષીએ પ્રશ્ન પૂછયો, ‘’કેટલી લોન જોઈએ છે?’’ તરત મહારાજે જવાબ આપ્યો. ‘’બસ સાહેબ, 35 હજા૨.’’ ૨ઉભા એક પણ શબ્દ બોલતો નહોતો. જોષી થોડો વિચાર કરી રહ્યા હતા. એ જોઈ મહારાજે કહ્યું, ‘’જોષી સાહેબ, તમે ૨ઉભા વિશે ઘણું સાંભળ્યું હશે.

તેમાં ખોટું કઈ નથી પણ તે જુબાનનો પાકો છે. તે તમારા પૈસા જરૂર પાછા આપશે.’’ જોષીએ રઉભા સામે જોયું એટલે તે બે હાથ જોડી પહેલું વાક્ય બોલ્યો, ‘’સાહેબ તમારા પૈસા દૂધે ધોઈ પાછા આપીશ.’’ કેતન જોષીને રઉભાના શબ્દોમાં ભારોભાર વિશ્વાસ દેખાયો. બેંકમાં જયારે રઉભાની લોનના કાગળો તૈયાર કર્યા ત્યારે ખુદ બેંકના સ્ટાફે કેતન જોષીને સલાહ આપી કે ‘’રઉભાના લફરામાં પડતા નહીં કારણ કે તે લોન નહીં ભરે તો કોઈની હિંમત નથી કે તેની પાસે પૈસા માગવા જાય.’’ તેની લોન મંજૂર કરી રઉભાને 35 હજાર રોકડા આપ્યા ત્યારે તે કેતન જોષીને પગે લાગી બેંકમાંથી નીકળ્યો હતો પરંતુ તે ગયો તે ગયો પછી કયારેય બેંકમાં તો ઠીક પણ ગામમાં પણ દેખાયો નહીં. કેતન જોષી તેના વિશે મહારાજને પૂછતાં ત્યારે તે આશ્વાસન આપતા કે તે પૈસા આપવા જરૂર આવશે. તે વાતને મહિનાઓ પસાર થવા લાગ્યા, જેના કારણે ખુદ કેતન જોષીને લાગ્યું કે તેમણે મોટી ભૂલ કરી છે.

એક દિવસ રાતે ફરી વખત જોષીનો દરવાજો ખખડ્યો. તેમણે દરવાજો ખોલતાં બહાર ઊભા રહેલા છોકરાએ કહ્યું, ‘’ગોર મહારાજ બોલાવે છે.’’ જોષી તરત મહારાજને ઘરે આવ્યા. મહારાજના ઘરમાં દાખલ થતા કેતન જોષીની નજર રઉભા ઉપર પડી. તેની આંખો લાલઘૂમ હતી અને તે ગુસ્સામાં હતો તે જોઈ શકાતું હતું. જોષી ઘરમાં આવતા તરત મહારાજે વાત શરૂ કરતા કહ્યું, ‘’સાહેબ, રઉભા ગામ છોડી જઈ રહ્યો છે. કારણ કે તેના હાથે બે ખૂન થઈ ગયાં છે.’’ આ સાંભળી કેતન જોષીએ મનોમન સ્વીકારી લીધું કે હવે તે આપેલી લોન કયારેય પાછી નહીં આપે. તેમની નજર રઉભા ઉપર પડી.

તે રીતસર હાંફી રહ્યો હતો. તેણે પણ તરત વાત આગળ વધારતાં કહ્યું, ‘’તમે મારી બહેનના લગ્નનો પ્રસંગ સાચવી લીધો. તમારો ઉપકાર કયારેય નહીં ભૂલું. હવે કયારે પાછો આવીશ તેની ખબર નથી પણ તમને આપેલું વચન પૂરું કરીશ.’’ તેમ કહી તેણે પોતાની કપડાની થેલીમાં રહેલા રોકડ રૂપિયા બહાર કાઢતાં કહ્યું, ‘’પૂરા 52 હજાર છે. વ્યાજ સહિત કેટલા ચૂકવવાના છે, તેની ખબર નથી પણ તમે આ બધા લઈ જાઓ. વધે તો મહારાજને આપી દેજો.’’ આટલું કહી તે કેતન જોષી અને મહારાજને પગે લાગી ત્યાંથી નીકળી ગયો.

બીજા દિવસે કેતન જોષીએ અખબારમાં રઉભા વિશે સમાચાર વાંચ્યા અને થોડા દિવસ પછી એવું પણ જાણ્યું કે રઉભા પકડાઈ ગયો. પછી તેની સામે કેસ ચાલતાં અદાલતે તેને જન્મટીપની સજા ફટકારી હતી. તે દિવસ પછી કેતન જોષીને કયારેય ૨ઉભા મળ્યો નથી. થોડાં વર્ષો પહેલાં એવા સમાચા૨ હતા કે તે સાબરમતી જેલમાં છે. કેતન જોષી હાલમાં અમદાવાદની બેંકમાં ઉચ્ચ હોદ્દા ઉપર છે. હાલમાં જ્યારે બેંક સાથે કહેવાતા સારા લોકો છેતરપિંડી કરે છે ત્યારે તેમને રઉભા યાદ આવે છે. છેલ્લી વખતે 52 હજાર રૂપિયા લઈ આવેલા રઉભાની આંખમાં જે પ્રામાણિકતા હતી, તેવી પ્રામાણિકતાની કદાચ બધે જ અછત છે.

Most Popular

To Top